ચૂંટણીમાં કાંદા રડાવશે એ પાકું

21 February, 2024 07:00 AM IST  |  Mumbai | Rohit Parikh

રવિવારે કાંદાના નિકાસ પ્રતિબંધને આંશિક રીતે પાછો ખેંચવાના નિર્ણય બાદ અચાનક અધિકારીઓએ અછત અને ભાવવધારાનો ભય બતાવીને કાંદાની નિકાસ પરનો પ્ર‌તિબંધ એની ૩૧ માર્ચની સમયમર્યાદા સુધી ચાલુ રહેશે એવી કરી જાહેરાત

કાંદાની પ્રતીકાત્મક તસવીર

સરકારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવવાની તૈયારી શરૂ કર્યા બાદ સોમવારે મહારાષ્ટ્રની જથ્થાબંધ બજારમાં કાંદાના ભાવ ૬૦૦ રૂપિયા વધીને સરેરાશ ૧૮૫૦ રૂપિયા ક્વિન્ટલ થયા હતા. જોકે સોમવારે કાંદાની કિંમત એક જ દિવસમાં અંદાજે ૪૧ ટકા વધી જતાં સરકારે ભાવને નિયંત્રણ રાખવા અને સ્થાનિકમાં કાંદાના સ્ટૉકને સુનિ‌શ્ચિત કરવાના ઉદ્દેશથી કાંદાની નિકાસ પરનો પ્ર‌તિબંધ એની અગાઉની કરેલી ૩૧ માર્ચની સમયમર્યાદા સુધી ચાલુ રહેશે એવી જાહેરાત સાથે કાંદાની હોલસેલ માર્કેટ ફરીથી તૂટી ગઈ હતી. કાંદાના વેપારીઓ અને ખેડૂતો કહે છે કે સરકારની આ નીતિથી અમે આર્થિક સંકટમાં આવી જવાની પૂરી શક્યતા છે.

રવિવારે દિલ્હીમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહની અધ્યક્ષતામાં પ્રધાનોની સમિતિની  બેઠકમાં કાંદાના નિકાસ-પ્રતિબંધને આંશિક રીતે પાછો ખેંચવાનો નિર્ણય લેવાયો હતો. જોકે એના ૪૮ કલાકમાં જ સરકારી અધિકારીઓએ સરકારને કહ્યું હતું કે રવી પાકમાં ઘટાડો થવાને કારણે ભારતમાં કાંદાની અછત છે. આવા સમયે કાંદાના અગ્રણી નિકાસકારોએ સરકારને ચેતવણી આપી હતી કે કાંદાની અછતને લીધે નિકાસના ભાવને નિયંત્રિત કર્યા વગર નિકાસની છૂટ ન આપવી જોઈએ. એને લીધે ગઈ કાલે સરકારે ફરીથી કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ આંશિક રીતે હટાવવાના નિર્ણયને સ્થગિત કરી દીધો હતો અને અગાઉની જાહેરાત પ્રમાણે ૩૧ માર્ચની સમયમર્યાદા સુધી ચાલુ રહેશે એવી જાહેરાત કરી હતી.

અમને સરકારની ની‌તિ પર શંકા હતી જ એમ જણાવતાં મહારાષ્ટ્ર અન્યન પ્રોડ્યુસર્સ ફાર્મર્સ અસોસિએશનના પ્રમુખ ભરત દિઘોળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સરકારે સોમવારે નોટિફિકશન બહાર ન પાડતાં જ અમને સરકારની નીતિ પર શંકા હતી. સરકારે ૮ ડિસેમ્બરથી ૩૧ માર્ચ સુધી કાંદાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. અમને મળેલા સમાચાર મુજબ ચૂંટણી પહેલાં ૩૧ માર્ચ પછી પણ પ્રતિબંધ હટાવવાની કોઈ જ શક્યતા નથી. સોમવારે ૨૧૦૦ રૂ​પિયા સુધી પહોંચેલા કાંદાના ભાવ ગઈ કાલે પાછા ૧૫૦૦થી ૧૬૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે પહોંચી ગયા હતા. આના ખેડૂતોના પ્રત્યાઘાત ચૂંટણીમાં સરકારને જોવા મળશે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ લોકસભામાં એનડીએની સીટો વધે એવી આશા રાખે છે તો પહેલાં તેમણે ખેડૂતો પર પણ નજર રાખવી પડશે. ખેડૂતો પણ તેમને ૨૦૦૦ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ ભાવ ઓછામાં ઓછો મળે એવી સરકાર પાસે આશા રાખે છે. સરકાર નહીં સમજે તો તેમને આગામી ચૂંટણીમાં એનાં પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે. ગઈ કાલે સરકારે અચાનક કાંદાના નિકાસના મુદ્દે પલટી ખાઈને ‌ફક્ત કિસાનોને જ નહીં, વેપારીઓને પણ બહુ મોટો ઝટકો આપ્યો છે.’

સોમવારે નિકાસ શરૂ થશે એ આશાએ વેપારીઓએ ખેડૂતોને વધારે ભાવ આપીને કાંદાનો જથ્થો ખરીદી લીધો હતો એમ જણાવતાં નાશિક અને પુણેના કાંદાના વેપારી નંદલાલ જવરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘અચાનક સરકારે ‌નિર્ણય બદલતાં ગઈ કાલે માર્કેટ તૂટી જતાં વેપારીઓ મુસીબતમાં આવી ગયા હતા. ગઈ કાલે માર્કેટમાં મંદ ઘરાકી હતી. વેપારીઓએ ખરીદેલો માલ તેમના ગોડાઉનમાં જ અટકી ગયો હતો. તેમના ભાવે ખરીદવા કોઈ તૈયાર નહોતું. હવે આવતી કાલથી ૧૩થી ૧૫ રૂપિયે પ્રતિ કિલો માલ વેચાશે. ત્યાર પછી ભાવ પ્રતિ કિલોએ આઠથી દસ રૂપિયા પહોંચી જશે. આનાથી ખેડૂતો આ​ર્થિક સંકટમાં આવી જશે. વેપારીઓ પણ મુસીબતમાં આવી જશે. આમ સરકારની આ નીતિથી બન્નેની મુસીબતોમાં વધારો થશે, જેની અસર ચૂંટણીના સમયે જોવા મળશે.’

કાંદાના મુંબઈના નિકાસકારો અને મહારાષ્ટ્રના વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આજે આપણા દેશનો સામાન્ય માણસ પણ ૧૦થી ૨૦ હજાર રૂ‌પિયાથી લઈને એક લાખ રૂપિયા સુધીનો મોબાઇલ યુઝ કરે છે. ફિલ્મ જોવા જાય તો ૨૦૦થી ૩૦૦ રૂપિયાની પૉપકૉર્ન ખાય છે. આ લોકોને ૬૦ રૂપિયે પ્રતિ કિલો કાંદા મોંઘા પડે છે એવું સરકાર માને છે. સરકારે સબસિડી હટાવી દીધી તો પણ બહારગામની ટ્રેનો ફુલ જાય છે. અનાજના ભાવ વધી ગયા પછી પણ આમજનતાને એની સામે વિરોધ નથી અને મહિને ૮૦૦ રૂપિયા કાંદાનો ખર્ચ વધે તો સરકાર કહે છે કે તેમનું બજેટ હલી જાય છે. શું ફક્ત કાંદા જ ગૃહિણીઓના બજેટ બગાડે છે. સરકારની આ માન્યતા ખોટી છે. નવાઈની વાત તો એ છે કે ગૃહપ્રધાન અમિત શાહ રવિવારે કાંદાની નિકાસ પરનો પ્રતિબંધ પર ઉઠાવી લેવાની વાત કરે છે અને તેમના અધિકારીઓને સોમવારે કાંદાની અછત અને ભાવ વધશે એવો ભય લાગવાથી તેઓ ગઈ કાલે અગાઉની જાહેરાત પ્રમાણે ૩૧ માર્ચની સમયમર્યાદા સુધી ચાલુ રહેશે એવી જાહેરાત કરે છે. સરકારને મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશ, ગુજરાતના અમુક ભાગોમાં ચૂંટણીમાં કાંદા ચોક્કસ રડાવશે.’

mumbai news mumbai maharashtra news maharashtra onion prices