લાલબાગચા રાજાને ચડાવવામાં આવ્યો ડૉલરનો હાર

16 September, 2026 07:37 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

આટલા બધા ડૉલરની નોટોનો હાર જોઈને અહીં આવતા ગણેશભક્તો પણ છક થઈ ગયા હતા.

લાલબાગચા રાજા

દેશનાં સૌથી શ્રીમંત ગણેશ મંડળોમાં જેમનો સમાવેશ થાય છે એવા લાલબાગચા રાજાને એક ભક્તે ડૉલરથી મઢ્યા હતા. ગણેશોત્સવના પહેલા જ દિવસે એક ભક્તે લાલબાગચા રાજાને ડૉલરનો હાર અર્પણ કર્યો હતો. લાલબાગચા રાજાની ઊંચી મૂર્તિને ગળેથી છેક પગ સુધી પહોંચે એ રીતે ડૉલરનો આ હાર તૈયાર કરવામાં આવ્યો હતો. આ હાર પણ ફક્ત ગળેથી પગ સુધી સીધેસીધો પહોંચી જાય એ રીતનો નથી, વચ્ચે-વચ્ચે ડૉલર્સની સેંકડો નોટથી ફૂલ આકારમાં ડેકોરેશન પણ કરવામાં આવ્યું છે. આ ડૉલરની ખરી કિંમત શું છે અને કેટલા ડૉલરનું દાન આપવામાં આવ્યું છે એ વિશે કોઈ ફોડ પાડવામાં આવ્યો નહોતો. જોકે આટલા બધા ડૉલરની નોટોનો હાર જોઈને અહીં આવતા ગણેશભક્તો પણ છક થઈ ગયા હતા.

પહેલા જ દિવસે લાલબાગચા રાજાને ૪૮.૫ લાખ રૂપિયાનું દાન ધરાયું

ગણેશોત્સવના પહેલા જ દિવસે લાલબાગચા રાજાનાં ચરણોમાં ભક્તોએ ૪૮.૫ લાખ રૂપિયાનું દાન ધર્યું હતું. સોનું, ચાંદી અને રોકડ એમ કુલ મળીને ૪૮.૫ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું. સ્ટેજ પરના બૉક્સમાં ૨.૭૫ લાખ રૂપિયાનું દાન અને દર્શનની લાઇનના બૉક્સમાં ૨૧ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું, જ્યારે સોના અને ચાંદીનું દાન પણ પહેલા દિવસે લાલબાગચા રાજાને અર્પણ કરવામાં આવ્યું હતું. ૬૬.૭૭૦ ગ્રામ વજનનું સોનું અને ૨૮૦૬ ગ્રામ ચાંદી લાલબાગચા રાજાનાં ચરણોમાં ધરાવવામાં આવ્યાં હતાં.

mumbai news mumbai lalbaugcha raja lalbaug