06 October, 2026 02:20 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ગુંદવલી
દહીસર-ઈસ્ટથી અંધેરી-ઈસ્ટ (ગુંદવલી) વચ્ચે ચાલતી મેટ્રો 7ના ગુંદવલી સ્ટેશન પર ઊતર્યા પછી ઘણા મુસાફરોને નીચે ઊતરીને હાઇવે ક્રૉસ કરવો પડે છે. સિગ્નલ અને ચારેતરફથી આવતાં પુષ્કળ વાહનોને કારણે મેટ્રો સ્ટેશનથી ડાયરેક્ટ હાઇવેની બીજી બાજુ ઊતરવા બ્રિજ બનાવવાની માગણી મુસાફરો દ્વારા કરવામાં આવતી હતી. હવે એને ગંભીરતાથી લઈ મેટ્રો 7 બનાવનાર મુંબઈ મેટ્રોપૉલિટન રીજન ડેલવપમેન્ટ ઑથોરિટી (MMRDA)એ ગુંદવલી સ્ટેશન ખાતે જોગેશ્વરી સાઇડ ૧૬૪ મીટર લાંબો ફુટઓવર બ્રિજ બનાવવાનો નિર્ણય લીધો છે.
પ્રસ્તાવિત ફુટઓવર બ્રિજ (FOB) ગુંદવલી મેટ્રો સ્ટેશનના નૉર્થ છેડે બનાવવામાં આવશે. એ મેટ્રો ટ્રૅકને સમાંતર આગળ વધશે અને ત્યાર બાદ અંધેરી-ઈસ્ટનો જોગ ફ્લાયઓવર જ્યાં પૂરો થાય છે એની નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવેને ઓળંગશે. હાઇવેની સામેની બાજુએ આ બ્રિજ ફ્લાયઓવરને સમાંતર નહીં ચાલે. ૧૬૪ મીટર લાંબા આ બ્રિજના નિર્માણમાં ચોમાસાના સમયગાળાને બાદ કરતાં એક વર્ષ લાગવાની ધારણા છે. MMRDAએ આ પ્રોજેક્ટ માટે સલાહકાર અને કૉન્ટ્રૅક્ટરની નિમણૂક કરવા માટે ટેન્ડર બહાર પાડ્યાં છે.
સાઉથ બાજુનો ફુટઓવર બ્રિજ પણ હાઇવે ઓળંગવામાં મદદ કરશે
ગુંદવલી મેટ્રો સ્ટેશનની સાઉથ સાઇડે પહેલેથી જ બીજા એક ફુટઓવર બ્રિજનું નિર્માણકાર્ય ચાલી રહ્યું છે. એનો ઉદ્દેશ પણ મુસાફરોને વાહનોની અવરજવરના સંપર્કમાં આવ્યા વિના હાઇવે ઓળંગવામાં મદદ કરવાનો છે. દક્ષિણ બાજુના પુલનું કામ ધીમું રહ્યું છે અને આ માળખાનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું છે કે પદયાત્રીઓ જોગ ફ્લાયઓવરની નીચેથી પસાર થઈ શકે. દક્ષિણ બાજુનો બ્રિજ હાલના એલિવેટેડ પૅડેસ્ટ્રિયન વૉકવે સાથે જોડાશે જે ગોલ્ડસ્પૉટ/બિસલેરી ફૅક્ટરી જંક્શન પર પૂરો થાય છે. આ બે પુલ મેટ્રો 7 અને મુંબઈ મેટ્રો 1 વચ્ચે મુસાફરી કરતા લોકો માટે બન્ને લાઇનો વચ્ચેની અવરજવર સરળ બનાવશે.