28 March, 2026 10:55 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇલ તસવીર
મુંબઈ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર મુસાફરો દ્વારા લગેજ ભૂલી જવાની ઘટનાઓમાં નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. ૨૦૨૫ દરમ્યાન મુંબઈ ઍરપોર્ટ પર કુલ ૯૦,૨૦૦ જેટલી ચીજવસ્તુઓ મુસાફરો ભૂલી ગયા હતા. જે અગાઉના વર્ષની સરખામણીએ ૩૫ ટકા વધુ છે.
ડેટા મુજબ ઍરપોર્ટ પર દર મહિને સરેરાશ ૭૫૦૦ જેટલી વસ્તુઓ હવાઈ મુસાફરો દ્વારા ભુલાઈ ગઈ હતી. ખોવાયેલી આ ચીજવસ્તુઓમાં માત્ર સામાન્ય લગેજ જ નહીં, પાસપોર્ટ અને કીમતી જ્વેલરી અને અત્યંત મહત્ત્વના દસ્તાવેજો ભરેલી બૅગ જેવી મહત્ત્વની વસ્તુઓનો પણ સમાવેશ થાય છે. ગયા વર્ષે મુંબઈ ઍરપોર્ટ પરથી આશરે ૫.૫ કરોડ મુસાફરોએ અવરજવર કરી હતી. મુસાફરોની સુવિધા માટે હવાઈ મથક પરનો લૉસ્ટ ઍન્ડ ફાઉન્ડ વિભાગ સતત ૨૪ કલાક કાર્યરત રહે છે.
એપ્રિલ ૨૦૨૪માં શરૂ કરવામાં આવેલી ઑનલાઇન સિસ્ટમને કારણે અનેક કિસામાં એક જ દિવસમાં મુસાફરોને તેમના ભુલાઈ ગયેલા લગેજની ચીજવસ્તુઓ પાછી સોંપવામાં આવી હતી. ઍરપોર્ટ પ્રશાસન દ્વારા લગેજની દરેક ખોવાયેલી ચીજોની સાચવણી માટે નિર્ધારિત પ્રોટોકૉલ પ્રમાણે સમયગાળો નક્કી કરવામાં આવ્યો છે. એમાં મહત્ત્વના દસ્તાવેજો ૯૦ દિવસ સુધી, દારૂ એક મહિના સુધી અને નાશવંત વસ્તુઓ ૪૮ કલાક સુધી સાચવી રાખવામાં આવે છે.
જો નિશ્ચિત સમયમર્યાદા બાદ આવી કોઈ વસ્તુ પર દાવો કરવામાં ન આવે તો નિયમ અનુસાર એને કસ્ટમ્સ વિભાગને સોંપવામાં આવે છે અથવા તો એને સ્વૈચ્છિક સંસ્થાઓમાં દાનસ્વરૂપે આપી દેવામાં આવે છે.