13 October, 2024 06:57 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિડ-ડેના ફોટોગ્રાફરે ઘટનાસ્થળની મુલાકાત લીધી ત્યારે ફાયર થયેલી ચાર બુલેટમાંથી એકનો શેલ એક જગ્યાએ અને બીજી ત્રણ બુલેટના શેલ એક જગ્યાએ પડેલા જોવા મળ્યા હતા. તસવીરો: આશિષ રાજે
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ના નેતા અને ત્રણ વખત કૉન્ગ્રેસના વિધાનસભ્ય રહી ચૂકેલા ૬૬ વર્ષના બાબા સિદ્દીકી પર ગઈ કાલે ૯.૧૫ વાગ્યે ત્રણ જણે બાંદરા-ઈસ્ટમાં ખેરવાડી જંક્શન પાસે ગોળીબાર કર્યો હતો, જેમાંથી બેથી ત્રણ ગોળી તેમને છાતી અને પેટમાં વાગી હતી. તેમને તરત જ લીલાવતી હૉસ્પિટલ લઈ જવાયા હતા જ્યાં દાખલ કરતાં પહેલાં જ ડૉક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર ખેરવાડી સિગ્નલથી બાંદરા ટર્મિનસ જતી ગલીમાં નિર્મલનગર વિસ્તારમાં એ વખતે દશેરાની ઉજવણી ચાલી રહી હતી અને ફટાકડા ફૂટી રહ્યા હતા ત્યારે તેમના પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. તેમના દીકરા ઝીશાન સિદ્દીકીની ઑફિસ પાસે એક ટેમ્પો અને ટ્રક પાર્ક કરાયેલાં હતાં એની બાજુમાં તેઓ ઊભા હતા ત્યારે આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક માહિતી અનુસાર હુમલાખોરોએ તેમના પર ચાર બુલેટ ફાયર કરી હતી, જેમાંથી બે કે ત્રણ તેમની છાતી અને પેટમાં વાગી હતી. તેમના એક સમર્થકને પણ ગોળી વાગી હતી.
બાબા સિદ્દીકી પર ગોળીબાર થયો હોવાની જાણ થતાં મોટી સંખ્યામાં તેમના સમર્થકો હૉસ્પિટલ પર પહોંચી ગયા હતા. તેમના દીકરા અને વિધાનસભ્ય ઝીશાન સિદ્દીકીને સમર્થકો સધિયારો આપી રહ્યા હતા. બીજી તરફ પાર્ટીપ્રમુખ અજિત પવારે લીલાવતી હૉસ્પિટલના ડૉક્ટરો સાથે આ સંદર્ભે વાત કરી હતી. નિર્મલનગર પોલીસે આ સંદર્ભે પ્રાથમિક તપાસ કરી SRA પ્રકરણને લઈને તેમના પર ગોળીબાર કરાયો હોઈ શકે એમ જણાવ્યું હતું. આ સંદર્ભે બે જણને તાબામાં લેવાયા હોવાનું જાણવા મળ્યું હતું.
NCPમાં શુક્રવારે જાણીતા ઍક્ટર સયાજી શિંદેએ પ્રવેશ કર્યો હતો ત્યારે એ સમારંભમાં પણ બાબા સિદ્દીકી હાજર રહ્યા હતા. બાબા સિદ્દીકી ૪૮ વર્ષથી રાજકારણમાં હતા અને વર્ષો સુધી કૉન્ગ્રેસમાં રહ્યા હતા.
રાજકીય પ્રવાસ અને બૉલીવુડ કનેક્શન
બાબા સિદ્દીકી કૉન્ગ્રેસમાંથી બાંદરા-ઈસ્ટ વિધાનસભામાં ૧૯૯૯, ૨૦૦૪ અને ૨૦૦૯માં સતત ત્રણ વખત ચૂંટાઈ આવ્યા હતા.આ ઉપરાંત તેઓ મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રધાન રહ્યા હતા.૨૦૧૯ની વિધાનસભાની ચૂંટણીમાં તેમનો પુત્ર ઝીશાન સિદ્દીકી કૉન્ગ્રેસમાંથી બાંદરા-ઈસ્ટની જ બેઠકમાંથી ચૂંટાઈ આવ્યો હતો. આજથી ત્રણેક મહિના પહેલાં બાબા સિદ્દીકીએ અજિત પવારની નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીમાં પ્રવેશ કર્યો હતો, જ્યારે કૉન્ગ્રેસે ઝીશાન સિદ્દીકીની યુથ કૉન્ગ્રેમાંથી હકાલપટ્ટી કરી હતી. બાબા સિદ્દીકીનો જન્મ ૧૯૫૮ની ૩૦ સપ્ટેમ્બરે મુંબઈમાં થયો હતો.કૉલેજમાં ભણતા હતા ત્યારથી જ તેમનો રાજકીય પ્રવાસ શરૂ થયો હતો.૧૭ વર્ષની ઉમંરે તેઓ કૉન્ગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા.રાજકારણની સાથે બાબા સિદ્દીકીના બૉલીવુડના કલાકારો સાથે નજીકના સંબંધ હતા. તેમની ઇફ્તાર પાર્ટીમાં આખું બૉલીવુડ ઊમટતું હતું.
૧૫ દિવસ પહેલાં જ ધમકી મળી હતી
શંકાસ્પદ આરોપીઓમાંથી એક આરોપી હરિયાણાનો અને એક ઉત્તર પ્રદેશનો છે અને હાલ તેમને તાબામાં લઈને અન્યની શોધ ચાલુ છે એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પત્રકારોને જણાવ્યું હતું. એવું પણ જાણવા મળ્યું હતું કે તેમને ૧૫ દિવસ પહેલાં જ ધમકી મળી હતી. ઝીશાનની ઑફિસ બહાર ઊભેલા બાબા સિદ્દીકી પર હુમલો કરનાર હુમલાખોરો મોટરસાઇકલ પર આવ્યા હતા. તેમણે ચહેરા પર રૂમાલ બાંધ્યો હતો. દશેરા હોવાથી માતાજીની મૂર્તિના વિસર્જનની શોભાયાત્રા ત્યાંથી પસાર થઈ રહી હતી ત્યારે ફટાકડા ફૂટી રહ્યા હતા એ તકનો લાભ લઈને તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. અન્ડરવર્લ્ડ દ્વારા આ હત્યા કરાઈ હોવાની શંકા હોવાથી પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે.