11 May, 2026 09:15 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
ભાઈંદર-ઈસ્ટમાં ૫૮ વર્ષની વ્યક્તિના શંકાસ્પદ રીતે થયેલા મોતથી ચકચાર મચી ગઈ છે. ગઈ કાલે સવારે ભાઈંદર-ઈસ્ટના નવઘર રોડ વિસ્તારમાં કર્ણાટક બૅન્કની સામે ક્લાસિક સ્ટીલ ઇન્ડસ્ટ્રીમાં તે વ્યક્તિનો મૃતદેહ શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. માથું બારીમાં ફસાયેલું હતું અને બાકીનું બૉડી ગ્રિલની બહાર લટકી રહ્યું હોવાથી આ ઘટના અકસ્માત, આત્મહત્યા કે પછી હત્યા છે એ વિશે વિવિધ તર્કવિતર્ક વ્યક્ત કરવામાં આવી રહ્યા હતા.
પ્રાથમિક માહિતી મુજબ જીવ ગુમાવનારા ઇન્દ્રજિત યાદવની બિલ્ડિંગમાં જ નીચે દુકાન હતી અને પહેલા માળે ગોડાઉનમાં સ્ટોરેજ કરાતું હતું. ઇન્દ્રજિત યાદવ ગાળામાં એકલો જ રહેતો હતો. ઘટનાસ્થળેથી મોબાઇલ ફોન મળી આવતાં એવી ધારણા છે કે તેનો મોબાઇલ ફોન બારીમાંથી છજા પર પડી ગયો હશે અને એને કાઢવાનો પ્રયાસ કરતી વખતે ગ્રિલમાંથી બહાર નીકળવા જતાં તેનું બૉડી નીકળી ગયા પછી ગળું બારીની ગ્રિલમાં ફસાઈ ગયું હશે અને તેનું મૃત્યુ ગૂંગળામણથી થયું હશે એવી આશંકા પોલીસે જતાવી છે.
દરમ્યાન, ઘટનાની માહિતી મળતાં જ મરનારના સંબંધીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને ઘટનાની સંપૂર્ણ તપાસની માગણી કરી હતી. આ સંદર્ભે પોલીસ CCTV કૅમેરાનાં ફુટેજ મેળવવાની કોશિશ કરી રહી છે અને સ્થાનિકોની પૂછપરછ કરવામાં આવી રહી છે.