૧૨૦ કરોડ રૂપિયાનો ૩,૦૦,૦૦૦ ઈ-સિગારેટનો જથ્થો જપ્ત થયો

22 May, 2026 09:00 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

DRIએ મલ્ટી સ્ટેટ સ્મગલિંગ નેટવર્ક પકડી પાડ્યું : ફર્નિચર અને મેટલ ચૅર પાર્ટના નામે લવાતા કન્ટેનરમાં ઈ-સિગારેટ છુપાવીને મુકાતી હતી

DRIએ જવાહરલાલ નહેરુ પોર્ટ ઑથોરિટી(JNPA)થી ૧૨૦ કરોડ રૂપિયાનો ૩,૦૦,૦૦૦ ઇ-સિગારેટનો જથ્થો જપ્ત કર્યો હતો.

ડિરેક્ટરેટ ઑફ રેવન્યુ ઇન્ટેલિજન્સ (DRI) દ્વારા જવાહરલાલ નેહરુ પોર્ટ ઑથોરિટી (JNPA) પર લવાયેલો ૧૨૦ કરોડ રૂપિયાની કિંમતનો ત્રણ લાખ ઈ-સિગારેટનો જથ્થો જપ્ત કરીને વિવિધ રાજ્યોમાં ચાલતું સ્મગલિંગ નેટવર્ક પકડી પાડ્યું હતું. આટલી મોટી સંખ્યામાં મળેલી ચાઇના મેડ ઈ-સિગારેટનો જથ્થો પકડાતાં તપાસ-એજન્સીઓને આંચકો લાગ્યો છે, પણ સાથે મેડિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા નિષ્ણાતોએ પણ ચિંતા વ્યક્ત કરી છે.

સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી ઈ-સિગારેટનો જથ્થો કયા માર્ગે લવાયો એની તપાસ ચાલી રહી છે. તપાસ-એજન્સીઓએ જણાવ્યા અનુસાર મહારાષ્ટ્ર ઉપરાંત ગુજરાત, દિલ્હી અને પશ્ચિમ બંગાળમાંથી પણ ઈ-સિગારેટ ભરેલાં કન્ટેનર મળી આવ્યાં હતાં. ફર્નિચર, મેટલ ચૅર પાર્ટ જેવી વસ્તુઓના નામે લવાતા કન્ટેનરમાં ઈ-સિગારેટનો જથ્થો લાવવામાં આવતો હોવાનું તપાસમાં જણાયું હતું. ઈ-સિગારેટ તરીકે જાણીતી ઇલેક્ટ્રિક નિકોટીન ડિલિવરી સિસ્ટમનો જથ્થો ચીનથી મોકલવામાં આવ્યો હોવાનું તપાસકર્તાઓને જણાયું હતું. 

આ જથ્થો સીધો JNPA લવાયો હતો કે પછી સાઉથઈસ્ટ એશિયાના દેશો મારફત મોકલાવવામાં આવ્યો હતો એ જાણવાના પ્રયત્ન ચાલી રહ્યા હોવાનું DRIના અધિકારીએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું. વિદેશમાં બેઠેલા ઈ-સિગારેટના સપ્લાયરને કઈ રીતે પેમેન્ટ ચૂકવવામાં આવતું હતું એ જાણવા માટે હવાલા નેટવર્કની તપાસ થઈ રહી છે અને ડિજિટલ ફુટપ્રિન્ટ મેળવવાના પ્રયાસ થઈ રહ્યા છે. 

- અભિતાશ સિંહ

mumbai news mumbai healthy living maharashtra news maharashtra