16 January, 2024 08:03 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શુક્રવારે ભરતડકે વડા પ્રધાનની જાહેર સભામાં જઈ રહેલા લોકો. (સૈયદ સમીર અબેદી)
મુંબઈ : મુંબઈ ટ્રાન્સ-હાર્બર લિન્ક (એમટીએચએલ)ના ઉદ્ઘાટન બાદ નવી મુંબઈમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીની જાહેર સભાના કાર્યક્રમમાં એક લાખથી વધુ લોકો હાજર હતા. એમાં આશરે ૧૩૦૦ લોકોએ ડીહાઇડ્રેશન અને માથાના દુખાવાની ફરિયાદ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ૧૨ જાન્યુઆરીએ દેશના સૌથી લાંબા દરિયાઈ પુલ એમટીએચએલનું ઉદ્ઘાટન કર્યું હતું અને નવી મુંબઈમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. રાયગડ જિલ્લા સિવિલ સર્જ્યન ડૉ. નીતિન દેવમાણેએ સોમવારે જણાવ્યું હતું કે ‘આ ઘટના બાદ અંદાજે ૧૩૦૦ લોકો બીમાર હોવાનું નોંધાયું છે. આ પ્રકારની મોટી ઇવેન્ટ થાય ત્યારે આ રીતે લોકો બીમાર થાય એવી ઘટનાની શક્યતા રહે છે. આ પ્રકારનાં ઓપન-ડૉર આયોજનોમાં હાજર રહેલા લોકોમાંથી એક-બે ટકા લોકોને જો આ પ્રકારની તકલીફ થાય તો એ સામાન્ય છે.’
ડૉ. દેવમાણેએ એમ પણ જણાવ્યું હતું કે ‘જિલ્લા વહીવટી તંત્ર અને રાજ્યના આપત્તિ વ્યવસ્થાપન વિભાગે સાવચેતીનાં પગલાં તરીકે વધારાની પથારીની વ્યવસ્થા તથા આશરે ૭૦ ઍમ્બ્યુલન્સની વ્યવસ્થા રાખી હતી અને તમામ તબીબી અધિકારીઓ પણ ફરજ પર હતા અમે દરેકની યોગ્ય રીતે સારવાર કરી શક્યા હતા. બે વ્યક્તિને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી અને બીજા દિવસે રજા આપવામાં આવી હતી.’
મહારાષ્ટ્ર ડિઝૅસ્ટર મૅનેજમેન્ટના એક સિનિયર ઑફિસરે જણાવ્યું હતું કે ‘જે લોકોએ ડીહાઇડ્રેશનની ફરિયાદ કરી હતી તેમને ઓઆરએસ પાણી, ગ્લુકોઝ અને હળવો ખોરાક આપવામાં આવ્યાં હતાં, જેથી તેમને સારું લાગે. આ પ્રકારની ઇવેન્ટમાં અમુક લોકો પોતાની સાથે પાણીની બૉટલ રાખતા નથી. આવી પરિસ્થિતિઓમાં તેમને થોડા સમય માટે ડીહાઇડ્રેશન અને માથાનો દુખાવો થાય છે.’