04 April, 2025 02:17 PM IST | Washington | Gujarati Mid-day Correspondent
(૧) ટ્રેડિશનલ પેસમેકર (૨) લેડલેસ પેસમેકર છે (૩) નવું પેસમેકર
જ્યારે હૃદયના ધબકારાની ગતિ અનિયમિત થઈ જતી હોય છે ત્યારે એને રિધમમાં લાવવા માટે કૃત્રિમ સ્ટિમ્યુલેશન મળી રહે એ માટે હૃદયમાં પેસમેકર બેસાડવામાં આવે છે. અમેરિકાની નૉર્થવેસ્ટર્ન યુનિવર્સિટીના સાયન્ટિસ્ટોએ એવું ટચૂકડું પેસમેકર બનાવ્યું છે જે દરદીના શરીરમાં નાખવાનું ખૂબ સરળ છે. એટલું જ નહીં, એ ચોખાના દાણા કરતાંય નાનું અને વિશ્વનું સૌથી ટચૂકડું પેસમેકર છે. નેચર જર્નલમાં છપાયેલા અભ્યાસમાં જણાવાયું છે કે આ ડિવાઇસ એવા નવજાત શિશુઓ માટે છે જેમને ટેમ્પરરી ધોરણે હૃદય ધબકવાની ગતિને મેઇન્ટેન કરવા માટે પેસમેકરની જરૂર છે.
છાતી પર લગાવવાનું લાઇટ સેન્સર અને ચોખાના દાણાથી પણ નાનું પેસમેકર.
સામાન્ય રીતે જે પેસમેકર્સ હોય છે એનું ડિવાઇસ મોટું તો હોય જ છે, પણ એને નાખવા વાયર્સ બેસાડવા અને કાઢવા બન્ને માટે સર્જરીની જરૂર પડે છે. બાયોઇલેક્ટ્રૉનિક્સના પાયોનિયર જૉન એ. રૉજર્સનું કહેવું છે કે ‘નવું શોધાયેલું પેસમેકર એની મિનિએચર સાઇઝને કારણે પીડિયાટ્રિક હાર્ટ સર્જરીમાં ખૂબ મહત્ત્વની ભૂમિકા ભજવશે. બાળકો માટે જેટલું નાનું ડિવાઇસ હોય એટલું બહેતર છે. આ ડિવાઇસ એનું કામ પૂરું થયા પછી શરીરમાં જ ઓગળી જાય છે.’
જન્મજાત હૃદયની ખામી સાથે જન્મતાં એક ટકા બાળકો માટે આ વરદાનરૂપ છે. ખામી સુધારવા માટે બાળકના હાર્ટ પર સર્જરીના વિકલ્પ તો ઘણા આવી ગયા છે, પરંતુ આ સર્જરી પછી હાર્ટને ટેમ્પરરી ધોરણે ધબકારાનું નિયમન કરતા પેસિંગ ડિવાઇસની જરૂર પડે છે. સાતથી દસ દિવસમાં હૃદય જાતે જ રિપેર થઈને એની નિયમિત ગતિ લઈ લે છે. એ માટે નવું શોધાયેલું પેસમેકર હાર્ટ સર્જરીઓની અસરકારકતા પણ વધારશે.
કેવી રીતે કામ કરશે?
આ ડિવાઇસને ઇન્જેક્શન વાટે શરીરમાં દાખલ કર્યા પછી છાતી પાસે એક સ્મૉલ, ફ્લેક્સિબલ, વાયરલેસ પૅચ લગાવવામાં આવે છે. જ્યારે પણ હાર્ટબીટ્સમાં અનિયમિતતા આવે ત્યારે પેસમેકરને સિગ્નલ મળે છે અને એ ઍક્ટિવેટ થઈ જાય છે. પેસમેકર બૅટરીથી સંચાલિત છે અને આ બૅટરી શરીરમાંના પ્રવાહીમાં ફરતી ઇલેક્ટ્રિકલ એનર્જીનો ઉપયોગ કરે છે. એમાં કોઈ રેડિયો સિગ્નલ્સની જરૂર નથી પડતી. એ માત્ર લાઇટની મદદથી હાર્ટબીટ કન્ટ્રોલ કરે છે.