29 January, 2025 10:50 AM IST | Kyiv | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
હાલમાં પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભમાં પહેલી ફેબ્રુઆરીએ ૭૩ દેશોના ડિપ્લોમૅટ્સને ત્રિવેણી સંગમમાં સ્નાન કરવા માટે આવવાનું આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું, જેમાં રશિયા અને યુક્રેનના ડિપ્લોમૅટ્સ પણ ભાગ લેવાના હતા; પણ હવે યુક્રેનના ડિપ્લોમૅટ્સ આ સ્નાનમાં ભાગ લેવાના નથી. રશિયાના ડિપ્લોમૅટ્સ સાથે અમે સ્નાન કરીએ એ શક્ય નથી એમ જણાવીને યુક્રેનની એમ્બેસીએ સોશ્યલ મીડિયામાં વિવિધ પોસ્ટ દ્વારા જણાવ્યું છે કે પહેલી ફેબ્રુઆરીએ મહાકુંભમાં યુક્રેનના ડિપ્લોમૅટ્સ તેમના પર હુમલો કરનારા રશિયાના ડિપ્લોમૅટ્સ સાથે સ્નાન કરશે એવા મીડિયા અહેવાલો માત્ર વિશફુલ થિન્કિંગ છે.
ભગવાન હનુમાન સાથે સરખામણી કરીને પોસ્ટમાં જણાવવામાં આવ્યું હતું કે જેમ ભગવાન હનુમાન ધર્મના રક્ષક હતા, અનિષ્ટ સામે અડીખમ ઊભા રહ્યા એમ યુક્રેન પણ ન્યાય અને સત્યના રક્ષક તરીકે અડગ છે. મહાકુંભમાં આક્રમણકારના પ્રતિનિધિઓ સાથે ભાગ લેવો એ આ સિદ્ધાંતો સાથે દગો કરશે. આમ યુક્રેનના રાજદૂત આ કાર્યક્રમમાં ભાગ લેવાનું ટાળશે.
શું હતો કાર્યક્રમ?
પહેલી ફેબ્રુઆરીએ ૭૩ દેશોના રાજદૂતો બોટમાં બેસી સંગમ પહોંચશે અને પવિત્ર સંગમમાં ડૂબકી લગાવશે. ત્યાર બાદ તેઓ અક્ષયવટ અને બડે હનુમાન મંદિરનાં દર્શન કરશે. તેઓ ડિજિટલ મહાકુંભ સેન્ટરની મુલાકાત લઈને મહાકુંભની મહત્તા જાણશે.