અમેરિકાએ ભારત પર ૨૬ નહીં, ૨૭ ટકા ટૅરિફ ઝીંકી છે

04 April, 2025 01:39 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

ડોનલ્ડ ટ્રમ્પની જાહેરાત અને સત્તાવાર આદેશમાં ટકાવારીમાં ફેરફાર

ડોનલ્ડ ટ્રમ્પ

અમેરિકાએ ભારત પર ૨૬ નહીં પરંતુ ૨૭ ટકા ટૅરિફ લગાવી છે. વાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશમાં આ વાતની પુષ્ટિ કરાઈ છે. અગાઉ ટૅરિફની જાહેરાત સમયે ટ્રમ્પ મીડિયા સમક્ષ ચાર્ટ સાથે દેખાયા હતા. એમાં ભારત માટે ૨૬ ટકા ટૅરિફનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, પરંતુ ટ્રમ્પ વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા સત્તાવાર આદેશમાં ભારત માટે ૨૭ ટકા ટૅરિફની વાત કરવામાં આવી છે.

ભારત પર બોલતાં રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે નવી દિલ્હી દ્વારા લગાવવામાં આવેલી ટૅરિફને ખૂબ જ કઠોર ગણાવી હતી. ટ્રમ્પ દ્વારા જાહેર કરાયેલા ટૅરિફ-ચાર્ટમાં ભારતનો ટૅરિફ-દર ૨૬ ટકા દર્શાવવામાં આવ્યો હતો ત્યારે મૂંઝવણ ઊભી થઈ હતી, જ્યારે વાઇટ હાઉસના સત્તાવાર આદેશમાં ૨૭ ટકાના ટૅરિફની વાત કરવામાં આવી હતી. ભારત ઉપરાંત સાઉથ કોરિયા, થાઇલૅન્ડ, મ્યાનમાર અને અન્ય દેશો માટેના ટૅરિફ-દરોમાં પણ જાહેરાત અને સત્તાવાર આદેશોમાં ફેરફાર જોવા મળ્યા હતા.

કયા દેશોના ટૅરિફમાં જોવા મળ્યો ફેરફાર?

દેશ

જાહેર કરાયેલી ટૅરિફ (%)

આદેશમાં ટૅરિફ (%)

ભારત

૨૬

૨૭

બોસ્નિયા અને હર્ઝેગોવિના

૩૫

૩૬

બોટ્સ્વાના

૩૭

૩૮

કૅમરૂન

૧૧

૧૨

ફૉકલૅન્ડ ટાપુઓ

૪૧

૪૨

મ્યાનમાર

૪૪

૪૫

થાઇલૅન્ડ

૩૬

૩૭

સર્બિયા

૩૭

૩૮

સાઉથ આફ્રિકા

૩૦

૩૧

સાઉથ કોરિયા

૨૫

૨૬

સ્વિટ્ઝરલૅન્ડ

૩૧

૩૨

ટ્રમ્પની ટૅરિફની ભારતના કયા સેક્ટરને નહીં થાય અસર? : અમેરિકનોને પણ નડશે મોંઘવારી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પે ભારત સહિત વિશ્વના ઘણા દેશો પર પારસ્પરિક ટૅરિફ લાગુ જાહેરાત કરી હતી. તેમણે ભારતમાંથી અમેરિકામાં આયાત થતી વસ્તુઓ પર ૨૭ ટકા ટૅરિફ લગાવી છે. ટ્રમ્પની ટૅરિફ ભારતનાં ઘણાં મુખ્ય ક્ષેત્રોને અસર કરશે તો કેટલાંક સેક્ટર ટ્રમ્પના ટૅરિફ હુમલાથી બચી ગયાં છે. બીજી તરફ ટ્રમ્પની ટૅરિફથી અમેરિકાવાસીઓને પણ મોંઘવારીનો માર પડશે. અમેરિકામાં પણ કેટલીક વસ્તુઓ મોંઘી થઈ શકે છે.

કયા સેક્ટરને થશે અસર?
ઑટોમોબાઇલ
જ્વેલરી
કાપડ
ઇલેક્ટ્રૉનિક્સ

કોને નહીં થાય અસર?
ફાર્માસ્યુટિકલ્સ
સેમિકન્ડક્ટર્સ
કૉપર
તેલ
ગૅસ
કોલસો
LNG

અમેરિકામાં શું-શું મોંઘું થશે?
મકાનનાં સૉફ્ટવુડ લાકડાં
બિઅર, વાઇન, વ્હિસ્કી અને ટકીલા
કાર અને ઈંધણ
મેપલ સિરપ
અવાકાડો ફળ

ટ્રમ્પનો ટૅરિફ-માર ખાનારા દુનિયાભરના દેશોએ શું કહ્યું?

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે વિશ્વના મોટા ભાગના દેશો પર ટૅરિફની જાહેરાત કરી દીધી છે. અમેરિકન પ્રમુખે કહ્યું હતું કે ‘હું વિશ્વભરના દેશો પર રેસિપ્રોકલ ટૅરિફ લાદતા ઐતિહાસિક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર કરી રહ્યો છું. રેસિપ્રોકલનો અર્થ એ છે કે તેઓ આપણી સાથે જેવું કરશે એવું જ આપણે તેમની સાથે કરીશું.’

ટ્રમ્પની ટૅરિફ-નીતિથી આખી દુનિયા ચિંતામાં મુકાઈ ગઈ છે ત્યારે હવે દુનિયાભરના દેશોમાંથી પ્રતિક્રિયા પણ આવી રહી છે.

કૅનેડા કૅનેડાના વડા પ્રધાન માર્ક કાર્નીએ જણાવ્યું હતું કે ‘અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટૅરિફ સામે અમારો દેશ જવાબી કાર્યવાહી કરશે. કૅબિનેટ બેઠકમાં અમેરિકાને કેવી રીતે જવાબ આપવો એની અમે ચર્ચા કરીશું.’

ચીન : ચીનના વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે ‘ચીન પોતાના અધિકારો અને હિતોનું રક્ષણ કરવા માટે કડક પ્રતિકૂળ પગલાં લેશે. ચીન અમેરિકાને તેમનું તાત્કાલિક એકપક્ષી ટૅરિફ પગલું રદ કરવા અને સમાન વાટાઘાટો દ્વારા પોતાના વેપાર-ભાગીદારો સાથેના મતભેદોને યોગ્ય રીતે ઉકેલ લાવવા માટે વિનંતી કરે છે.’

ઑસ્ટ્રેલિયા ઑસ્ટ્રેલિયાના વડા પ્રધાન ઍન્થની ઍલ્બનીઝે કહ્યું હતું કે ‘આ નિર્ણય સંપૂર્ણપણે અયોગ્ય છે. આ મિત્રનું કામ ન હોઈ શકે. અમે એના જવાબમાં અમેરિકા પર ટૅરિફ નહીં લાદીએ. આ નિર્ણય ઑસ્ટ્રેલિયાના લોકો આ સંબંધને કેવી રીતે જુએ છે એના પર અસર કરશે.’

બ્રિટન અમેરિકાએ બ્રિટન પર ૧૦ ટકા ટૅરિફ લગાવવાનો નિર્ણય લીધો હતો. બ્રિટને અમેરિકાની ડિસ્કાઉન્ટેડ રેસિપ્રોકલ ટૅરિફનો સંયમપૂર્વક જવાબ આપ્યો છે. બ્રિટને કહ્યું હતું કે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ.

ઇટલી ઇટલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયો મેલોનીએ યુરોપિયન યુનિયન સામેની નવી ૨૦ ટકા ટૅરિફને ‘ખોટી’ ગણાવતાં કહ્યું હતું કે એનાથી કોઈ પણ પક્ષને ફાયદો નહીં થશે, અમે યુનાઇટેડ સ્ટેટ્સ સાથે વેપારયુદ્ધ ટાળવા માટેના કરાર તરફ કામ કરવા માટેના તમામ પ્રયાસો કરીશું.

સાઉથ કોરિયા સાઉથ કોરિયાના વાણિજ્ય મંત્રાલયે કહ્યું હતું કે ‘સાઉથ કોરિયાના કાર્યકારી વડા પ્રધાન હાન ડક-સૂએ અધિકારીઓને કહ્યું છે કે તમે નવી ૨૫ ટકા ટૅરિફની સંભવિત અસરનું વિશ્લેષણ કરવા માટે વ્યાવસાયિક જૂથો સાથે કામ કરો જેથી નુકસાન ઓછામાં ઓછું કરી શકાય.’

બ્રાઝિલ : અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે બ્રાઝિલ પર ૧૦ ટકા ટૅરિફ લગાડી છે. બ્રાઝિલ સરકારે કહ્યું હતું કે ‘અમે અમેરિકાના આ નિર્ણયનું મૂલ્યાંકન કરી રહ્યા છીએ. યોગ્ય જવાબી પગલાં લેવાનું વિચારી રહ્યા છીએ.’

નૉર્વે: નૉર્વેના વેપાર અને ઉદ્યોગ પ્રધાન સેસિલી માયરસેથે કહ્યું હતું કે અમે ગણતરી કરી રહ્યા છીએ અને શું થયું છે એ જોઈ રહ્યા છીએ, પરંતુ એ સ્પષ્ટ છે કે આ વર્લ્ડ ઇકૉનૉમી માટે ગંભીર છે. એ અમારા પર પણ અસર કરશે.

સ્વીડન: સ્વીડિશ વડા પ્રધાન ઉલ્ફ ક્રિસ્ટર્સને જણાવ્યું હતું કે સ્વીડન મુક્ત વેપાર અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટે ઊભું રહેશે.

મેક્સિકો મેક્સિકોના પ્રમુખ ક્લાઉડિયા શિનબામે કહ્યું હતું કે અમે ટ્રમ્પની જાહેરાતની મેક્સિકો પરની અસરનું મૂલ્યાંકન કરીશું.

ચિલી ભારતના પ્રવાસે આવેલા ચિલીના પ્રમુખ ગૅબ્રિયલ બોરિકે ભારતમાં એક વેપાર મંચ પરથી ચેતવણી આપી હતી કે આવાં પગલાં અનિશ્ચિતતા ઊભી કરવા ઉપરાંત પરસ્પર સંમત નિયમો અને આંતરરાષ્ટ્રીય વેપારને સંચાલિત કરતા સિદ્ધાંતોને પણ પડકારે છે.

રશિયા, કૅનેડા, મેક્સિકો અને નૉર્થ કોરિયા ટ્રમ્પના નવા ફટકાથી કેવી રીતે બચી ગયાં?

ડોનલ્ડ ટ્રમ્પે પોતાની ટૅરિફમાં ભારત, બ્રિટન, ઑસ્ટ્રેલિયા, જપાન જેવા સહયોગીઓને પણ છોડ્યા નથી, પરંતુ દુનિયા ત્યારે ચોંકી ગઈ જ્યારે ટ્રમ્પે પોતાના કટ્ટર દુશ્મનો પર ઢીલી નીતિ દાખવી. રશિયા, ક્યુબા, બેલારૂસ અને નૉર્થ કોરિયા જેવા દેશોને આ નવી ટૅરિફથી છૂટ આપવામાં આવી છે. આ સાથે પાડોશી દેશ કૅનેડાને પણ ટૅરિફમાં છૂટ અપાઈ. ટ્રમ્પની યાદીમાં એક પૅટર્ન જોવા મળી છે કે જે દેશ જેટલી ટૅરિફ લગાવે છે, ટ્રમ્પે એનાથી અડધી ટૅરિફ લગાવી દીધી છે. અફઘાનિસ્તાન ૪૯ ટકા ટૅરિફ લગાવે છે, એના હિસાબથી એના પર પચીસ ટકા ટૅરિફ લાગવી જોઈતી હતી, પરંતુ ટ્રમ્પે એના પર માત્ર ૧૦ ટકા ટૅરિફ લગાવી.

રશિયા-નૉર્થ કોરિયા પર પ્રતિબંધોની અસર

રશિયા અને નૉર્થ કોરિયાને ટ્રમ્પની રેસિપ્રોકલ ટૅરિફથી છૂટ મળી છે. એનું મુખ્ય કારણ એ છે કે આ દેશ પહેલાંથી જ અમેરિકાના પ્રતિબંધોના દાયરામાં છે. વાઇટ હાઉસે સ્પષ્ટ કર્યું છે કે
આ દેશો વિરુદ્ધ પહેલાંથી જ આર્થિક પ્રતિબંધ એટલા આકરા છે કે તેમની સાથે કોઈ મહત્ત્વપૂર્ણ વ્યાપારિક લેવડ-દેવડ સંભવ જ નથી. એ જ કારણ છે કે એના પર અલગથી નવી ટૅરિફ લગાડવાની જરૂર નથી પડી.

કૅનેડા-મેક્સિકોને કેમ મળી છૂટ?

અમેરિકાએ બે સૌથી નજીકના વ્યાપારિક ભાગીદાર કૅનેડા અને મેક્સિકોને ટૅરિફ યાદીમાં સામેલ કર્યા નથી જેણે અનેક લોકોને આશ્ચર્યચકિત કરી દીધા છે. હકીકતમાં કૅનેડા અને મેક્સિકોને ટ્રમ્પની નવી ટૅરિફથી છૂટ જરૂર મળી છે, પરંતુ એનો મતલબ એ નથી કે એ સંપૂર્ણ રીતે મુક્ત છે. ટ્રમ્પ તંત્રએ પહેલાંથી જ કૅનેડા અને મેક્સિકોથી આવતા સામાન પર પચીસ ટકા ટૅરિફ લગાવી હતી જે ફેબ્રુઆરી ૨૦૨૫માં શરૂ થઈ હતી. આ સિવાય કૅનેડાનાં ઊર્જા અને પોટાશ ઉત્પાદનો પર પહેલાંથી જ ૧૦ ટકા ટૅરિફ લાગી છે. હાલની ટૅરિફના કારણે ટ્રમ્પ તંત્રએ નવી ટૅરિફથી તેમને બાકાત રાખ્યા. જોકે ભવિષ્યમાં આ દેશોને નવી શરતો હેઠળ ટૅરિફનો સામનો કરવો પડી શકે છે.

 

united states of america india russia canada mexico north korea new delhi international news news world news white house