01 April, 2025 04:11 PM IST | Naypyidaw | Gujarati Mid-day Correspondent
મ્યાનમારનો મૅન્ડલે પૅલેસ
મ્યાનમારમાં શુક્રવારે ૭.૭ તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો ત્યારે શુક્રવારની નમાજનો સમય હતો. એ વખતે મસ્જિદો નમાજીઓથી ભરેલી હતી. આ દરમ્યાન મસ્જિદો ધરાશાયી થતાં નમાજ પઢી રહેલા ૭૦૦થી વધુ લોકો દટાઈ ગયા હતા, જેના કારણે તેમનાં મોત થયાં હતાં. ૬૦ મસ્જિદ સંપૂર્ણ રીતે નષ્ટ થઈ ગઈ હતી.
મરણાંક ૨૦૦૦ને પાર, એક અઠવાડિયાનો રાષ્ટ્રીય શોક
મ્યાનમારમાં આવેલા ભયંકર ભૂકંપમાં મૃત્યુ પામનારની સંખ્યામાં વધારો થયો છે. સરકારે ગઈ કાલે નવા આંકડા જાહેર કર્યા હતા. ભયંકર ભૂકંપમાં મૃત્યુ પામનારની સંખ્યા બે હજારથી વધી ગઈ છે અને ૩૯૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે.
મ્યાનમારે દેશમાં આવેલા વિનાશકારી ભૂકંપ માટે એક અઠવાડિયા માટે રાષ્ટ્રીય શોક જાહેર કર્યો હતો. બીજી તરફ ધરાશાયી થયેલી ઇમારતોના કાટમાળમાંથી જીવિત લોકો મળવાની આશા પણ હવે ખૂબ ઓછી સેવાઈ રહી છે. જોકે એક મહિલાને હોટેલના કાટમાળમાંથી બહાર કાઢવામાં આવી હતી. આ મહિલા ભૂકંપના ત્રણ દિવસ બાદ આશાનું એક કિરણ તરીકે નજરે આવી છે, કારણ કે બચાવ-કર્મચારી જલદીથી જલદી જીવિત લોકોને શોધવા માટે ખૂબ પ્રયાસ કરી રહ્યા છે.