20 January, 2023 11:39 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
વૉશિંગ્ટન : સમગ્ર દુનિયામાં અનેક ટેક કંપનીઓ મંદી અને સ્લોડાઉનના ભય વચ્ચે મોટા પાયે કર્મચારીઓની છટણી કરી રહી છે. ડેટા અનુસાર ઍમેઝૉન, વિમેઓ, સેલ્સફોર્સ સહિતની કંપનીઓએ જાન્યુઆરીના પહેલા છ દિવસમાં ૩૦,૬૧૧ કર્મચારીઓને નોકરીમાંથી આઉટ કર્યા હતા. આ વર્ષે ભારત સહિત દુનિયાભરમાં દરરોજ ટેક કંપનીઓના ઍવરેજ ૧૬૦૦ કર્મચારીઓ નોકરી ગુમાવી રહ્યા છે. ઍમેઝૉન એના ૧૮,૦૦૦ કર્મચારીઓની છટણી કરવાના પ્લાનના ભાગરૂપે અમેરિકા, કૅનેડા અને કોસ્ટા રિકામાં સ્ટાફમાં ઘટાડો કરશે. આ પહેલાં માઇક્રોસૉફ્ટે બુધવારે ૧૦,૦૦૦ કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. વિડિયો હોસ્ટિંગ પ્લૅટફૉર્મ વિમેઓએ ‘મુશ્કેલ સમય’ના કારણે એના કર્મચારીઓની સંખ્યામાં ૧૧ ટકાનો ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. ક્રિપ્ટો એક્સચેન્જ હુઓબીએ પણ એના સ્ટાફમાંથી ૨૦ ટકાની હકાલપટ્ટી કરવા માટે પ્લાનિંગ કર્યું છે. સૉફ્ટવેર કંપની સેલ્સફોર્સે જણાવ્યું છે કે એના ૧૦ ટકા કર્મચારીઓને નોકરીમાંથી આઉટ કરવામાં આવશે. નોંધપાત્ર છે કે આ કંપનીએ મહામારી દરમ્યાન ૫૦ ટકા કર્મચારીઓની ભરતી કરી હતી. આ છટણીની ભારતમાં પણ અસર જોવા મળી હતી. અનેક ભારતીય ટેક કંપનીઓએ પણ તાજેતરમાં તેમના સ્ટાફમાં ઘટાડો કર્યો છે. વળી ભારતમાં કામ કરતી અનેક મલ્ટિનૅશનલ કંપનીઓએ પણ તેમના કર્મચારીઓની છટણી કરવાનું શરૂ કર્યું છે.