જપાનમાં આવતી કાલે ત્રણ, પાંચ અને સાત વર્ષનાં બાળકો માટેનો સ્પેશ્યલ તહેવાર

14 November, 2024 02:59 PM IST  |  Japan | Gujarati Mid-day Correspondent

જપાનમાં આવતી કાલે ત્રણ, પાંચ અને સાત વર્ષનાં બાળકો એક તહેવાર મનાવશે જેને શિચી-ગો-સાન તરીકે ઓળખવામાં આવે છે અને આ પારંપરિક જૅપનીઝ તહેવાર છે

પ્રતીકાત્મક તસવીર

જપાનમાં આવતી કાલે ત્રણ, પાંચ અને સાત વર્ષનાં બાળકો એક તહેવાર મનાવશે જેને શિચી-ગો-સાન તરીકે ઓળખવામાં આવે છે અને આ પારંપરિક જૅપનીઝ તહેવાર છે. શિચી-ગો-સાનનો અર્થ છે સાત-પાંચ-ત્રણ. આ ત્રણ સંખ્યાને જપાનના અંકશાસ્ત્રમાં પણ સૌભાગ્યશાળી માનવામાં આવે છે. આ દિવસે જપાનીઓ તેમના પરિવારમાંથી ત્રણ અને સાત વર્ષની છોકરીઓ અને પાંચ વર્ષના છોકરાઓને રંગબેરંગી જપાની ડ્રેસ કિમોનો પહેરાવીને શિંતો મંદિરોમાં લઈ જાય છે અને ત્યાં આ બાળકોના આરોગ્ય, લાંબા આયુષ્ય અને ભવિષ્યમાં તેમને સફળતા મળે એની પ્રાર્થના કરે છે. 

આ તહેવાર નવેમ્બરમાં મનાવવામાં આવે છે પણ ૧૫ નવેમ્બર ખાસ છે, કારણ કે હિયાન યુગ (ઈ. સ. ૭૯૪થી ૧૧૮૫)માં આ દિવસે એ મનાવવામાં આવતો હતો. પહેલાં આ તહેવાર જપાનના શાહી પરિવારમાં શરૂ થયો હતો અને પછી સમુરાઈ અને આમ લોકો સુધી પહોંચી ગયો.

જપાનમાં એવું માનવામાં આવે છે કે બાળકના જીવનમાં ત્રણ, પાંચ અને સાત વર્ષની ઉંમર મહત્ત્વની હોય છે; કારણ કે ઉંમરના આ તબક્કાને બાળકોના જીવનમાં મહત્ત્વપૂર્ણ વિકાસ અને પરિપક્વતાના સંકેતરૂપે જોવામાં આવે છે. ત્રણ વર્ષની ઉંમરે છોકરા-છોકરીઓ શિશુ અવસ્થામાંથી બહાર નીકળીને બાળપણના નવા તબક્કામાં પ્રવેશે છે. સમુરાઈકાળમાં આ ઉંમર બાદ છોકરાઓના માથા પર નવા વાળ ઊગવાની શરૂઆત થતી હતી. છોકરાઓમાં પાંચ વર્ષની ઉંમર પુરુષત્વની તરફ પહેલા કદમ સમાન ગણવામાં આવે છે. તેમને પહેલી વાર રંગબેરંગી પારંપરિક કપડાં હાકામા પહેરાવવામાં આવે છે. ૭ વર્ષની ઉંમર છોકરીઓ માટે ખાસ હોય છે, કારણ કે તેઓ આ ઉંમરે ઓબી (કિમોનોને બાંધનારી સાડી) પહેરે છે જે તેમને એક યુવા મહિલા રૂપે ઓળખ આપે છે. 

હવે આ તહેવારની ઉજવણીમાં સમયાનુસાર ફેરફાર કરવામાં આવ્યો છે, પણ એનો મૂળ ઉદ્દેશ બાળકોના વિકાસના ઉત્સવરૂપે જ માનવામાં આવે છે. જપાની પરિવારો મંદિરમાં જઈને ચિતોસે-અમે એટલે કે લાંબી ઉંમર માટે સૌભાગ્યશાળી કૅન્ડી પ્રાપ્ત કરે છે. વળી એ વિશેષરૂપે કિમોનોમાં પૅક કરવામાં આવે છે. એમાં કાચબો અને ક્રેન જેવાં શુભ ચિહ્‍‍‍‍નો પણ અંકિત હોય છે, એ જપાની સંસ્કૃતિમાં લાંબી ઉંમરનાં પ્રતીક છે.

japan festivals culture news international news news life masala