બંગલાદેશનાં પદભ્રષ્ટ થયેલાં વડાં પ્રધાન શેખ હસીનાએ લગાવ્યો આરોપ- સત્તાપરિવર્તન પાછળ છે અમેરિકાનો હાથ

12 August, 2024 07:37 AM IST  |  Bangladesh | Gujarati Mid-day Correspondent

તેમનું કહેવું છે કે જો મેં સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકાને સોંપીને તેમને બંગાળના ઉપસાગરમાં રાજ કરવા દીધું હોત તો હું સત્તામાં બની રહી હોત

શેખ હસીના

ભારતમાં રહેતાં બંગલાદેશનાં પદભ્રષ્ટ ભૂતપૂર્વ વડાં પ્રધાન શેખ હસીનાએ તેમના નિકટવર્તી લોકો સાથેની વાતચીતમાં આરોપ લગાવ્યો છે કે બંગલાદેશમાં સત્તાપરિવર્તન પાછળ અમેરિકાનો હાથ છે.  શેખ હસીનાએ કહ્યું હતું કે ‘જો મેં સેન્ટ માર્ટિન ટાપુ અમેરિકાને સોંપીને તેમને બંગાળના ઉપસાગરમાં રાજ કરવા દીધું હોત તો હું સત્તામાં બની રહી હોત. હું મારા દેશના લોકોને પ્રાર્થના કરું છું કે તેઓ આવા કટ્ટરવાદીઓના કારસામાં ન ફસાય.’

ત્રણ ચોરસ વર્ગ કિલોમીટરનો સેન્ટ માર્ટિન ટાપુ બંગાળના ઉપસાગરમાં ઉત્તર-પૂર્વમાં આવેલો છે અને બંગલાદેશની દક્ષિણમાં સ્થિત છે. શેખ હસીનાએ આ ટાપુ અમેરિકાને આપવાનો નનૈયો ભણી દીધો હતો. તેમનો આરોપ છે કે આને પગલે તેમને સત્તામાંથી હટાવવા માટે તેમના વિરોધમાં આંદોલન કરવામાં આવ્યું હતું.

શેખ હસીના જ્યાં સુધી બંગલાદેશમાં સત્તામાં હતાં ત્યાં સુધી અમેરિકા સાથે તેમના સંબંધો સારા નહોતા. અમેરિકાએ બંગલાદેશની ચૂંટણીને નિષ્પક્ષ નહીં હોવાનો આરોપ લગાવ્યો હતો. આ ચૂંટણીમાં શેખ હસીનાની અવામી લીગ પાર્ટીને બે-તૃતીયાંશ બહુમતી મળી હતી. બેથી ત્રણ મહિના પહેલાં જ તેમણે દાવો કર્યો હતો કે અમેરિકા તેમને હટાવવા માટે કાવતરાં રચી રહ્યું છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે અમેરિકા બંગલાદેશ અને મ્યાનમારની બહાર એક ક્રિસ્ટિયન દેશ બનાવવા માગે છે. 

international news world news sheikh hasina bangladesh political news united states of america