દેશમાં કરી કરકસરની અપીલ વિદેશમાં આપી ડરામણી ચેતવણી

17 May, 2026 07:22 AM IST  |  Netherlands | Gujarati Mid-day Correspondent

નરેન્દ્ર મોદીએ ગઈ કાલે નેધરલૅન્ડ્સમાં કહ્યું કે દુનિયા માટે આ આપદાઓનો દાયકો છે; પહેલાં કોરોના, પછી યુદ્ધ અને હવે ઊર્જાસંકટ; હાલત જો નહીં બદલાય તો દુનિયા ગરીબીના કળણમાં ફસાઈ જશે

નેધરલૅન્ડ્સના ધ હેગ શહેરમાં ભારતીય સમુદાય માટેના ખાસ કાર્યક્રમમાં લોકોએ નરેન્દ્ર મોદીને જબરદસ્ત ઉમળકાથી વધાવી લીધા હતા. આ કાર્યક્રમમાં ભારતીય મૂળના નેધરલૅન્ડ્સવાસીઓએ પરંપરાગત વસ્ત્રોમાં ઢોલતાશા વગાડ્યા હતા.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૯ વર્ષ પછી નેધરલૅન્ડ્સની યાત્રાએ ગયા છે. આ વિઝિટ ભારત-નેધરલૅન્ડ્સ વચ્ચેના દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવાના દૃષ્ટિકોણથી ખૂબ મહત્ત્વની છે. ગઈ કાલે નરેન્દ્ર મોદીએ હેગમાં ભારતીય સમુદાયને સંબોધન કર્યું હતું. એમાં ભારતીયો સાથે હસી-મજાક અને ભાવનાઓના વહેણવાળી વાતોની સાથે તેમણે દુનિયાની હાલની પરિસ્થિતિ પર ચિંતા જતાવતાં કહ્યું હતું કે ‘આજે માનવતા સામે અનેક મોટા પડકારો છે. આ દાયકો આપદાઓનો દાયકો બની ગયો છે. દુનિયા પહેલાં કોરોના, પછી યુદ્ધ અને હવે ઊર્જાસંકટ સામે ઝઝૂઝી રહી છે. જો હવે હાલત નહીં બદલાય તો ગયા અનેક દાયકાઓમાં થયેલાં કામ પર પાણી ફરી વળશે અને દુનિયાની બહુ મોટી આબાદી ગરીબીના દલદલમાં ફસાઈ જશે.’

શુક્રવારે સાંજે નરેન્દ્ર મોદી નેધરલૅન્ડ્સ પહોંચ્યા ત્યારે તેમનું એકદમ ભારતીય અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું. ભારતીય કલાકારોએ શાસ્ત્રીય નૃત્ય પર્ફોર્મ કર્યું હતું અને ભારતીય મૂળના યુવકે રામ મંદિરનું પેઇન્ટિંગ ગિફ્ટ કર્યું હતું. લોકો ભારતીય ઝંડા લઈને આવ્યા હતા. ડચ કલાકારોએ ભારતીય શાસ્ત્રીય સંગીત અને શાસ્ત્રીય રાગ દુર્ગામાં ગીત રજૂ કર્યું ત્યારે નરેન્દ્ર મોદી દંગ રહી ગયા હતા. શનિવારે ભારતીય સમુદાય સાથેના સમારોહમાં ભારત માતાની જયના નારાએ નેધરલૅન્ડ્સમાં ભારતનો માહોલ ખડો કરી દીધો હતો. 

નરેન્દ્ર મોદીની આ મુલાકાત દરમ્યાન વેપાર, ટેક્નૉલૉજી, સેમી-કન્ડક્ટર, વૉટર-મૅનેજમેન્ટ, ગ્રીન એનર્જી અને રક્ષા સહયોગ જેવા વિવિધ મુદ્દાઓ પર દ્વિપક્ષીય વાતચીત થશે. નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ‘ભારતીય બિઝનેસ માટે નેધરલૅન્ડ્સ યુરોપમાં એન્ટ્રીનો નૅચરલ ગેટવે બનશે. પ્રવાસી ભારતીયો આ બે દેશો વચ્ચેનો ખૂબ ભરોસાપાત્ર બ્રિજ બનશે.’

નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ૧૬ મે ભારત માટે ખાસ દિવસ છે, કેમ કે ૧૨ વર્ષ પહેલાં ૨૦૧૪માં આજના દિવસે ભારતમાં ૩૦ વર્ષ પછી પૂર્ણ બહુમતની સરકાર બની હતી. 

સુરિનામી સમુદાય ચર્ચામાં 

નરેન્દ્ર મોદીની મુલાકાતથી નેધરલૅન્ડ્સમાં રહેતો સુરિનામી-ભારતીય સમુદાય ખાસ ચર્ચામાં આવ્યો છે. આ સમુદાય એ ભારતીય પરિવારો સાથે જોડાયેલો છે જે ૧૫૩ વર્ષ પહેલાં બિહાર, ઉત્તર પ્રદેશ અને બંગાળથી કામ માટે સુરિનામ ગયા હતા. એ પછી મોટા ભાગના લોકો નેધરલૅન્ડ્સમાં જ વસી ગયા હતા. આજે પણ હેગ શહેરમાં રહેતા લોકો ભોજપુરી, અવધિ સમુદાય સાથે જોડાયેલી સુરિનામી ભાષા બોલે છે. લોકોનો ઉત્સાહ અને ઉમળકો જોઈને નરેન્દ્ર મોદી ભાવુક થઈ ગયા હતા અને કહ્યું હતું કે અહીંનો માહોલ જોઈને હું ક્ષણવાર માટે ભૂલી ગયો હતો કે હું નેધરલૅન્ડ્સમાં છું. અહીં રહેતા ભારતીયોમાં મૅજોરિટી પ્રજા બિહાર અને બંગાળની હતી એટલે તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું હતું કે ઝાલમુરી નેધરલૅન્ડ્સ પણ પહોંચી ગઈ છે? એ સાંભળીને હકડેઠઠ ભરાયેલા હૉલમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. 

ચૌલકાળની પૌરાણિક ચીજો નેધરલૅન્ડ્સે ભારતને પાછી આપી 
નેધરલૅન્ડ્સે અગિયારમી સદીની ઐતિહાસિક ‘અનાઈમંગલમ કૉપર પ્લેટ્સ’ ભારતને પરત કરી હતી. આ પ્લેટ્સ નેધરલૅન્ડ્સમાં લીડેન પ્લેટ્સ તરીકે જાણીતી હતી. એ રાજા ચોલ પ્રથમના શાસનકાળની મનાય છે. આ અવશેષોમાં ૨૧ મોટી અને ૩ નાની પ્લેટ સામેલ છે. એનું કુલ વજન ૩૦ કિલો છે. આ પટ્ટીઓને ચોલ વંશની શાહી મોહરવાળી તાંબાની કડીથી બાંધેલી છે. 
આ પટ્ટીઓ અઢારમી સદીમાં ડચ અધિકારીઓ ભારતથી નેધરલૅન્ડ્સ લઈ ગયા હતા. તેમણે આ દુર્લભ ચીજો ભારતમાં ઈસાઈ મિશનરી થકી હાંસલ કરી હતી. એ પછીથી ૧૮૬૨માં આ ચીજો લીડેન યુનિવર્સિટીના એશિયાઈ સંગ્રહનો હિસ્સો બની હતી. ૨૦૨૨માં નેધરલૅન્ડ્સની સ્વતંત્ર સમિતિએ કરેલા સંશોધન પછી નક્કી કરવામાં આવ્યું હતું કે ઐતિહાસિક ચીજો ભારતને પાછી આપવી જોઈએ.

નેધરલૅન્ડ્સનાં રાજા-રાણીને મળ્યા 
યુરોપના સૌથી જૂના શાહી પરિવારોમાંના એક એવા નેધરલૅન્ડ્સના રાજપરિવારને પણ નરેન્દ્ર મોદી શનિવારે મળ્યા હતા. તેઓ રાજા વિલેમ-ઍલેક્ઝૅન્ડર અને રાણી મૅક્સિમાને મળ્યા હતા. 
સર્કલ 

international news world news netherlands narendra modi indian government