11 September, 2025 08:53 AM IST | Paris | Gujarati Mid-day Correspondent
ફ્રાન્સમાં સરકારવિરોધી પ્રદર્શન હિંસક આંદોલનમાં ફેરવાઈ જતાં લોકો અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ જોવા મળ્યું હતું. પૅરિસ સહિતનાં શહેરોમાં હજારો પ્રદર્શનકારીઓએ રસ્તા પર આવીને ઠેર-ઠેર ગાડીઓને સળગાવી દીધી હતી.
નેપાલમાં હિંસાની આગ હજી ઓલવાઈ નથી કે ફ્રાન્સની રાજધાની પૅરિસ પણ સળગવા લાગી છે. ‘બ્લૉક એવરીથિંગ મૂવમેન્ટ’ પછી મોટી સંખ્યામાં પ્રદર્શનકારીઓ રસ્તાઓ પર ઊતરી આવ્યા હતા. પૅરિસમાં ૩૦થી વધુ સ્થળોએ આગચંપી અને હિંસા જોવા મળી હતી. પૅરિસમાં વિરોધીઓ અને પોલીસ વચ્ચે અથડામણ જોવા મળી હતી. વિરોધીઓએ પૅરિસના રસ્તાઓ બંધ કરી દીધા હતા. હિંસાને કાબૂમાં લેવા માટે પોલીસે ટિયરગૅસના શેલ છોડ્યા હતા અને ૨૦૦થી વધુ લોકોને કસ્ટડીમાં લીધા હતા.
પૅરિસ છાવણી બની ગયું
પ્રદર્શનકારીઓએ પૅરિસમાં બધું બંધ રાખવાની જાહેરાત કરી હતી. આ વિરોધ સૌપ્રથમ સોશ્યલ મીડિયા પર શરૂ થયો હતો. ત્યાર બાદ વિરોધીઓ પૅરિસમાં એકઠા થયા હતા. પૅરિસમાં ૮૦,૦૦૦થી વધુ પોલીસો તહેનાત કરવામાં આવ્યા છે. પોલીસે તાત્કાલિક બૅરિકેડ્સ તોડનારા વિરોધીઓની ધરપકડ કરી હતી.
હિંસાનું કારણ શું છે?
ફ્રાન્સના વડા પ્રધાન ફ્રાન્કોઇસ બાયરોએ બજેટમાં ૪૪ અબજ યુરો (આશરે ૪ લાખ કરોડ રૂપિયા) બચાવવા માટે એક યોજના રજૂ કરી હતી જેના માટે તેમની ભારે ટીકા થઈ હતી અને તેમને પદ પરથી દૂર કરવામાં આવ્યા હતા. ફ્રાન્કોઇસ બાયરોએ રાજીનામું આપ્યા પછી પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉને તેમના નજીકના સહાયક સેબૅસ્ટિયન લેકોર્નુને ફ્રાન્સના નવા વડા પ્રધાન તરીકે નિયુક્ત કર્યા હતા.
જનતામાં પ્રેસિડન્ટ સામે ભારે આક્રોશ
પૅરિસમાં પ્રેસિડન્ટ ઇમૅન્યુઅલ મૅક્રૉનના નિર્ણયો સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો હતો અને એનાથી જ બળવો શરૂ થયો હોવાનું મનાય છે. ૨૦૨૨માં ફરીથી ચૂંટાયા પછી ફ્રેન્ચ પ્રેસિડન્ટ મૅક્રૉન પર રાજીનામું આપવાનું ભારે દબાણ છે. બુધવારના વિરોધ પ્રદર્શનમાં પણ આવી જ માગણીનો પડઘો પડી રહ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં ફ્રાન્સમાં પ્રેસિડન્ટના રાજીનામાની માગણી સાથે ઘણાં વિરોધ-પ્રદર્શનો થયાં છે.
પૅરિસમાં મસ્જિદો બહાર ડુક્કરનાં મોં મળ્યાં
યુરોપમાં સૌથી વધુ મુસ્લિમ લોકવસ્તી ધરાવતા ફ્રાન્સની રાજધાની પૅરિસમાં મુસ્લિમો વિરુદ્ધના દેખાવો તીવ્ર બની રહ્યા છે. બે દિવસ અગાઉ પૅરિસ શહેરમાં જુદા-જુદા વિસ્તારોની ૯ મસ્જિદો બહાર એકસાથે ડુક્કરનાં કપાયેલાં મોં મળ્યાં હતાં. આ ઘટનાથી શહેરમાં હિંસા ફાટી નીકળવાના ડર સાથે હડકંપ મચી ગયો હતો. ઇસ્લામ ધર્મમાં ડુક્કરનું માંસ વર્જ્ય ગણવામાં આવતું હોવાથી આ કૃત્ય મુસ્લિમો વિરુદ્ધની નફરત રજૂ કરવા થયું હોવાનું કહેવાય છે.
ફ્રાન્સના ગૃહપ્રધાને આ ઘટનાની નિંદા કરી હતી અને આ કૃત્યને ઇસ્લામોફોબિયાનું કૃત્ય ગણાવ્યું હતું. તેમણે પૅરિસના મુસ્લિમ નાગરિકોને શાંતિપૂર્વક તેમનો ધર્મ પાળવા માટે અપીલ કરી હતી.