22 November, 2026 11:45 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇટલીમાં સોનિયા ગાંધીના બાળપણના ઘરના માલિક છે સિખ ઉદ્યોગપતિ, મ્યુઝિયમમાં ફેરવવા માગે છે
ઇટલીમાં આવેલા સોનિયા ગાંધીના બાળપણના ઘરને મ્યુઝિયમમાં ફેરવવામાં આવી શકે છે. આ યોજના પાછળ ઇટલીમાં સ્થાયી થયેલા સિખ ઉદ્યોગપતિ સુખદેવ સિંહ કાંગ છે, જેમણે ૬ વર્ષ પહેલાં આ પ્રૉપર્ટી ખરીદી હતી. તેમનું કહેવું છે કે તેઓ ગાંધી પરિવારને મળીને એવી વસ્તુઓ મેળવવા ઇચ્છે છે જેને મ્યુઝિયમમાં પ્રદર્શિત કરી શકાય. કાંગ આ પ્રૉપર્ટીની જાળવણી માટે વર્ષેદહાડે ૧૦૦૦ યુરોનો ખર્ચ કરે છે. ૬ રૂમનું આ ઘર ઇટલીના વિસેન્ઝા પ્રાંતના લુસિયાનામાં આવેલું છે. કાંગ આ ઘરથી લગભગ એક કલાકના અંતરે બ્રેસિયામાં રહે છે. પંજાબના હોશિયારપુરથી ૧૯૯૨માં ઇટલીમાં સ્થાયી થયેલા કાંગ હાલમાં અમ્રિતસર આવ્યા છે. તેઓ ત્યારથી ઇટલીમાં જ રહે છે અને તેમનું કહેવું છે કે ‘ત્યાં સ્થાયી થવું આસાન નહોતું, મેં ડેરી ફાર્મ, ખેતરો અને ફૅક્ટરીમાં પણ કામ કર્યું છે. ૨૦૨૦માં મેં સોનિયા ગાંધીની પ્રૉપર્ટી મારી પત્ની અને દીકરીના નામે ખરીદી હતી. આ ઘરની સંભાળ રાખવા માટે એક કૅરટેકરને રાખવામાં આવ્યો છે. જો કોઈ ટૂરિસ્ટને આ ઘર જોવું હોય તો કૅરટેકર સુવિધા કરી આપે છે.’