06 May, 2026 09:25 PM IST | England | Gujarati Mid-day Online Correspondent
આરોપી હુસૈન જે હવે દોષી સાબિત થયો
ઇંગ્લૅન્ડમાં ઓનલાઈન છેતરપિંડી અને પીછો કરવાનો એક ચોંકાવનારો કેસ પ્રકાશમાં આવ્યો છે. એક પુરુષે બદલો લેવા તેની એક્સ લવરનું નકલી ડેટિંગ પ્રોફાઇલ બનાવીને તેનાથી વાંધાજનક મૅસેજ મોકલ્યા અને તેને હેરાન કરી હતી.
ચેસ્ટર ક્રાઉન કોર્ટમાં નવ દિવસની સુનાવણી બાદ પીછો કરવાનો આરોપી દોષી સાબિત થયો હતો, અને હવે તેને જૂનમાં સજા ફટકારવામાં આવશે. કોર્ટને કહેવામાં આવ્યું હતું કે ચેડલના રહેવાસી હુસૈને એપ્રિલ 2024માં સૌથી પહેલા પોતાને `મિક રૅની’ તરીકે ઓળખાવી મહિલા સાથે સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં, બન્ને વચ્ચે સંબંધ સામાન્ય હતો, પરંતુ પછીથી તેનું વર્તન ખૂબ જ પઝેસિવ બન્યું. એક ઘટનામાં, તેણે બે કલાક સુધી સતત મહિલાના ઘરની ડોરબેલ વગાડી અને તે બાદ જ્યાં સુધી પોલીસને દરમિયાનગીરી કરવાની ફરજ પડી તેણે તે બંધ નહીં કર્યું. બાદમાં, આરોપીએ મહિલાનો ફોન તપાસ્યો અને બીજા પુરુષો વિશે પ્રશ્નો કર્યા, જેના કારણે તેમના સંબંધનો અંત આવ્યો. તેમના અલગ થયા પછી પણ, હુસૈને મહિલાના મિત્રો અને દીકરીનો સંપર્ક કર્યો, આરોપો લગાવ્યા અને ફરીથી સાથે આવવાનો પ્રયાસ કર્યો, પણ તે થયું નહીં.
કોર્ટને જાણવા મળ્યું કે બ્રેકઅપ પછી તરત જ, હુસૈને મહિલાના નામે એક નકલી ટિન્ડર પ્રોફાઇલ બનાવી. આ પ્રોફાઇલમાંથી મોકલવામાં આવેલા મૅસેજમાં તે લોકોને રેપ કરવા માટે બોલાવી રહી હોવાના અને કેટલાક હિંસક અત્યાચારના મૅસેજ પણ કર્યા. ઘણા લોકોએ માની લીધું કે આ મહિલાએ તેમને ઘરે બોલાવ્યા છે. મહિલાના સરનામે ઓછામાં ઓછા 18 જેટલા પુરુષો પહોંચ્યા. એક રાત્રે, ચાર પુરુષો સમાન મૅસેજ લઈને આવ્યા. એક વ્યક્તિએ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો, જ્યારે બીજો ખરેખર તે સમયે મહિલાના ઘરમાં પ્રવેશ્યો જ્યારે તે બહાર હતી, પરંતુ તેની ટીનેજર દીકરી ઘરમાં જ હતી.
શરૂઆતમાં, ‘મિક રૅની’ને ઓળખવું મુશ્કેલ સાબિત થયું; જોકે, તપાસ દરમિયાન, પોલીસ શંકાસ્પદ વ્યક્તિને તેના વ્યવસાય સાથે જોડાયેલા વાહન દ્વારા શોધી કાઢવામાં સફળ રહી. તપાસમાં એ પણ બહાર આવ્યું કે તેણે તેની કારની નોંધણી વિગતો બદલી હતી અને જુદા-જુદા મોબાઇલ ફોનનો ઉપયોગ કર્યો હતો. પોલીસે વધુમાં જણાવ્યું કે જ્યારે પણ નકલી પ્રોફાઇલથી આરોપી વાત કરે છે, ત્યારે તે મહિલાના ઘરની આસપાસના સ્થળે જ વાહન ચલાવતો હતો. ચેશાયર પોલીસે આ કેસને તેમના સૌથી ગંભીર મામલાઓમાંનો એક ગણાવ્યો. પોલીસ અધિકારી કીથ ટેરિલે જણાવ્યું હતું કે આરોપીનો ઉદ્દેશ્ય પીડિતાને નુકસાન પહોંચાડવાનો હતો, અને તેણે તેની ઓળખ છુપાવવા અને તપાસને ગેરમાર્ગે દોરવાના અનેક પ્રયાસો કર્યા હતા. તેમણે ઉમેર્યું હતું કે આરોપીએ તેના કાર્યોની જવાબદારી લીધી ન હતી અને માનતો હતો કે તે પોલીસને છેતરી શકે છે; જોકે, તપાસમાં તેના દાવા ખોટા સાબિત થયા, અને હવે તેને સજા થશે.