22 March, 2026 10:43 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇલૉન મસ્ક
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્વિટર (હાલના X)ના અધિગ્રહણ દરમ્યાન રોકાણકારોને ગેરમાર્ગે દોરવાના આરોપમાં વિશ્વની સૌથી ધનિક વ્યક્તિ ઈલૉન મસ્કને મોટો ફટકો પડ્યો છે. સૅન ફ્રાન્સિસ્કોની એક ફેડરલ જ્યુરીએ ચુકાદો આપ્યો છે કે મસ્કે ૨૦૨૨માં ૪૪ અબજ ડૉલરની ડીલ દરમ્યાન ટ્વિટરના શૅરના ભાવ ઘટાડવા માટે જાણીજોઈને ભ્રામક નિવેદનો કર્યાં હતાં. જોકે અદાલતે તેમને છેતરપિંડીના કેટલાક અન્ય ગંભીર આરોપોમાંથી મુક્ત પણ કર્યા છે.
આ કેસ વર્ષ ૨૦૨૨ના એ સમયગાળાનો છે જ્યારે ઈલૉન મસ્કે ટ્વિટર ખરીદવાની જાહેરાત કરી હતી. રોકાણકારોએ કરેલા ક્લાસ-ઍક્શન મુકદ્દમા મુજબ મસ્કે જાણીજોઈને ટ્વિટર પરનાં ‘ફેક અકાઉન્ટ્સ’ અથવા ‘બોટ્સ’ની સંખ્યા વિશે ભ્રામક ટ્વિટ્સ કર્યાં હતાં. તેમનો હેતુ શૅરના ભાવ નીચે લાવીને સોદાની કિંમત ઘટાડવાનો અથવા સોદામાંથી બહાર નીકળવાનો હતો.
૯ સભ્યોની જ્યુરીએ ૩ દિવસની ચર્ચા બાદ આ ચુકાદો આપ્યો હતો. જ્યુરીએ મસ્કને રોકાણકારોને ગેરમાર્ગે દોરવા બદલ જવાબદાર ઠેરવ્યા છે, પરંતુ એ પણ નોંધ્યું છે કે તેમણે છેતરપિંડી કરવા માટે કોઈ સુનિયોજિત ‘ષડયંત્ર’ ઘડ્યું નહોતું.
આ ચુકાદાના પરિણામે મસ્કે રોકાણકારોને અબજો ડૉલરનું વળતર ચૂકવવું પડી શકે છે. અંદાજ મુજબ જ્યુરીએ રોકાણકારોને શૅરદીઠ અંદાજે ત્રણથી ૮ ડૉલર સુધીનું નુકસાન ભરપાઈ કરવાનો આદેશ આપ્યો છે, જેની કુલ રકમ ૨.૧ અબજ ડૉલર (આશરે ૧૭,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ) સુધી પહોંચી શકે છે.