ટ્રમ્પના નિવેદનથી યુરોપમાં તણાવ: પૉપ વિવાદથી અમેરિકા-ઇટાલી સંબંધોમાં તિરાડ

15 April, 2026 10:03 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

Donald Trump Controversy: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે આંતરરાષ્ટ્રીય વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમણે સીધો વેટિકનના ધર્મગુરુ પૉપને નિશાન બનાવતા વિવાદ ઊભો કર્યો છે.

વાયરલ પોસ્ટનો સ્ક્રીન ગરૅબ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનલ્ડ ટ્રમ્પ ફરી એકવાર પોતાના નિવેદનોને કારણે આંતરરાષ્ટ્રીય વિવાદમાં સપડાયા છે. આ વખતે તેમણે સીધો વેટિકનના ધર્મગુરુ પૉપને નિશાન બનાવતા વિવાદ ઊભો કર્યો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોતાની એક AI જનરેટેડ તસવીર શેર કરી હતી, જેમાં તેમણે પોતાને ‘ઈસુ ખ્રિસ્ત’ જેવા અવતારમાં રજૂ કર્યા હતા. આ સાથે તેમણે પૉપ માટે અપમાનજનક શબ્દોનો ઉપયોગ કરતાં ઇટાલી સહિત યુરોપમાં ભારે નારાજગી ફેલાઈ છે. ટ્રમ્પના આ વિવાદાસ્પદ નિવેદનો બાદ યુરોપમાં અસ્વસ્થતા વધી રહી છે અને ઇટાલી જેવા નજીકના સાથી દેશ દ્વારા ખુલ્લી ટીકા થવી, અમેરિકા-યુરોપ સંબંધોમાં ઊભી થતી મુશ્કેલી તરફ ઈશારો કરે છે.

ઇટાલીની વડાપ્રધાન જ્યોર્જિયા મેલોનીએ આ મુદ્દે ખુલ્લેઆમ પ્રતિક્રિયા આપી અને પૉપના સમર્થનમાં મજબૂત વલણ અપનાવ્યું. તેમણે કહ્યું કે શાંતિની અપીલ કરવી અને યુદ્ધની નિંદા કરવી પૉપનું અધિકાર અને ફરજ બંને છે. મેલોનીના આ નિવેદન પછી ઇટાલી અને અમેરિકા વચ્ચે તણાવ વધ્યો હોવાનું માનવામાં આવે છે.

આ સમગ્ર વિવાદ વચ્ચે ઇરાને તક ઝૂંટવી અને ઇટાલી તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો. ઘાનામાં આવેલ ઇરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ટ્રમ્પ પર વ્યંગાત્મક હુમલો કર્યો. તેમણે ટ્રમ્પને ‘Commander in Chief’ બદલે ‘Commander in Grief’ કહીને સંબોધ્યા, તેમજ ‘Powerful’ શબ્દને બદલે ‘Powerfool’ લખીને તેમની બુદ્ધિમત્તા પર કટાક્ષ કર્યો.

ઇરાને ઇટાલીને સંબોધતા કહ્યું કે તમે વોશિંગ્ટનમાં એવો સહયોગી ગુમાવ્યો છે, જેના ધ્યાનની અવધિ (attention span) ઇરાનમાં ભોજન બનાવવામાં લાગતા સમયથી પણ ઓછી છે. આ નિવેદન ટ્રમ્પની કાર્યશૈલી પર સીધી ટિપ્પણી માનવામાં આવે છે.

પોસ્ટમાં ઇરાને હ્યુમરનો તડકો પણ લગાવ્યો

આ પોસ્ટમાં ઇરાને હ્યુમરનો તડકો પણ લગાવ્યો. ઇરાને દાવો કર્યો કે ઇટાલી અને ઇરાન વચ્ચે છેલ્લા 2000 વર્ષથી માત્ર એક જ મુદ્દે ‘કૉલ્ડ વૉર’ ચાલી રહ્યો છે—આઇસક્રીમના આવિષ્કારને લઈને. ઇરાન અનુસાર ‘ફાલૂદા’ પહેલા આવ્યું હતું, જ્યારે ઇટાલીનું ‘જેલાટો’ પછી લોકપ્રિય થયું.

આ સાથે ઇરાને પોતાની 7000 વર્ષ જૂની સંસ્કૃતિ, કવિતા અને સ્થાપત્ય સાથેના જોડાણનો ઉલ્લેખ કરી ઇટાલીને મિત્રતાનો પ્રસ્તાવ આપ્યો. આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઇરાન હવે પરંપરાગત રાજનૈતિક ભાષા છોડીને પૉપ કલ્ચર અને મીમ્સ દ્વારા પોતાનો સંદેશ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યો છે.

તાજેતરમાં મુંબઈ સ્થિત ઇરાની કાઉન્સ્યુલેટે પણ ભારતીય અંદાજમાં પોસ્ટ કરીને ભારતને ‘શૂન્યના આવિષ્કારની ધરતી’ ગણાવી હતી અને બૉલિવૂડના ડાયલોગ: “અભી તો સિરફ ટ્રેલર હૈ, પિક્ચર અભી બાકી હૈ” નો ઉપયોગ કરીને વૈશ્વિક તણાવ વચ્ચે પોતાનો સંદેશ આપ્યો હતો.

ટ્રમ્પના આ વિવાદાસ્પદ નિવેદનો બાદ યુરોપમાં અસ્વસ્થતા વધી રહી છે અને ઇટાલી જેવા નજીકના સાથી દેશ દ્વારા ખુલ્લી ટીકા થવી, અમેરિકા-યુરોપ સંબંધોમાં ઊભી થતી મુશ્કેલી તરફ ઈશારો કરે છે.

donald trump giorgia meloni italy social media viral videos vatican international news news