ઑસ્ટ્રેલિયા ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે ટિક ટૉકના વપરાશ પર પ્રતિબંધ મૂકી દેશે

11 November, 2024 09:17 AM IST  |  Australia | Gujarati Mid-day Correspondent

આ પગલું દેશનાં માતા-પિતાના હિતમાં ઉઠાવવામાં આવી રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

ઑસ્ટ્રેલિયા ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોના ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટિક ટૉક અને ગૂગલના વપરાશ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહ્યું છે. વડા પ્રધાન ઍન્થની અલ્બાનીઝે જણાવ્યું હતું કે ‘સંસદના આગામી સત્રમાં આ મુદ્દે બિલ રજૂ કરવામાં આવશે. નવા કાયદા અનુસાર ફેરફાર કરવા માટે સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મને આગામી ૧૨ મહિનામાં સિસ્ટમ સુધારવાનો સમય આપવામાં આવશે.’

ઑસ્ટ્રેલિયા માતા-પિતાની પરવાનગીથી પણ બાળકોને આવા સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મના વપરાશ પર પ્રતિબંધ મૂકશે. ૧૬ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોને આ પ્લૅટફૉર્મે જ એન્ટ્રી આપવાની નહીં રહે. જો આ પ્લૅટફૉર્મ આમ નહીં કરે તો એમણે ભારે દંડ ચૂકવવો પડશે. આમ ઑસ્ટ્રેલિયા ફ્રાન્સ કે અમેરિકા કરતાં પણ કડક કાયદો બનાવવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ મુદ્દે વડા પ્રધાને કહ્યું હતું કે ‘આ પગલું દેશનાં માતા-પિતાના હિતમાં ઉઠાવવામાં આવી રહ્યું છે. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ બાળકોને ભારે નુકસાન પહોંચાડી રહ્યાં છે એટલે આ પ્રતિબંધ મૂકવાની વિચારણા થઈ રહી છે. મારી સિસ્ટમ પર એવી ચીજો દેખાય છે જે મારે ન જોવી જોઈએ તો એક નાસમજ ૧૪ વર્ષના બાળકની વાત છોડો. આથી આ નવો કાયદો લાવવામાં આવી રહ્યો છે.’

international news world news social media social networking site