તાલિબાનોએ હવે ગર્ભનિરોધક ગોળીઓ પર પ્રતિબંધ મૂક્યો

20 February, 2023 11:36 AM IST  |  Kabul | Gujarati Mid-day Correspondent

કાબુલ અને મઝાર-એ-શરીફમાં પ્રતિબંધના અમલ માટે દરેક ફાર્મસી સ્ટોરમાં જઈને ચેકિંગ કરવામાં આવે છે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)

કંધારઃ તાલિબાનોએ અફઘાનિસ્તાનનાં બે મુખ્ય શહેરોમાં ગર્ભનિરોધક ગોળીઓના વેચાણ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાને દાવો કર્યો છે કે મહિલાઓ દ્વારા ગર્ભનિરોધક ગોળીઓનો ઉપયોગ કરવામાં આવે એ મુસ્લિમ વસ્તીને નિયં​ત્રિત કરવા માટેનું પશ્ચિમી દેશોનું કાવતરું છે. તાલિબાનો ઘરે-ઘરે જઈ રહ્યા છે, મિડવાઇફને ધમકી આપી રહ્યા છે અને ફાર્મસી સ્ટોર્સને બર્થ કન્ટ્રોલ દવા અને ડિવાઇસનું વેચાણ ન કરવાનો આદેશ આપી રહ્યા છે. કાબુલ અને મઝાર-એ-શરીફમાં આ લેટેસ્ટ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 

એક સ્ટોરના માલિકે યુકેના ન્યુઝપેપર ‘ધ ગાર્ડિયન’ને જણાવ્યું હતું કે ‘તેઓ હથિયાર લઈને બે વખત મારા સ્ટોર પર આવ્યા હતા અને મને ગર્ભનિરોધક ગોળીઓનું વેચાણ ન કરવાનો આદેશ આપ્યો હતો. તેઓ કાબુલમાં દરેક ફાર્મસી સ્ટોરને રેગ્યુલર ચેક કરતા રહે છે.’ 

એક મિડવાઇફે કહ્યું કે ‘એક તાલિબાન કમાન્ડરે મને કહ્યું કે તમારે વસ્તીને નિયં​ત્રિત કરવાના પશ્ચિમી કન્સેપ્ટને પ્રમોટ કરવાની જરૂર નથી. આ બિનજરૂરી કામ છે.’

આ પણ વાંચો: તાલિબાનોએ મહિલાઓનાં પૂતળાંના ચહેરાને પણ ઢાંકી દીધા

કાબુલમાં અન્ય એક દુકાનમાલિકે કહ્યું કે ‘આ મહિનાની શરૂઆતથી ગર્ભનિરોધક ગોળીઓ અને દેપો-પ્રોવેરા ઇન્જેક્શન્સ જેવી વસ્તુઓને ફાર્મસી સ્ટોરમાં રાખવા દેવામાં આવતી નથી. અમને અત્યારના સ્ટૉકને વેચતાં પણ ખૂબ ડર લાગી રહ્યો છે.’

નોંધપાત્ર છે કે તાલિબાનોના રાજમાં મહિલાઓના અધિકારને સતત છીનવી લેવામાં આવી રહ્યા છે. અફઘાનિસ્તાનમાં જન્મેલી અને યુકેમાં રહેતી શબનમ નસીમીએ કહ્યું  કે તાલિબાનો કામ કરવાના અને ભણવાના મહિલાઓના અધિકારોને જ નહીં, પરંતુ હવે તેઓ તેમના શરીરને કન્ટ્રોલ કરી રહ્યા છે.

international news afghanistan kabul taliban