જોહનિસબર્ગમાં ઇલેક્ટ્રિસિટી વિનાના બિલ્ડિંગમાં આગ, ૭૩ જણનાં મોત

01 September, 2023 09:15 AM IST  |  Johannesburg | Gujarati Mid-day Correspondent

જોહનિસબર્ગમાં આ બિલ્ડિંગ સહિત અનેક બિલ્ડિંગ્ઝ એક સમયે ક્રિમિનલ્સનો અડ્ડો હતાં

જોહનિસબર્ગમાં બિલ્ડિંગમાં લાગેલી આગને બુઝાવી રહેલા ફાયર ફાઇટર્સ

સાઉથ આફ્રિકાના જોહનિસબર્ગમાં બુધવારે મોડી રાત્રે પાંચ માળના એક બિલ્ડિંગમાં વિકરાળ આગ લાગતાં ઓછામાં ઓછા ૭૩ લોકોનાં મોત થયાં હતાં, જ્યારે અન્ય ૪૩ જણ ઇન્જર્ડ થયા હતા. ઑથોરિટીઝે જણાવ્યું હતું કે આ બિલ્ડિંગમાં શેના કારણે આગ લાગી હતી એ હજી સુધી સ્પષ્ટ નથી. આ બિલ્ડિંગમાં ઇલેક્ટ્રિસિટી નથી.

જોહનિસબર્ગ સિટીની ઇમર્જન્સી સર્વિસિસના પ્રવક્તા રોબર્ટ મુલૌદઝીએ કહ્યું હતું કે ડેલવર્સ ઍન્ડ આલબર્ટ્સ સ્ટ્રીટ્સના કૉર્નરમાં એક બિલ્ડિંગમાં બુધવારે રાત્રે દોઢ વાગ્યે આગની ફાયર ફાઇટર્સને જાણ કરવામાં આવી હતી.

મુલૌદઝીએ કહ્યું હતું કે ‘અમે અહીં પહોંચતાંની સાથે જ બિલ્ડિંગની અંદર રહેલા અનેક લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢી શક્યા હતા. જે લોકોની સારવાર થઈ રહી છે તેમને ગૂંગળામણ કે સામાન્ય ઈજા થઈ છે. કુલ ૭૩ મૃતદેહો મળ્યા છે અને ૪૩ જણને ઈજા થઈ છે. આ બિલ્ડિંગમાં રહેતી પોતાની ૨૪ વર્ષની દીકરી મૅટશિદિસો ઝનેલેને શોધતી તેની મમ્મી ટ્રેસુરેલી શુપિંગે કહ્યું હતું કે ‘હું મારી દીકરીને શોધી રહી છું. તે આ બિલ્ડિંગમાં એક વર્ષથી રહેતી હતી. મને આ બિલ્ડિંગમાં આગ લાગી હોવાની ખબર પડી કે તરત જ હું દોડી. હવે મને ખબર નથી કે શું થઈ રહ્યું છે. મરનારાઓની સંખ્યા સતત વધી રહી છે. મને ખૂબ જ ચિંતા થઈ રહી છે. મને ખબર નથી કે મારી દીકરી જીવતી છે કે નહીં. આ બિલ્ડિંગની હાલત અત્યંત ખરાબ છે. આ જગ્યાએ લોકો રહી જ ન શકે.’

એક સમયે ક્રિમિનલ્સનો અડ્ડો હતું બિલ્ડિંગ

જોહનિસબર્ગમાં આ બિલ્ડિંગ સહિત અનેક બિલ્ડિંગ્ઝ એક સમયે ક્રિમિનલ્સનો અડ્ડો હતાં, જે પછી તેઓ જતા રહ્યા અને ત્યાં કાયદેસર અને ગેરકાયદે આ દેશમાં પ્રવેશનારા માઇગ્રન્ટ્સ રહેવા લાગ્યા હતા. આ બિલ્ડિંગ્ઝમાં ન તો ઇલેક્ટ્રિસિટી છે કે ન તો પાણી કે સેનિટેશન સર્વિસિસ છે, કેમ કે મ્યુનિસિપાલિટીએ અહીં સર્વિસિસ પૂરી પાડવાનું બંધ કર્યું છે. મૂળ તાન્ઝાનિયાની એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ‘આ એરિયામાં અનેક બિલ્ડિંગ્ઝમાં મોટા ભાગે જુદા-જુદા આફ્રિકન દેશોમાંથી આવેલા ગેરકાયદે માઇગ્રન્ટ્સ રહે છે. તેઓ જૉબ્સની શોધમાં અહીં આવી પહોંચ્યા છે, પરંતુ અહીં તેઓ ખૂબ જ સંઘર્ષ કરી રહ્યા છે.’ તેણે વધુ જણાવ્યું હતું કે ‘અમારામાંથી મોટા ભાગના લોકોએ લાઇટ માટે મીણબત્તીની મદદ લેવી પડે છે. સ્ટવ્સ કે ચૂલા પર રસોઈ બનાવવામાં આવે છે, જે બંધ બિલ્ડિંગમાં ખૂબ જ જોખમી છે. મને ખબર નથી કે કેવી રીતે આગ લાગી, પરંતુ બુધવારે મોડી રાત્રે ખૂબ ઠંડી હતી એટલે મીણબત્તી કે ચુલાના કારણે આગ લાગી હોઈ શકે છે. આ બિલ્ડિંગમાં નાનાં બાળકોની સાથે કેટલાક પરિવારો રહેતા હતા.’

johannesburg south africa international news world news