14 December, 2025 07:45 AM IST | Washington | Gujarati Mid-day Correspondent
ડોનલ્ડ ટ્રમ્પ
અમેરિકાનાં ૨૦ રાજ્યોએ પ્રેસિડન્ટ ડોનલ્ડ ટ્રમ્પ પ્રશાસન સામે દાવો દાખલ કર્યો છે. એમની દલીલ છે કે નવી H-1B વીઝા-અરજીઓ પર એક લાખ ડૉલરની ભારે ફી લાદવી ગેરકાયદે છે અને આવશ્યક જાહેર સેવાઓ પર પ્રતિકૂળ અસર કરશે.
આ કેસ હોમલૅન્ડ સિક્યૉરિટી વિભાગ દ્વારા લાગુ કરાયેલી નીતિને લક્ષ્ય બનાવે છે જેમાં હૉસ્પિટલો, યુનિવર્સિટીઓ અને જાહેર સ્કૂલો દ્વારા વ્યાપકપણે ઉપયોગમાં લેવાતા H-1B વીઝા હેઠળ કુશળ વિદેશી કામદારોને નોકરી પર રાખવા માટે નોકરીદાતાઓ પર અચાનક અતિશય ફી લાદવામાં આવી હતી.
કૅલિફૉર્નિયાના ઍટર્ની જનરલ રોબ બોન્ટા આ કેસનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમની ઑફિસે જણાવ્યું હતું કે ‘પ્રશાસન પાસે આવી અતિશય ફી લાદવાની સત્તાનો અભાવ હતો. વિશ્વની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા તરીકે કૅલિફૉર્નિયા જાણે છે કે જ્યારે વિશ્વભરના કુશળ લોકો અહીં કામ કરવા આવે છે ત્યારે રાજ્યનો વિકાસ થાય છે.’
રોબ બોન્ટાએ જણાવ્યું હતું કે ‘રાષ્ટ્રપતિ ટ્રમ્પ દ્વારા લાદવામાં આવેલી એક લાખ ડૉલરની H-1B વીઝા-ફી માત્ર બિનજરૂરી જ નહીં, ગેરકાયદે પણ છે. એ સ્કૂલો, હૉસ્પિટલો અને અન્ય આવશ્યક સેવા-પ્રદાતાઓ પર નાણાકીય બોજ વધારશે અને કાર્યબળની અછતને વધારશે.’
પ્રે
સિડન્ટ ટ્રમ્પે ૨૦૨૫ની ૧૯ સપ્ટેમ્બરે જાહેર કરાયેલી ઘોષણા દ્વારા આ ફી ફરજિયાત કરી હતી. એ ૨૧ સપ્ટેમ્બર પછી દાખલ કરાયેલી H-1B અરજીઓ પર લાગુ પડે છે. ગૃહ સુરક્ષા-સચિવને એ નક્કી કરવાનો અધિકાર આપવામાં આવ્યો છે કે કઈ અરજીઓ આ ફીને આધીન છે અથવા માફી માટે લાયક છે.
રાજ્યો દલીલ કરે છે કે આ નીતિ વહીવટી પ્રક્રિયા, કાયદા અને અમેરિકાના બંધારણનું ઉલ્લંઘન કરે છે, કારણ કે નિયમો યોગ્ય પ્રક્રિયા વિના ઘડવામાં આવ્યા હતા અને નિર્ણય કૉન્ગ્રેસના કાર્યક્ષેત્રની બહાર લેવામાં આવ્યો હતો. અત્યાર સુધી H-1B વીઝા-ફી સંચાલન-ખર્ચ સુધી મર્યાદિત હતી.