11 May, 2019 03:04 PM IST | સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવનો 69મો સ્થાપના દિવસ છે. ત્યારે સોમનાથ મહાદેવ પરિસરમાં ઉમંગ ઉલ્લાસ છવાયો છે. ભવ્યાતિભવ્ય રીતે વિધિ વિધાન સાથે સોમનાથ દાદાના સ્થાપના દિવસની ઉજવણી કરાઈ છે. આ ઉજવણીના ભાગ રૂપે સવારે ધ્વજપૂજાથી કાર્યક્રમની શરૂઆત તઈ હતી, જેમાં ટ્રસ્ટના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
સોમનાથ મહાદેવની સ્થાપના થઈ ત્યારે 9.46 મિનિટે તત્કાલીન રાષ્ટ્રપતિ ડૉ.રાજેન્દ્ર પ્રસાદના હાથે પ્રાણ પ્રતિષ્ઠા વિધિ સંપન્ન થઈ હતી. આજે પણ બરાબર એટલા જ વાગે મહાપૂજા હાથ ધરાઈ હતી. જેમાં 11 પ્રકારના ફળ-ફૂલના રસથી સોમનાથ મહાદેવનો મહાઅભિષેક કરાયો. 11 બ્રાહ્મણો દ્વારા મહાપૂજન અને રુદ્રિપાઠ કરવામાં આવ્યો. તેમજ સરદાર સાહેબને સરદાર વંદના અને પુષ્પાંજલિ મહામૃત્યુંજય યજ્ઞ પૂર્ણાહૂતિ સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
સ્થાપના દિવસની ઉજવણીના આ ખાસ કાર્યક્રમમાં RTI કમિશનર કે. એમ. અધ્વર્યુ, ટ્રસ્ટના એક્ઝિક્યુટીવ ઓફિસર દિલિપ ચાવડા, જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા સહિતના અધિકારી કર્મચારીઓ જોડાયા હતા... તો કેબિનેટ પ્રધાન કુંવરજી બાવળિયા પણ સોમનાથ દાદાના દર્શને પહોંચ્યા હતા. કુંવરજી બાવળિયાએ સ્થાપના દિવસે જ પરિવાર સાથે સોમનાથ દાદાને દર્શન અભિષેક કરવાનો લ્હાવો લીધો હતો