05 May, 2023 05:31 PM IST | Mumbai | Varsha Chitaliya
પ્રતીકાત્મક તસવીર
સફળ કારકિર્દી સાથે નાણાકીય સંચાલનમાં મહત્ત્વનો રોલ પ્લે કરી શકો એવા ઢગલાબંધ કોર્સ કૉમર્સ ફેકલ્ટીમાં અવેલેબલ છે. સીએ, સીએસ કે એમબીએ જેવી અઘરી પરીક્ષાનું બર્ડન ન લેવું હોય તેમની માટે બૅન્કિંગ, ઇન્શ્યૉરન્સ, ઇકૉનૉમિક્સ, ટૅક્સ એડિટિંગ, ફાઇનૅન્શિયલ ઍનલિસ્ટ, રિસ્ક મૅનેજમેન્ટ, ઍક્ચ્યુરિયલ સાયન્સ બેસ્ટ ઑપ્શન્સ છે
ભારતમાં કૉમર્સને મોસ્ટ પૉપ્યુલર સ્ટ્રીમ તરીકે જોવામાં આવે છે. આપણી સામાન્ય માન્યતા એવી છે કે વેપાર અને વાણિજ્યમાં કારકિર્દી બનાવવા માટે મર્યાદિત વિકલ્પો છે. બેશક, સાયન્સની સરખામણીમાં આ ફેકલ્ટીમાં ઑપ્શન્સ ઓછા છે, પરંતુ રાઇટ ચૉઇસ તમને ઊંચા પગારવાળી હાઈ પ્રોફાઇલ જૉબ અપાવી શકે છે. આજે આપણે કૉમર્સની પસંદગી કરનારા વિદ્યાર્થીઓ માટે બારમા પછી કેવા કોર્સ અવેલેબલ છે એની માહિતી મેળવીશું.
કૉમર્સ એટલે શું?
કૉમર્સમાં વિકલ્પો ઓછા છે એ માન્યતા ખોટી છે. આજકાલ દરેક ફેકલ્ટીમાં ઇક્વલ ઑપોર્ચ્યુનિટી છે એવી વાત કરતાં હૅશટૅગ કાઉન્સેલિંગના સર્ટિફાઇડ કરીઅર કાઉન્સેલર ઍન્ડ સાઇકોલૉજિસ્ટ મોનાલિસા સિંહ કહે છે, ‘સાયન્સ તરફ ગમે એટલો ઝુકાવ હોય, સૌથી વધુ સ્ટુડન્ટ્સ તમને કૉમર્સમાં જ મળશે; કારણ કે એના બૅકગ્રાઉન્ડમાં બિઝનેસ અને નાણાકીય સંચાલન છે. કૉમર્સ એટલે શું? મોટા ભાગના સ્ટુડન્ટ્સ પાસે આનો સાચો જવાબ નહીં હોય. આઇઆઇએમની સ્ટડી હિસ્ટરી અનુસાર કૉમર્સના વિદ્યાર્થીઓનું કામ ભણીગણીને માર્કેટમાં જૉબ ક્રીએટ કરવાનું છે. આ ફેકલ્ટીમાં ભણાવવામાં આવતા ક્રિટિકલ ઍનૅલિસિસ, રિસ્ક મૅનેજમેન્ટ, ફાઇનૅન્સ, બૅન્કિંગ, અકાઉન્ટ્સ જેવા વિષયો મની કન્ટ્રોલિંગ પાવર શીખવે છે. તેમનું કામ તકો ઊભી કરવાનું છે. ધીમે-ધીમે થૉટ પ્રોસેસ ચેન્જ થતી ગઈ અને જૉબ આપવાની જગ્યાએ તેઓ જૉબ લેવા લાગ્યા ત્યારથી જુદો સિનારિયો જોવા મળે છે.’
વેપાર અને વાણિજ્ય કોઈ પણ દેશના અર્થતંત્રની જીવાદોરી છે. કૉમર્સની ડિગ્રી વિદ્યાર્થીઓને વ્યવસાયિક કુશળતા વિકસાવવા માટે એક આદર્શ પ્લૅટફૉર્મ પ્રદાન કરે છે. જોકે મોટા ભાગના સ્ટુડન્ટ્સને કૉમર્સ ફીલ્ડમાં કેમ ગયા એ જ ખબર નથી હોતી. માર્સ એજ્યુકેશન કન્સલ્ટન્ટના કરીઅર કાઉન્સેલર સંદીપ દેશમુખ આવી વાત કરતાં કહે છે, ‘આ ફેકલ્ટી તમને નોકરી અને બિઝનેસની સરખી તક આપે છે. કૉમર્સને ગ્લોબલ પર્સ્પેક્ટિવથી જોવું જોઈએ. રિવૉર્ડ અને પે સ્કેલ કરતાં ગોલ મહત્ત્વનો છે. કૉમર્સના વિદ્યાર્થીઓનું ફાઉન્ડેશન ક્લિયર હશે તો તેઓ ઘણુંબધું કરી શકે. કૉમર્સના વિદ્યાર્થીઓને ઇન્ડસ્ટ્રીમાં ટકી રહેવા માટે યોગ્ય કૌશલ્ય અને જ્ઞાનથી સજ્જ થવાની જરૂર છે. સક્સેસ સ્ટોરી માટે ડોમીન નૉલેજ નથી ચાલવાનું. જે-તે ફીલ્ડમાં સ્પેશ્યલાઇઝેશન કર્યા પછી તેઓ ધારે એવી સફળતા મેળવી શકે છે.’
જાણીતા કોર્સ
કૉમર્સમાં ઍડ્મિશન લીધા પછી સામાન્ય રીતે લોકોના મગજમાં સીએ, એમબીએ, બીકૉમ, એમકૉમ આવે. આમાંથી કંઈક કરી લો એટલે કૉમર્સ ખતમ. આ મિસકન્સેપ્શન છે એમ જણાવતાં સંદીપ દેશમુખ કહે છે, ‘કૉમર્સ ફેકલ્ટીમાં ચાર્ટર્ડ અકાઉન્ટન્સી ટૉપ પર છે પરંતુ પરીક્ષાઓ ક્લિયર કરવી અઘરું છે. સીએ બનવા માટે ડેડિકેશન જોઈએ. એમબીએ માટે પણ એન્ટ્રન્સ એક્ઝામથી લઈને ડિગ્રી મેળવવા સુધી સખત મહેનત કરવી પડે છે. સીએસમાં બ્રાઇટ ફ્યુચર માટે ઍપ્ટિટ્યુડ ટેસ્ટ છે. લોકપ્રિય કોર્સની પ્રોસેસથી બધા પરિચિત છે. હાઈ ડિમાન્ડિંગ ડિગ્રી ઉપરાંત એવા અઢળક વિકલ્પો છે જેમાં તમને સેમ અપ્રિશિએશન મળી શકે છે.’
ચાર્ટર્ડ અકાઉન્ટન્સી અને કંપની સેક્રેટરી મોસ્ટ કૉમન છે. સીએ બનવા માટે ફોકસ્ડ હોવું ખૂબ જરૂરી છે. સ્ટડીનું જબરદસ્ત પ્લાનિંગ કરવું પડે. મૅથ્સ બહુ સારું હોવું જોઈએ. આ બધા ફૅક્ટર હોય ત્યારે સફળ થવાય છે એવી વાત કરતાં મોનાલિસા સિંહ કહે છે, ‘મારો આટલાં વર્ષનો અનુભવ જણાવું તો ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનવાની ઈચ્છા ફેમિલી બેકગ્રાઉન્ડમાંથી આવે છે. સામાન્ય રીતે તેમના ઘરમાં એકાદ-બે સીએ હોય છે. જનરેશન-ટુ-જનરેશન વધારે ઝુકાવ જોવા મળે છે. સીએના પ્લાનિંગમાં લૉન્ગ સ્ટડી અવર્સ હોય છે તેથી સપોર્ટિવ સિસ્ટમ પણ સ્ટ્રૉન્ગ જોઈએ. બૅકગ્રાઉન્ડ નથી તેમ છતાં કરવું જ છે તો કૅલ્ક્યુલેટિંગમાં માસ્ટરી જોઈશે. સીએસની એક સમયે ઘણી ડિમાન્ડ હતી. હવે ઇન્ટરેસ્ટ ડાઉન થઈ ગયું છે. કંપની સેક્રેટરીનું કામ કંપનીનું ઍડ્મિનિસ્ટ્રેશન મૅનેજ કરવાનું છે. આજકાલ આ કામ કૉર્પોરેટ લૉયર જોઈ લે છે. લૉયર સેમ ટાસ્ક કરે તો સીએસને વધારે પે સ્કેલ નથી મળવાનો. કૉમર્સ સ્ટુડન્ટ્સે ઇન્ડસ્ટ્રીને નજરમાં રાખીને કોર્સ પસંદ કરવો જોઈએ.’
આ પણ વાંચો : લાઇફમાં શું કરવું એ કઈ રીતે શોધવું?
આટલા ઑપ્શન્સ
સક્સેસફુલ કરીઅર બિલ્ડિંગમાં કી રોલ પ્લે કરવા વિશે વિચારવું પડે છે. જુદા-જુદા સજેશન્સ આપતાં મોનાલિસા કહે છે, ‘બીએમએસ (બૅચલર ઑફ મૅનેજમેન્ટ સ્ટડીઝ), બીએએફ (બૅચલર્સ ઑફ અકાઉન્ટિંગ ઍન્ડ ફાઇનૅન્સ), ટૅક્સ ઑડિટિંગ, બૅન્કિંગ થોડાં જાણીતાં ક્ષેત્રો છે. ચાર્ટર્ડ ફાઇનૅન્સ ઍનલિસ્ટ, ઇન્વેસ્ટમેન્ટ બૅન્કિંગ, ઇકૉનૉમિકસ સ્ટ્રૅટેજિસ્ટ, રિસર્ચ ઍનલિસ્ટ, બિઝનેસ રિસ્ક ઍનલિસ્ટ, રિસ્ક મૅનેજમેન્ટ, બજેટ ઍનલિસ્ટ, ફાઇનૅન્શિયલ પ્લાનર્સ, ઇન્શ્યૉરન્સ પ્રોફેશનલ, કૅપિટલ સર્વિસિસ, રિગ્રેશન ઍનલિસ્ટ જેવાં ઘણાં ફીલ્ડ છે જ્યાં મની કન્ટ્રોલિંગમાં તમે કી રોલ પ્લે કરો છો. આ ફીલ્ડ હાઈ સૅલેરી જૉબ ઑફર કરે છે. કૉમર્સ સ્ટુડન્ટ્સમાં હ્યુમન સાઇકોલૉજી અને આંકડાઓને સમજવાની સૂઝબૂઝ હોવાથી બેસ્ટ ઑન્ટ્રપ્રનર બની શકે છે. હાલમાં મેક ઇન ઇન્ડિયાનો મોટિવ પણ એ જ છે. જૉબ ઑપોર્ચ્યુટીની સાથે બિઝનેસ ઑપોર્ચ્યુનિટી માત્ર ને માત્ર કૉમર્સ બૅકગ્રાઉન્ડમાં છે. કૉમર્સમાં કૉમ્બિનેશનનો ઑપ્શન હોવાથી સબ્જેક્ટને કમ્બાઇન કરીને આગળ વધી શકાય. મુંબઈની એનએમઆઇએમએસમાં ઘણાબધા પ્રોફેશનલ અને વોકેશનલ કોર્સ ઉપરાંત અઢી મહિનાનો ઑન્ટ્રપ્રનરશિપ પ્રોગ્રામ છે. કોવિડ પછી ઇન્ટરનૅશનલ ક્રિટિકલ ઍનલિસ્ટ, રિસ્ક મૅનેજમેન્ટ અને ફૉરેન ટ્રેડમાં સારી કરીઅર દેખાઈ રહી છે. વર્લ્ડની ટૉપ કંપનીના સીઈઓ ક્રિટિકલ ઍનલિસ્ટ છે. કરીઅર કાઉન્સેલિંગમાં રાઇટ અસેસમેન્ટ સ્ટુડન્ટ્સની પર્સનાલિટી અને ઇન્ટરેસ્ટ પર આધાર રાખે છે. જેમ કે એક સ્ટુડન્ટ બૅન્કર બનવું છે પણ એની આઉટગોઇંગ પર્સનાલિટી છે તો સક્સેસ નહીં થાય. કૉમર્સમાંથી વર્લ્ડ ઇકૉનૉમી ટૂરિઝમ અને ટ્રાવેલ ટૂરિઝમમાં જઈ શકાય. આઉટગોઇંગ પર્સનને અમે આ ફીલ્ડ સજેસ્ટ કરીએ છીએ. કૉમર્સના વિદ્યાર્થીઓએ એક વાત સમજી લેવાની જરૂર છે કે એઆઇ (આર્ટિફિશ્યિલ ઇન્ટેલિજન્સ) બધું ઓવરટેક કરી શકશે પણ મની ક્રીએટ નથી કરી શકવાનું. આ કામ તમે કરી શકો છો.’
કૉમર્સમાં લિમિટેશન્સ જૂની વાત થઈ ગઈ. બૅન્કિંગ ઍન્ડ ફાઇનૅન્સ રિલેટેડ સર્વિસિસ, સ્ટૅટિસ્ટિકલ ઍનલિસ્ટ ઉપરાંત કૉમર્સમાં એવા ઘણા સરસ કોર્સ છે જેમાં તમારી સૅલેરી બીટેક (બૅચલર ઑફ ટેક્નૉલૉજી) સાથે મૅચ થઈ શકે છે. જુદા-જુદા કોર્સ વિશે માર્ગદર્શન આપતાં સંદીપ કહે છે, ‘કૉમર્સમાં મૅથ્સ ક્યારેય ન છોડવું. આ વિષય તમારા કરીઅર ગ્રાફને ઝડપથી ઊંચે લઈ જશે. ગણિતમાં હોશિયાર વિદ્યાર્થી કૉમર્સ બૅકગ્રાઉન્ડ સાથે કોડિંગ અને પ્રોગ્રામિંગનો કોર્સ કરી ડેટા સાયન્સમાં એક્સપ્લોર કરી શકે છે. એમાં માસ્ટર્સ સર્ટિફિકેશન પ્રોગ્રામ પણ છે. એકદમ નવું અને હાઇએસ્ટ પેઇડ ફીલ્ડ છે. ઍક્ચ્યુરિયલ સાયન્સ અપકમિંગ કરીઅર છે. સીએ અને સીએસથી આપણે માહિતગાર છીએ, પરંતુ ઍક્ચ્યુરિયલ સાયન્સની જાણકારી નથી. એમાં વિવિધ આંકડાકીય પદ્ધતિથી ભવિષ્યની અનિશ્ચિત ઘટનાઓની નાણાકીય પરિસ્થિતિઓનું વિશ્લેષણ કરવામાં આવે છે. વિસ્તરતી અર્થવ્યવસ્થા અને ઝડપી ઔદ્યોગિક સાહસોના કારણે નાણાકીય જોખમોનું મૂલ્યાંકન કરવાની જરૂર દરેક દેશને પડવાની છે. વિકસિત દેશોમાં ઍક્ચ્યુરિયલ પ્રોફેશનલ્સની ખૂબ જ માગ છે. ઍક્ચ્યુરિયલ સાયન્સમાં કરીઅર બનાવા માટે એપીઈટી (ઍક્ચ્યુરિયલ કૉમન એન્ટ્રન્સ ટેસ્ટ) આપવી પડે છે. કરીઅર અસેસમેન્ટમાં મોટિવેશન ફૅક્ટર જોઈએ. એમાં કાઉન્સેલર તમારી મદદ કરી શકે છે. કોઈ પણ ક્ષેત્રમાં સ્પેશ્યલાઇઝેશન તમારા પ્રોફાઇલને સ્ટ્રૉન્ગ બનાવે છે. બૅચલર્સ પછી માસ્ટર્સ કરવાનું છે. ટેક્નિકલ અને કમ્યુનિકેશન સ્કિલ ઇમ્પ્રૂવ કરવી પડે છે. અત્યાર સુધી બારમા પછી ત્રણ વર્ષનો ડિગ્રી કોર્સ હતો. નવી શિક્ષણ પૉલિસી પછી એન્જિનિયરિંગની જેમ આ બધા કોર્સ પણ ચાર વર્ષના થઈ જવાથી વૅલ્યુ વધી જશે.’
યુએસ બ્યુરો ઑફ લેબર સ્ટૅટિસ્ટિક્સ ઍન્ડ એમ્પ્લૉયમેન્ટ પ્રોજેક્શન્સ પ્રોગ્રામ મુજબ ઍક્ચ્યુરિયલ સાયન્સના ક્ષેત્રમાં ૨૦૨૮ સુધીમાં ૩૦ હજાર કરતાં વધુ રોજગારીની તકો ઊભી થવાની અપેક્ષા છે. ઍક્ચ્યુરિયલ સાયન્સ ફ્રેશરને પણ સૌથી વધુ ચુકવણી કરતી નોકરીઓમાંની એકની ખાતરી આપે છે.