26 June, 2023 04:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર
આમ તો અમેરિકાનો અભ્યાસ છે, પણ જો ભારતીય પરીપેક્ષ્યમાં પણ એ ઘણેઅંશે લાગુ પડે એવી વાત છે. અમેરિકામાં લગભગ ૮૦થી ૯૦ લાખ પુખ્તો અટેન્શન ડેફિસિટ હાઇપર ઍક્ટિવિટી ડિસઑર્ડર ધરાવે છે અને એમાંથી પચાસ ટકાથી વધુ લોકો ફુલ-ટાઇમ જૉબમાં ટકી શકતા નથી એવું ત્યાંનો નૅશનલ સર્વે કહે છે. વધતેઓછે અંશે આ કન્ડિશન ધરાવતા જે પચાસ ટકા લોકો જૉબ કરે છે તેઓ પણ હેલ્ધી એડલ્ટ્સ કરતાં ઓછું કમાય છે. ભારતમાં આ પ્રકારનો કોઈ સર્વે થયો નથી, પરંતુ આ કન્ડિશનનાં લક્ષણોને જો ધ્યાનમાં લેવામાં આવે તો આ જ પ્રકારની સ્થિતિ ભારતીયોમાં પણ હોય એવી સંભાવના કેટલી? આવો સમજવાનો પ્રયાસ કરીએ.
ADHDનું આમ તો બાળપણમાં જ નિદાન થઈ જાય છે, પણ મુશ્કેલી એ છે કે આપણે ત્યાં જાગૃતિના અભાવે મોટી વય સુધી એનું નિદાન ન થયું હોય એવું બહુ મોટા પાયે બને છે. ઘણી વાર બહુ માઇલ્ડ લક્ષણો ધરાવતી વ્યક્તિનું નાનપણમાં નિદાન ન થયું હોય તો તેમને એડલ્ટ લાઇફમાં પ્રોફેશનલ વર્લ્ડમાં તકલીફ જરૂર પડે છે એવું લાઇફ કોચ કમ સાઇકોલૉજિસ્ટ સીતા વિશ્વનાથન પોતાના અનુભવથી કહે છે કે, ‘ચંચળતાને કારણે આયોજનબદ્ધ રીતે કામ કરવામાં એડીએચડીનાં પેશન્ટ્સ નબળા હોય છે. કોઈ પણ પ્લાનિંગ કરવામાં તેઓ કાચા હોવાથી તેઓ મોટા ભાગે મોડા પડે છે. ટાઇમ મૅનેજમેન્ટના અભાવે તેઓ ટાઇમ પર પ્રોજેક્ટ પૂરા નથી કરી શકતા. એવું નથી કે આ લોકો જાણીકરીને લેટ કરતા હોય, પણ તેમની સહજ આદતો જ એવી હોય છે કે તેઓ ટાઇમને પાબંદ નથી રહી શકતા. આવામાં પ્રોફેશનલ લાઇફમાં તેમને મુશ્કેલીઓ આવે એવું બને છે. કામ ટાળવું, ભૂલી જવું અને ફોકસ સાથે કામ ન કરી શકવાને કારણે તેમના કામમાં કચાશ રહી જાય છે જેને કારણે તેઓ નોકરી ખોઈ બેસે છે. ઍન્ગ્ઝાયટી અને દૃઢનિશ્ચયતાના અભાવે તેઓ તેમને ગમતું કામ પસંદ કરવામાં થાપ થાય છે અને બહુ ઝડપથી જૉબ પસંદ કરી લેવાનું અને છોડી દેવાનું નક્કી કરી લે છે.’
ગુસ્સો અને અધીરાઈ
માઇલ્ડ અટેન્શન ડેફિસિટ હાઇપરઍક્ટિવિટી ડિસઑર્ડર ધરાવતા લોકો જૉબ છોડી દે અથવા તો તેમને નોકરીમાંથી છૂટા કરવામાં આવે એનું મુખ્ય કારણ તેમના આવેગભર્યા નિર્ણયો હોય છે. સાઇકોલૉજિસ્ટ સીતા વિશ્વનાથન કહે છે, ‘આ લોકો ખૂબ આક્રમક બની જાય છે અને ગુસ્સાને કન્ટ્રોલ નથી કરી શકતા એને કારણે તેઓ કામમાં પર્ફોર્મ નથી કરી શકતા અથવા તો ઉતાવળે નિર્ણયો લઈ લે છે.’
શું કરવું જોઈએ?
પ્રોફેશનલ કામમાં તકલીફ લાગતી હોય તો નિષ્ણાતને કન્સલ્ટ કરવા. માઇલ્ડ, મોડરેટ કે સિવિયર એમ ડિસઑર્ડરની ગંભીરતા પરથી સારવાર સંભવ છે. સિવિયર કન્ડિશન હોય તો પુખ્ત વય સુધી ખબર ન પડી હોય એવું બનવું સંભવ નથી. જોકે માઇલ્ડ લક્ષણો હોય અને મુશ્કેલી પડતી હોય તો દવા અને બિહેવિયરલ થેરપી કામ આવી શકે છે.
માઇલ્ડ લક્ષણો હોય તો યોગ અને મેડિટેશન ખૂબ મદદકર્તા બની શકે છે.
વ્યક્તિએ પોતાની ક્ષમતા કયા ક્ષેત્રની છે એ સમજવા અપ્ટિટ્યૂડ ટેસ્ટ કરાવીને ક્ષેત્ર પસંદ કરવું.
કાઉન્સેલિંગની પણ જરૂર પડી શકે છે.