હવે ટ્વિટર પર થઈ શકશે લાંબુ ટ્વીટ, એલન મસ્કે કરી પુષ્ટિ

12 December, 2022 12:21 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

અક્ષર મર્યાદા 280થી વધારીને 4000 કરવામાં આવશે

પ્રતીકાત્મક તસવીર

માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટર પર ખૂબ જ ઉપયોગી સુવિધા શરૂ થવાની છે. હાલમાં જ, ટ્વિટર ફક્ત 280 અક્ષરો (Twitter Character Limit)માં ટ્વીટ કરવાની મંજૂરી આપે છે, જેને પગલે યુઝર્સ લાંબી પોસ્ટ કરી શકતા નથી. યુઝર્સની આ સમસ્યાનો ટૂંક સમયમાં જ અંત આવવાનો છે. ટ્વિટરના નવા માલિક અને વિશ્વના સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ક (Elon Musk) આ પ્લેટફોર્મમાં વ્યાપક ફેરફારો કરી રહ્યા છે. હવે મસ્કે પુષ્ટિ કરી છે કે ટ્વિટર પર અક્ષર મર્યાદા 280થી વધારીને 4000 કરવામાં આવશે.

ટ્વિટર યુઝર ઈલોન ઓબારે ટ્વીટ કરી ઇલોન મસ્કને એક પ્રશ્ન પૂછ્યો હતો. ઓબારે લખ્યું હતું કે “શું ટ્વિટરે કેરેક્ટર લિમિટ 280થી વધારીને 4000 કરી છે?” આ પ્રશ્નના જવાબમાં ઈલોન મસ્કે હકારમાં જવાબ આપ્યો છે. અગાઉ પ્લેટફોર્મ માત્ર 140 અક્ષરોની મર્યાદા આપતું હતું. ટ્વિટરે 8 નવેમ્બર, 2017ના રોજ અક્ષર મર્યાદાને 140 થી 280 અક્ષર સુધી બમણી કરી હતી.

આ પણ વાંચો: કિનારે આવીને ડૂબી અનિલ દેશમુખની નાવ; હાઈકોર્ટે જામીન મંજૂર કરી ૧૦ દિવસ માટે સ્થગિત કર્યા

નોંધપાત્ર રીતે, ટ્વિટરે ફરી એકવાર સબસ્ક્રિપ્શન સેવા `Twitter Blue` લોન્ચ કરવાની જાહેરાત કરી છે. કંપની આ સેવા 12 ડિસેમ્બરથી ફરી શરૂ કરવા જઈ રહી છે. કંપનીએ શનિવારે ટ્વીટ કર્યું કે યુઝર્સ સોમવારથી ટ્વિટર બ્લુનું સબસ્ક્રિપ્શન ખરીદી શકે છે. વેબ ટ્વિટર યુઝર્સે આ સેવા માટે દર મહિને $8 ચૂકવવા પડશે. જોકે, iOS યુઝર્સ માટે તે થોડું મોંઘું હશે. કંપનીએ જાહેરાત કરી છે કે iOS યુઝર્સ માટે ટ્વિટર બ્લુની સેવા દર મહિને $11 હશે.

ઉલ્લેખનીય છે કે નવેમ્બરની શરૂઆતમાં ટ્વિટરે ટ્વિટર બ્લુની શરૂઆત કરી હતી, પરંતુ નકલી એકાઉન્ટ્સની સંખ્યામાં વધારો થતાં, તે બંધ કરવામાં આવ્યું હતું. આ પછી, તેને 29 નવેમ્બરે લોન્ચ કરવાની વાત થઈ હતી, પરંતુ તારીખ આગળ લંબાવવામાં આવી હતી.

આ પણ વાંચો: આ મહિલાને મળ્યું છે `ધ સન ક્વીન` બિરુદ, સન્માનમાં ગૂગલે બનાવ્યું છે ડૂડલ

ટ્વિટર ડાઉન

ગઈકાલે સોશિયલ ટ્વિટર થોડો સમય માટે ડાઉન થયું હોવાના અહેવાલ છે. ભારતમાં ઘણા યુઝર્સને ડેસ્કટોપ વર્ઝન પર ટ્વિટર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. ડાઉનટ્રેકર પર ઉપલબ્ધ ડેટા અનુસાર, હજારો લોકોએ રવિવારે સાંજે 6:45થી 7 વાગ્યાની વચ્ચે ટ્વિટર ડાઉન હોવાની જાણ કરી હતી.

technology news tech news life and style elon musk twitter