16 September, 2026 06:48 PM IST | Mumbai | Kajal Rampariya
હેલ્ધી મોદક રેસિપી
ગજાનનનો પ્રિય પ્રસાદ છે મોદક. એના વિના લંબોદરની આરતી અને આરાધના બન્ને અધૂરાં કહેવાય. જોકે તહેવારના ઉત્સાહમાં ક્યાંક અતિરેક ન થઈ જાય એનું ધ્યાન રાખવું જરૂરી છે. માર્કેટમાં મળતા માવા અને ચૉકલેટના મોદકની શુદ્ધતાની ખરાઈ જાતે થઈ શકે એમ નથી ત્યારે અનુભવી ન્યુટ્રિશનિસ્ટ પૂજા ટોલિયા પાસેથી જાણીએ આરોગ્યપ્રદ મોદકની અવનવી વરાઇટી. ડેરી-ફ્રી, ગ્લુટન-ફ્રી અને હાઈ-પ્રોટીન મોદક ટ્રેડિશનલ પણ છે અને પૌષ્ટિક પણ.
મખાના કૅલ્શિયમનો ઉત્તમ સ્રોત છે, જે બ્લડ-શુગર કન્ટ્રોલ કરવા, પાચન સુધારવા અને હાડકાં મજબૂત કરવામાં મદદ કરે છે.
સામગ્રી : ૧ કપ મખાના, સૂકું કોપરું, પસંદગીનાં ડ્રાયફ્રૂટ્સ, ઘી, ગોળ.
બનાવવાની રીત : મખાનાને કોરા શેકીને પાઉડર બનાવી લો. કોપરું અને ડ્રાયફ્રૂટ્સને ઘીમાં શેકીને પાઉડર બનાવો. આ મિશ્રણમાં મખાનાનો પાઉડર અને પિગળાવેલો ગોળ ઉમેરીને મોદક બનાવી લો.
રાજગરો કૅલ્શિયમ, પ્રોટીન અને વિટામિન્સથી ભરપૂર છે જે ઉપવાસમાં શક્તિ જાળવી રાખે છે.
સામગ્રી : ૧ કપ રાજગરો, થોડો બદામનો લોટ, ખજૂરની પેસ્ટ.
બનાવવાની રીત : રાજગરાના દાણાને થોડી મિનિટ માટે કોરા શેકી લો. મિક્સરમાં એનો પાઉડર બનાવી એમાં બદામનો લોટ અને ખજૂરની પેસ્ટ ઉમેરીને ફરી ગ્રાઇન્ડ કરી લો. હવે આ મિશ્રણમાંથી મોદક તૈયાર કરો.
જેમ દરેક રંગ ગણેશોત્સવની શોભા વધારે છે એમ દરેક કુદરતી ખોરાકનો રંગ આપણા થાળમાં અનોખાં પોષક તત્ત્વો લાવે છે. તહેવારો આનંદ માણવા માટે હોય છે, ચિંતા કે ડર માટે નહીં. એક મોદક ખાવાથી વજન વધી જતું નથી, જેમ એક દિવસ સૅલડ ખાવાથી વજન ઘટી જતું નથી. સંતુલન અને જાગરૂકતા જ સાચા અર્થમાં હેલ્ધી લાઇફસ્ટાઇલની ચાવી છે.
આ મોદક પ્રોટીન અને ગુડ ફૅટ્સથી ભરપૂર છે, જે જિમ-ગોઅર્સ અને ફિટનેસ-ઉત્સાહીઓ કૅલરીની ચિંતા વગર માણી શકે છે.
સામગ્રી : ૧ કપ લો-ફૅટ સ્કીમ્ડ મિલ્ક પાઉડર, ૧ સ્કૂપ અનફ્લેવર્ડ હીટ-સ્ટેબલ પ્રોટીન પાઉડર, ૧ ચમચી પીનટ બટર, થોડા કેસરના તાંતણા, ૨-૩ ચમચી રોલ્ડ ઓટ્સ પાઉડર, ૧ ચમચી દેશી ઘી, ખજૂર અથવા એનો પાઉડર, ગાર્નિશિંગ માટે પિસ્તાંની કતરી.
ડેરી-ફ્રી વાનગી બનાવવા માટે સ્કીમ્ડ મિલ્કને બદલે બદામના દૂધનો અથવા કાજુના દૂધનો ઉપયોગ કરી શકાય છે.
બનાવવાની રીત : ગૅસ ચાલુ કર્યા વગર એક પૅનમાં બધી સામગ્રી મિક્સ કરો. ત્યાર બાદ ધીમા તાપે ગૅસ ચાલુ કરીને મિશ્રણ કણક એટલે કે બાંધેલા લોટ જેવું થાય ત્યાં સુધી રાંધો. મિશ્રણ ઠંડું થાય એટલે મોદકના મૉલ્ડમાં મૂકીને આકાર આપો અને ઉપરથી પિસ્તાંની કતરીથી સજાવો.
મોતીચૂરના લાડુ જેવા જ ટેક્સ્ચર અને લુક ધરાવતા આ મોદકમાં પરંપરાગત લાડુની સરખામણીએ માત્ર ૩૦થી ૪૦ કૅલરી હોય છે.
સામગ્રી : ૧ કપ ફાડા ઘઉં, ઘી, ૨ કપ પાણી, સાકરના વિકલ્પ તરીકે મન્કફ્રૂટ સ્વીટનર, એલચી પાઉડર અને પંચમેવા.
બનાવવાની રીત : ફાડા ઘઉંને થોડા ઘીમાં શેકી લો. પછી પાણી ઉમેરીને એ ચડી જાય ત્યાં સુધી રાંધો. ત્યાર બાદ સ્વીટનર, એલચી અને પંચમેવા મિક્સ કરો. મિશ્રણ ઠંડું પડે એટલે મોદક કે લાડુનો આકાર આપો.
આ મોદક બનાવવા માટે પાંચ જાતના સૂકા મેવા લો. બદામ, કાજુ, અખરોટ, પિસ્તાં અને મખાના અથવા સૂકું કોપરું બધું પા-પા કપ લઈને કુલ એક કપ જેટલું થવું જોઈએ. ગળપણ માટે એક કપ ખજૂર લો. જો એ ન હોય તો એક કપ દેશી ગોળ પણ લઈ શકો. સુગંધ અને સ્વાદ માટે અડધી ચમચી એલચી પાઉડર અને થોડા કેસરના તાંતણા પણ નાખી શકાય. બાઇન્ડિંગ માટે એકથી બે ચમચી દેશી ઘી લો.
બનાવવાની રીત : એક પૅન કે કડાઈમાં ૧ ચમચી ઘી ગરમ કરો. એમાં બદામ, કાજુ, અખરોટ, પિસ્તાં અને મખાના/સૂકું કોપરું ધીમા તાપે ૨-૩ મિનિટ માટે શેકી લો. શેકેલાં ડ્રાયફ્રૂટ્સ ઠંડાં થાય એટલે મિક્સરમાં એને અધકચરાં પીસી લો. જો ખજૂર વાપરતા હો તો ખજૂરને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ પૅનમાં થોડું ઘી મૂકીને ખજૂરની પેસ્ટને ૧-૨ મિનિટ નરમ થાય ત્યાં સુધી ગરમ કરો. જો ગોળ વાપરતા હો તો પૅનમાં ૧ ચમચી ઘી સાથે ગોળ ઓગાળી લો. ઓગાળેલા ગોળ અથવા ખજૂરની પેસ્ટમાં કરકરા પીસેલા પંચમેવા, એલચી પાઉડર અને કેસર ઉમેરીને બરાબર મિક્સ કરી લો અને ગૅસ બંધ કરી દો. મિશ્રણ થોડું નવશેકું ઠંડું થાય એટલે મોદકના મોલ્ડમાં થોડું ઘી લગાવીને મિશ્રણ ભરો અને સરસ આકાર આપો. મોલ્ડ ન હોય તો હાથથી પણ મોદક કે લાડુનો આકાર આપી શકાય છે. આ મોદક હાર્ટ–બોન-ગટ હેલ્થ માટે સારા છે. એ રોગપ્રતિકારક શક્તિ વધારે છે અને ગ્લુટન-ફ્રી મિષ્ટાન્નનો સારો ઑપ્શન આપે છે.
સાંજે પ્રસાદ કે ભારે ભોજન લેવાનું હોય તો બપોરે ભૂખ્યા રહેવાની ભૂલ ન કરો. દિવસ દરમ્યાન સંતુલિત ખોરાક લેવાથી ઓવરઈટિંગથી બચી શકાય છે. ટીવી કે મોબાઇલ જોયા વગર શાંતિથી બેસીને,ધીમે-ધીમે દરેક બાઇટનો સ્વાદ માણીને ખાઓ. આનાથી ઓછી માત્રામાં પણ તૃપ્તિ મળશે. નિયમિત ચાલવું, યોગ કે કસરત ચાલુ રાખો. વર્કઆઉટ એ ખોરાકની સજા નથી, પણ શરીરને સક્રિય રાખવાનો માર્ગ છે. સામે આવેલી દરેક વસ્તુ ખાવાને બદલે જે ખરેખર પ્રિય હોય એનો જ મર્યાદિત માત્રામાં આસ્વાદ લો. તમારી આખા વર્ષની લાઇફસ્ટાઇલ મહત્ત્વની છે, નહીં કે તહેવારના ૪-૫ દિવસ. તહેવારોની ઉજવણી સ્ટ્રેસ વગર, ગિલ્ટ-ફ્રી થઈને કરો.