04 April, 2026 07:13 PM IST | Mumbai | Darshini Vashi
બિયૉન્ડ બોબા
ડિઝર્ટની યાદીમાં એક નવું નામ ઉમેરાયું છે જે છે ક્રૉફલ્સ. હા, મોટા ભાગના લોકો માટે આ ડિઝર્ટ જાણીતું નથી કેમ કે મુંબઈમાં એ માત્ર બે જગ્યાએ જ મળે છે. એક ચોપાટી ખાતે અને એક બિયૉન્ડ બોબામાં. આ ડિઝર્ટ વૉફલ્સ અને ક્રોસોંનું યુનિક કૉમ્બિનેશન છે. જોકે હજી દરેક ઠેકાણે એ મળતું ન હોવાને લીધે ક્રૉફલ્સ વિશે લોકોને વધુ જાણ નથી. જો તમને પણ આ નવું ડિઝર્ટ ટ્રાય કરવું હોય તો તમારે આ આઉટલેટ સુધી આવવું પડશે.
ક્રૉફલ્સનો વિચાર ક્યાંથી આવ્યો એ વિશે જણાવતાં બિયૉન્ડ બોબાનાં ઓનર ધ્રુવી નંદુ કહે છે, ‘મારા પપ્પા સાથે મળીને હું આ આઉટલેટ ચલાવું છું જેમાં મારો આખો પરિવાર મને મદદ કરે છે. હું પોતે શેફ છું. સાઉથ મુંબઈમાં સૌથી પહેલાં બોબા બબલ ટી લાવનાર હું જ હતી અને હવે હું કંઈક નવું અને લોકોને ભાવી જાય એવું કંઈક લાવવાનું વિચારી રહી હતી. ત્યારે મેં ક્રૉફલ્સ વિશે સાંભળ્યું. હું ક્રૉફલ્સ પર આર ઍન્ડ ડી કરી રહી હતી એટલામાં જ ચોપાટીમાં એક જણે ક્રૉફલ્સ વેચવાનું શરૂ કર્યું એટલે હું બીજી વ્યક્તિ બની જે મુંબઈમાં ક્રૉફલ્સ લઈને આવી. આમ છતાં ક્રૉફલ્સ નામ લોકો માટે જાણીતું નથી. ક્રૉફલ્સ બહારથી ક્રિસ્પી હોય છે અને અંદરથી સૉફ્ટ હોય છે, એને વૉફલ્સની જેમ જ વૉફલ્સ મશીનમાં બનાવવામાં આવે છે. અત્યારે એની અંદર ડાર્ક ચૉકલેટ ક્રૉફલ્સ, નટેલા ક્રૉફલ્સ અને આઇસક્રીમ નટેલા ક્રૉફલ્સ અમે બનાવી રહ્યાં છીએ. આ સિવાય અહીં કોરિયન ડિઝર્ટ બિંગશુ પણ મળે છે જે મારી સ્પેશ્યલિટી છે.’
ક્યાં મળશે? :
બિયૉન્ડ બોબા : 1. નીલકંઠ માર્કેટ, એમ. જી. રોડ, ઘાટકોપર (ઈસ્ટ).
2. પારસ સોપારીવાલા એસ્ટેટ, તારાબાગની સામે, ચર્ની રોડ.
સમય : બપોરે ૩થી લઈને રાત્રે ૧૨ સુધી