20 September, 2025 12:22 PM IST | Mumbai | Darshini Vashi
ગોળમાંથી બનતી બ્રાઉની ટ્રાય કરવી છે?
નવી-નવી જાતનાં આવેલાં ડિઝર્ટને જોઈને કોને મોઢામાં પાણી ન આવે, પણ શુગર વિશે વિચારીને આપણે મન મારી દઈએ છીએ. ખાસ કરીને બ્રાઉની ખાવા માટે ના પાડવી મુશ્કેલ છે, પણ હવે કદાચ એવું કરવાની જરૂર નહીં પડે. દાદરમાં શિવાજી પાર્ક પાસે આવેલી કેક-શૉપમાં જૅગરી એટલે કે ગોળમાંથી બ્રાઉની બનાવી આપવામાં આવે છે.
શિવાજી પાર્ક ખાતે સુપ્રિયા નાડકર્ણીએ શરૂ કરેલી કેક-શૉપમાં ઘણી અવનવી અને યુનિક રીતે તૈયાર કરેલી કેક, કુકીઝ, બ્રેડ્સ, કોલ્ડ કૉફી વગેરે મળે છે; પણ સૌથી વધુ ધ્યાન એની જૅગરી બ્રાઉની ખેંચે છે. આ બ્રાઉનીને મેંદા કે સાકરનો ઉપયોગ કરીને બનાવવામાં આવી નથી પરંતુ ઑર્ગેનિક ગોળ અને ડાર્ક ચૉકલેટનો ઉપયોગ કરીને તૈયાર કરવામાં આવી છે. હા, જેને ગોળની બ્રાઉનીમાં રસ નથી તેમણે ટેન્શન લેવાની જરૂર નથી, તેમના માટે અહીં નૉર્મલ બ્રાઉની પણ મળશે. બ્રાઉની બાદ અહીં બોમ્બોલોની સૌથી વધુ ફેમસ આઇટમ છે. આજકાલ ખૂબ ચર્ચામાં આવેલી એવી બોમ્બોલોની અહીં અનેક વરાઇટીમાં મળે છે. નૉર્મલી બોમ્બોલોની ચૉકલેટ અને બીજી એક-બે વરાઇટીમાં જ મળતી હોય છે, પણ અહીં ૬ વરાઇટીમાં બનાવવામાં આવે છે તેમ જ એનું મિની વર્ઝન પણ અહીં મળે છે. બોમ્બોલોનીની વાત કરીએ તો એમાં રાસબેરી બોમ્બોલોની લોકોને બહુ ભાવી રહી છે. એ પછી કોરિયન બનનો નંબર આવે છે જે ખૂબ ક્રીમી અને લોડેડ હોય છે. એ સિવાય અહીં બીજી પણ અનેક વરાઇટી છે જે ટ્રાય કરી શકાય.
ક્યાં છે? : કૅરૅમલ ઍન્ડ કોકો, સ્વસ્તિક હાઉસ, શિવાજી પાર્ક, દાદર સમય : સવારે ૧૦થી રાતે ૯ સુધી (સોમવારે બંધ)