09 August, 2023 08:00 AM IST | Mumbai | Rachana Joshi
પાર્થ ઓઝા શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
ટ્રેડિશનલ ગરબાના પ્રિન્સ તરીકે ઓળખાતા પ્લેબૅક સિંગર અને એક્ટર પાર્થ ઓઝા (Parth Oza)ની ગાયકી અને સ્ટાઇલ બન્નેના લોકો દિવાના છે. સ્ટેજ પર હંમેશા તેમની અલગ સ્ટાઇલ જોવા મળે છે. હંમેશા તેમને અલગ અંદાજમાં જોઈને ચોક્કસ જાણવાની ઇચ્છા થાય કે તેમના વૉર્ડરૉબમાં શું હશે. તો પાર્થ ઓઝા આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : મેં મારા નવા ઘરમાં વૉક-ઇન વૉર્ડરૉબ કરાવ્યું છે. ઍસ્થેટિક કરેક્ટ હોય એવું વૉર્ડરૉબ મને ગમે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : મારા વૉર્ડરૉબમાં તમને બધું જ મળી જાય વેકેશનના કેઝ્યુઅલ આઉટફિટ્સથી લઈને ફંક્શન માટેના ટ્રેડિશનલ કપડાં સુધીનું બધું જ. એટલું જ નહીં મારા કબાટમાં તમને વિવિધ પ્રકારની ઍક્સેસરીઝ પણ મળશે. જાતભાતનાં ગોગલ્સ, પરફ્યુમ, અત્તર, શૂઝ અને ઘડિયાળો જોવા મળશે. મારા વૉર્ડરૉબમાં જુદી-જુદી ચેન્સ પણ છે.
આ પણ વાંચો – વૉર્ડરૉબ ગોઠવવું એ મારા માટે ડિટૉક્સ કરવા જેવું છે : સોનાલી લેલે દેસાઈ
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : આમ વૉર્ડરૉબમાં બધું ઢગલાં ન થઈ જાય એટલે લગભગ દર ૧૫-૨૦ દિવસે હું સાફસફાઈ કરું જ છું, પણ હા… નવરાત્રી હોય, લગ્નની સિઝન ચાલતી હોય, બૅક-ટુ-બૅક શૉ હોય કે પછી ટૂર હોય ત્યારે મુશ્કેલી થઈ જાય છે.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : મેં પહેલા જેમ કહ્યું એમ મારી ટૂર હોય કે બૅક-ટુ-બૅક શૉ હોય ત્યારે મને સમય નથી મળતો વૉર્ડરૉબ ગોઠવણીનો એટલે એ સમયે મમ્મી અને પપ્પા મારી મદદ કરે.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : બધુ તરત જ મળી જાય એ રીતે હું થપ્પી બનાવીને મુકું છું. પેન્ટ, શર્ટ, ટી-શર્ટ, ટ્રેડિશનલ કપડાં બધું અલગ થપ્પી કરીને મુકું, જેથી ગોતવામાં સરળ પડે. પાછાં મારી ઘડિયાળ, હૅટ એના સેક્શન તો અલગ જ હોય.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : તમે થપ્પી પ્રમાણે ગોઠવણી કરો તો તમને વૉર્ડરૉબમાંથી વસ્તુઓ જલ્દી મળી જાય. તે સિવાય જો તમે સમયાંતરે વૉર્ડરૉબ સાફ કરતાં રહો તો તે ચોખ્ખું પણ રહે અને જલ્દી બધુ મળી જાય.
આ પણ વાંચો – મારા વૉર્ડરૉબ માટે એક શબ્દ પરફેક્ટ છે, `અસ્તવ્યસ્ત` : મલ્હાર ઠાકર
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : ના જરાય નહીં.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : ના એવું કયારેય ગણ્યું નથી. પણ હા, હું ટ્રિપ પર જવાનો હોઉં ત્યારે પેકિંગ કરવા બેસું એટલે મને બે જ વસ્તુનો અહેસાસ થાય – એક કે મારી પાસે બહુ કપડાં છે અથવા બીજી એમ થાય કે મારી પાસે કપડાં જ નથી. જોકે, મને શૂઝ બહુ જ ગમે છે. શૂઝ અને ફુટવેરનું મારું બહોળું કલેક્શન છે. આઇ લવ ગ્લેર્સ અને પર્ફયુમ તો એનું આખું અલગ કલેક્શન છે.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : ઘડિયાળ અને મારા શૂઝ સૌથી મોંઘા છે. બાકી સસ્તામાં તો કદાચ રૂમાલ હશે. (ખડખડાટ હસે છે).
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : મારી ઘડિયાળ અને શૂઝનું સેક્શન મારું મનપસંદ કૉર્નર છે અને હા હું મારી એક્સેસરીઝનું સેક્શન તો ન જ ભુલી શકું. ગ્લેર્સ અને ચેઇન્સનું સેક્શન પણ મનપસંદ કૉર્નરમાં આવે છે.
આ પણ વાંચો – મારી કાર એ મારું સેકન્ડ વૉર્ડરૉબ છે : હાર્દિક સાંગાણી
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : એક ટ્રેડિશનલ આઉટફિટ, એક કેઝ્યુલ જોડી, વિન્ટર સ્પેશયલ આઉટફિટ, સમર સ્પેશ્યલ આઉટફિટ અને એક બ્લેઝર કે ટક્સિડો તો હોવું જ જોઈએ.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : અફકોર્સ સ્ટાઇલ કરતાં કમ્ફર્ટનું વધારે મહત્વ છે મારી માટે. પણ હા, એ બાબતનું ધ્યાન રાખું કે કમ્ફર્ટ ઝૉનમાં પણ સ્વેગ હોય.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે અને સાથે જ મારી સ્ટાઇલ પણ મેઇન્ટેન કરતો હોઉં છું. શોબિઝ બિઝનેસમાં છું એટલે સ્ટાઇલ અને ટ્રેન્ડ ફૉલૉ કરવા જ પડે. અત્યારે બૅગી પેન્ટ અને ઑવરસાઇઝ્ડ શર્ટ ટ્રેન્ડમાં છે તો હું એની સાથે એક્સપ્રિમેન્ટ કરતો રહું છું.
હું ઘણી વાર લાઇવ શૉમાં પણ મારી સ્ટાઇલ સાથે અખતરા કરતો હોઉં છું. ગયા વર્ષની નવરાત્રીની વાત કરું તો મેં ઇન્ડો-વેસ્ટર્ન સ્ટાઇલમાં પણ જરાક ટ્વિસ્ટ આપ્યો હતો. બ્લેઝરની સાથે ધોતી અને બાંધણીનો દુપટ્ટો પહેર્યો હતો અને એક અલગ જ લૂક આપ્યો હતો.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : લાઇવ શૉમાં અનેકવાર બટન તૂટી જાય કે લેસ નીકળી જાય એવા કિસ્સા બનતા જ હોય છે, જેને આર્ટિસ્ટ થોડાક સ્માર્ટલી હેન્ડલ કરી લેતા હોય છે.
આ પણ વાંચો – કુલદીપ ગોરના વૉર્ડરૉબમાં ડિઝાઇન્સ વાઇફની કરેલી હોય, પણ ગોઠવણ તો તેની પોતાની જ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : ફેશન એટલે આપણી પોતાની શૈલી અને વ્યક્તિત્વનું દર્પણ. આપણી ફેશન એ આપણો પડછાયો છે. સ્ટાઇલ એટલે કંઈપણ બોલ્યા વિના તમે કોણ છો તે કહેવાની એક રીત.