26 July, 2023 03:30 PM IST | Mumbai | Rachana Joshi
દિલીપ રાવલ શૅર કરે છે વૉર્ડરૉબ સિક્રેટ
સેલિબ્રિટી જેવી લાઈફ જીવવાની, સ્ટાર્સ જેવા દેખાવાનું, સેલેબ્ઝની ફેશન અનુસરવાનું દરેક સામાન્ય વ્યક્તિનું સપનું હોય છે. સેલેબ્ઝના જીવનમાં શું ચાલી રહ્યું છે તે તો થોડાઘણા અંશે તેમના સોશ્યલ મીડિયા પોસ્ટ પરથી જાણી શકાય છે. તેમની ફેશનનો અંદાજો પણ ઇન્ટરનેટ આપી જ દે છે. પરંતુ દરેક વ્યક્તિને સેલેબ્ઝની ફેશન, સ્ટાઇલ અને વૉર્ડરૉબ વિશે હંમેશા વધુને વધુ જાણવાની ઇચ્છા હોય જ છે. સેલેબ્ઝના વૉર્ડરૉબમાં શું હોય છે, તેઓ વૉર્ડરૉબનું ધ્યાન કઇ રીતે રાખે છે વગેરે બાબતો તમને જાણવા મળે તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે, ‘Wardrobe Wednesday`. દર મહિનાના બીજા અને છેલ્લા બુધવારે ‘Wardrobe Wednesday’માં અમે તમને સેલિબ્રિટીઝના ‘વૉર્ડરૉબ સિક્રેટ’ જણાવીશું.
અભિનેતા, લેખક, એન્કર, ગીતકાર વિવિધ રૂપમાં જેમને લોકો વર્ષોથી સ્ટેજ પર જોતા આવ્યા છે તેવા આર્ટિસ્ટ દિલીપ રાવલ (Dilip Rawal)ની ફેશન અને સ્ટાઇલના દિવાનાઓનું લિસ્ટ લાંબુ છું. અભિનેતા તરીકે સ્ટેજ પર હોય ત્યારે અથવા તો કવિ સંમેલનના મંચ પર બિરાજમાન હોય કે પછી એન્કર તરીકેની ફરજ બજાવતા હોય દરેક અવતારમાં તેમની નોખી સ્ટાઇલ જોવા મળશે. જે વ્યક્તિ સ્ટેજ પર આટલા બધા કિરદાર નિભાવતી હોય તેનું વૉર્ડરૉબ ખરેખર કેટલું ઇન્ટરસ્ટિંગ હશે નહીં! દિલીપ રાવલ આજે આપણી સાથે તેમના વૉર્ડરૉબ સિક્રેટ શૅર કરે છે. આવો જાણીએ તેમના જ શબ્દોમાં...
સવાલ : વૉર્ડરૉબમાં તમાર કેટલા કમ્પાર્ટમેન્ટ/શૅલ્ફ છે?
જવાબ : મને લાકડાનું કબાટ ગમે છે. મારા બેડરૂમમાં લાકડાનું પ્રોપર વૉર્ડરૉબ છે.
સવાલ : તમારા વૉર્ડરૉબનો યુએસપી (USP) શું છે?
જવાબ : ચોખ્ખું ચણાક હોય એ વૉર્ડરૉબ મારું. હું અંધારામાં પણ હાથ નાખું ને તો શર્ટની જગ્યાએ શર્ટ, ટી-શર્ટની જગ્યાએ ટી-શર્ટ અને પરફ્યુમની જગ્યાએ પરફ્યુમ જ મળે.
આ પણ વાંચો – વૉર્ડરૉબ ગોઠવવું એ મારા માટે ડિટૉક્સ કરવા જેવું છે : સોનાલી લેલે દેસાઈ
સવાલ : તમે તમારા વૉર્ડરૉબને કેટલા સમયાંતરે સાફ કે ઑર્ગેનાઇઝ કરો છો?
જવાબ : મારું એવું કંઈ નક્કી નહીં પણ હા મહિનામાં લગભગ એકાદ વાર તો થઈ જ જતું હશે.
સવાલ : તમે સેલિબ્રિટી છો એટલે તમારી પાસે કપડાંનું કલેક્શન બહુ હોય એ સામાન્ય વાત છે. તો તમે બધા કપડાં અરેન્જ કરવાનો/ગોઠવવાનો ટાઇમ કઈ રીતે ફાળવો છો?
જવાબ : જ્યારે મને કંઈ જ કામ ન હોય ત્યારે હું શાંતિથી મારું વૉર્ડરૉબ ગોઠવું. તે સિવાય હું જ્યારે પણ નવા કપડાંની ખરીદી કરું ત્યારે વૉર્ડરૉબમાંથી આઉટડેટેડ થઈ ગયા હોય તેવા અથવા જે હું પહેરીને કંટાળી ગયો હોઉં તેવા કપડાં બહાર કાઢીને વૉર્ડરૉબમાં નવા કપડાંની જગ્યા કરતો હોઉં છું. સામાન્ય રીતે, હું કપડાં સાવ ઘસાઈ જાય ત્યાં સુધી નથી પહેરતો મેં થોડોક સમય પહેર્યા હોય અને સારી પરિસ્થિતિમાં એટલે કે બીજું કોઈ પહેરી શકે તેવી પરિસ્થિતિમાં હોય ત્યારે જ કાઢી નાખું. પહેલાના જમાનામાં લોકો જૂના કપડાં આપીને વાસણની ખરીદી કરતાં પણ હવે તો એ પ્રથા રહી જ નથી. એટલે હું મારા માટે જૂના થઈ ગયા હોય તેવા કપડાં જે પહેરી શકે તેને આપી દેતો હોઉં છું. હું એક બાબત બહુ માનું છું કે તમે આપશો તો ઈશ્વર તમને બમણું આપશે.
સવાલ : વૉર્ડરૉબ ગોઠવવાનો તમારો યુએસપી (USP) શું છે?
જવાબ : મારા વૉર્ડરૉબમાં ભાગ જ પડી ગયા છે. એક ભાગમાં મારા એન્કરિંગ શૉના કપડાં હોય. તો બીજા ભાગમાં ભારે કપડાં જોધપુરી, બ્લેઝર, કુર્તા એ બધું હોય. હા, જીન્સ, ટી-શર્ટ અને કેઝ્યુલ કપડાંનો ભાગ તો સાવ જુદો જ. આ ઉપરાંત મારું એક ટ્રાવેલ ખાનું છે. આ ભાગમાં હું આઉટ ઑફ સ્ટેશન જવાનો હોઉં ત્યારના કપડાં હોય. શાલ, શેવિંગ કીટ, કૉમ્બ વગેરે વગેરે… એટલે બહાર જવાનું હોય ત્યારે અહીંથી જ વસ્તુ લેવાની. રેગ્યુલર જે વપરાતા હોય તે શેવિંગ કીટ કે કૉમ્બ વાપરવાની જરૂર જ ન પડે. એટલે વાપરીને પછી બેગમાં મુકીશું એવી માથાકુટ ન રહે. તે સિવાય મારી એક ટ્રાવેલ ડાયરી છે જેમાં ટ્રાવેલ ચૅક લિસ્ટ હોય છે, ટ્રાવેલિંગ સમયે શેની જરૂર પડે તેનું આખું લિસ્ટ એ જોઈ લેવાનું એટલે શું મુક્યું અને શું રહી ગયું એ યાદ આવી જાય.
સવાલ : કોઈ એવી ટિપ્સ આપો જેનાથી વૉર્ડરૉબ જલ્દીથી ગોઠવાઈ જાય, એમાં મુકેલી વસ્તુઓ જલ્દી મળી જાય.
જવાબ : ભારતીયોની મેન્ટાલિટી છે સંગ્રહ કરવાની, પણ એ નથી સમજતા કે સંગ્રહ કરશો તો નવી વસ્તુ ક્યાંથી આવશે. જૂનું કાઢશો વૉર્ડરૉબમાંથી તો નવા માટે જગ્યા થશે.
આ પણ વાંચો – મારા વૉર્ડરૉબ માટે એક શબ્દ પરફેક્ટ છે, `અસ્તવ્યસ્ત` : મલ્હાર ઠાકર
સવાલ : વૉર્ડરૉબ કોઈની સાથે શૅર કરવું પડે તો તમને ગમે?
જવાબ : ના જરાય નહીં. મને વૉર્ડરૉબમાં પ્રાઈવસી જોઈએ. કારણ કે હું જેમ કપડાં રાખતો હોઉં એમ બીજા ન રાખે, એટલે મને ન ફાવે.
તમને ગયા વર્ષનો જ એક કિસ્સો કહું, હું અમેરિકા ગયેલો - લાંબી ટૂર હતી. મને જે મેનેજ કરતો હતો તેનો અને મારો રૂમ સાથે હતો. એટલે અમારું ક્લોઝેટ પણ એક જ. જોકે, અમે ક્લોઝેટની વહેંચણી કરી લીધેલી. સૂટકેસ પણ એ રીતે ગોઠવી દીધેલી અને મેં એને કહી દીધેલું કે આ ભાગ તારો પેલો ભાગ મારો, તારે મારી બાજુ ન આવવું હું તારી બાજું નહીં આવું.
સવાલ : તમે ક્યારેય ગણતરી કરી છે કે તમારી પાસે કેટલાં જોડી કપડાં છે? કેટલાં જોડી શૂઝ/ચપ્પલ/સેન્ડલ્સ છે?
જવાબ : એમ ચોક્કસ તો ગણતરી નથી કરી, પણ મને ખ્યાલ છે કે મારા વૉર્ડરૉબમાં ઉપરની બાજુ ૨૫-૩૦ જોડી આવે વચ્ચેના ભાગમાં પણ એટલા જ સમાતા હશે. બાકી જો તમને કહું તો, મારા વૉર્ડરૉબમાં લગભગ ૨૦થી ૨૫ બ્લેઝર છે. એમાં તો કેટલાક ૧૫ વર્ષ જૂના પણ છે. એવા બ્લેઝર જે ક્યારેય આઉટડેટેડ ન થાય અને ઓલ્વેઝ ફેશનેબલ જ લાગે. તે સિવાય ૬૦ જેટલા એથનિક વૅર હશે. ૫૦-૬૦ શર્ટ અને ૨૦-૨૫ ટી-શર્ટ તો ખરાં જ. હા, મને બરમુડાનો બહુ શોખ છે એટલે એનું આખું અલગ જ કલેક્શન છે.
બાકી શૂઝ/ચપ્પલના કલેક્શનમાં તો મારી પે લેઘર શૂઝ, મોજડીઓ અને સ્ટાઇલિશ ફ્લોટર્સ છે.
સવાલ : તમારા વૉર્ડરૉબમાં સૌથી મોંઘુ શું અને સૌથી સસ્તું શું છે?
જવાબ : સૌથી સસ્તી શોપિંગની વાત કરું તો હું તાજેતરમાં જ મલાડ ગયો હતો ત્યારે રસ્તા પર એક ફેરિયાવાળો બેઠો હતો તેના પર મારી નજર પડી તેની પાસે ૨૦૦ રૂપિયાનો એક બહુ જ સરસ શર્ટ હતો જે મને ગમી ગયો હતો અને મેં ખરીદ્યો હતો.
જો મોંઘા આઉટફિટની વાત કરું તો મારા કલેક્શનમાં ‘ડિવોટી ડિઝાઇનરન’ની ત્રણ-ચાર કોટી છે, જે વન પીસ ઇન ધ વર્લ્ડ છે. મેં એ બનાવડાવી ત્યારે લગભગ એકના ૭૦૦૦થી ૮૦૦૦ રૂપિયા થયા હતા. આ કોટીઓને હું સોનાની લગડીની જેમ સાચવું છું.
સવાલ : જેમ ઘરમાં/રુમમાં ગમતો ખૂણો હોય એમ વૉર્ડરૉબમાં તમારું કોઈ મનપસંદ કોર્નર/સેક્શન છે?
જવાબ : એવું કંઈ ખાસ નથી. પણ વૉર્ડરૉબમાં એક નાનું ખાનું છે, જ્યાં બધી પરચુરણ વસ્તુ પડી રહે છે તેને મનપસંદ કહી શકાય.
આ પણ વાંચો – મારી કાર એ મારું સેકન્ડ વૉર્ડરૉબ છે : હાર્દિક સાંગાણી
સવાલ : તમારા હિસાબે કયા પાંચ આઉટફિટ વૉર્ડરૉબમાં હોવા જ જોઈએ?
જવાબ : બ્લૂ ડેનિમ, બ્લેક ટ્રાઉઝર, બ્લેક જીન્સ, બ્લેઝર, વ્હાઇટમાં એક શર્ટ, ટી-શર્ટ અને કુર્તો.
સવાલ : જ્યારે કપડાં પહેરવાની વાત આવે ત્યારે તમે સ્ટાઇલને વધુ મહત્વ આપો છો કે તમારા કમ્ફર્ટને વધુ મહત્વ આપો છો?
જવાબ : એ બધું ડિપેન્ડ કરે છે. જ્યારે મારે સ્ટેજ પર પર્ફોમ કરવાનું હોય ત્યારે હું બન્ને બાબતોનું ધ્યાન રાખતો હોઉં છું. સ્ટેજ પર મારે સતત લેઘર શુઝ પહેરવાના હોય તો હું સાથે મારા સ્પોર્ટ્સ શુઝ કૅરી કરું જ. કારણ કે મારું માનવું છે કે, લેઘર શુઝ ચાર-પાંચ કલાક કનટિન્યુ ન પહેરી શકાય, અનકમ્ફર્ટ થઈ જાવ. સ્ટેજ પર હોવ ત્યારે ફેશન અનુસરું સીનમાંથી એક્ઝિટ થાવ એટલે હું મારા શુઝ પહેરી લઉં. મારા કેસમાં સ્ટાઇલ અને કમ્ફર્ટ ઇક્વલી જાય છે. સ્ટાઇલ તો ખરી જ પણ સાથે કમ્ફર્ટ જરૂરી છે.
સવાલ : તમને ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું ગમે છે કે પછી તમારી કોઈ યુનિક સ્ટાઇલ છે? તમે તમારી સ્ટાઇલને કઈ રીતે વર્ણવશો?
જવાબ : ટ્રેન્ડ્સ ફૉલૉ કરવાનું મને જરાય નથી ગમતું. મારી પાસે ૧૫-૨૦-૨૫ વર્ષ જૂના શર્ટને બ્લેઝર પણ છે. એટલે જે હાર્ડ કૉર ફેશનેબલ વસ્તુ હોય એ હું પસંદ ન કરું. કારણ કે હું માનું છું જેટલી જલ્દી ફેશન આવે એટલી જલ્દી એ જતી રહે, પછી એ કપડાં પાછળ ખર્ચેલા પૈસા તમને વેસ્ટ લાગે.
મારી સ્ટાઇલની વાત કરું તો તમે મને ટ્રેન્ડી કહી શકો. હું ઓલ્વેઝ સ્ટાઇલિશ હોઉં એવી કૉમ્પલિમેન્ટ્સ મને હંમેશા મળતી હોય છે. હું લગર-વગર ન હોઉં. ભલે શાક લેવા નીચે જવાનું હોય તો પણ હું પ્રોપર તૈયાર થઈને જ જાઉં.
સવાલ : લાઈફમાં ક્યારેય પણ Wardrobe Malfunctions જેવો કોઈ સીન થયો છે તમારી સાથે? અથવા તો ફેશન ફોપા જેવું કંઇ?
જવાબ : મારું એક બહુ જ સુપરહિટ કૉમેડી નાટક છે, ‘સખણાં રહે તો સાસુ નહીં’ તેમાં ટાઇમ લેપ્સ હતાં. નાટકના ફર્સ્ટ હાફમાં હું એક ગરીબ બહેનના ગરીબ ભાઈનો રોલ કરતો હતો. જે ધોતી-ઝભ્ભો પહેરતો હતો. જ્યારે બીજા હાફમાં ૨૦ વર્ષનો ગેપ દેખાડવામાં આવ્યો હતો. અમારી પરિસ્થિતિ વધારે સારી થઈ હોય તેવું દેખાડ્યું હતું. સાથે જ અમે એકદમ પૈસાવાળા થઈ ગયાં હતાં. એટલે હું સૂટ-બૂટમાં હતો સેકેન્ડ હાફમાં. હવે થયું એવું કે, આ નાટકનો વાપીમાં એક શૉ હતો. આ શૉ માટે અમે કલાકારો તો વાપી પહોંચી ગયા પણ અમારા સેટિંગના સામાનમાં અમારી આખી કાસ્ટની કોસ્ચ્યુમની બેગ્સ આવી જ નહોતી. આ બેગ્સ મુંબઈમાં જ રહી ગઈ હતી અને શૉ શરૂ થાય તે પહેલાં આ બેગ્સ વાપી પહોંચી શકે તેવી કોઈ જ શક્યતા નહોતી. અમે બહુ જ દુવિધામાં પડી ગયા હતા. શૉના ઑર્ગેનાઇઝરે અમારી વાત સાંભળી અને કહ્યું કે ચલો મારા ઘરે મારા અને મારી વાઈફના જે કપડાં છે એ ટ્રાય કરો. અમે એમના ઘરે જઈને અમુક કપડાં ટ્રાય કર્યા. મને તો એમના કપડાં બહુ જ ઢીલા પડતા હતા, પણ હવે બીજો કોઈ છૂટકો નહોતો એટલે છેવટે મેં જીન્સ-ટીશર્ટ પહેરીને શૉ કર્યો હતો અને સેકેન્ડ હાફમાં ટકલું હતું પણ વીગ નોહતી એટલે અમારા મૅક-અપ મેને સફેદ વાળ કરી આપ્યા હતા. આમ માંડ શૉ પતાવ્યો હતો. આમ કલાકારના જીવનમાં આવા અનેક કિસ્સો બનતા જ રહે છે.
બાકી રિયલ લાઈફમાં મારી સાથે કપડાંને લઈને ક્યારેય કોઈ આવો કિસ્સો નથી બન્યો. કારણ કે મારે પર્ફોમ કરવાનું હોય છે. મારું માનવું છે કે, જ્યારે તમારે પર્ફોમ કરવાનું હોય ત્યારે તમારું મેન્ટલ બેલેન્સ બરાબર હોવું જોઈએ. મારા કપડાં, શુઝ જો બધું બરાબર હશે તો પર્ફોમન્સ પણ મસ્ત જશે.
આ પણ વાંચો – કુલદીપ ગોરના વૉર્ડરૉબમાં ડિઝાઇન્સ વાઇફની કરેલી હોય, પણ ગોઠવણ તો તેની પોતાની જ
સવાલ : તમારા માટે ફેશન એટલે શું?
જવાબ : મારી માટે ફેશન એટલે જે તમે કૅરી કરી શકો અને જેને લીધે તમે સરસ દેખાતા હોવ એ ફેશન. ફેશનના નામે દુનિયામાં શું ચાલી રહ્યું છે એ તમને ન શોભે તો પણ તમે પહેરો તો તમે ગાંડાંમાં ખપો. તમારે ફેશનને ન ફૉલૉ કરવાની હોય, ફેશન તમને ફૉલૉ કરશે.