વરરાજાની મેંદીમાં શું છે ખાસંખાસ?

27 November, 2025 12:45 PM IST  |  Mumbai | Darshini Vashi

લગ્નમાં ટ્રેન્ડિંગ મેંદી મુકાવવાની ડિમાન્ડ હવે માત્ર બ્રાઇડ જ નહીં, ગ્રૂમ પણ કરે છે ત્યારે જાણીએ આ વખતે ગ્રૂમની એટલે વરરાજાની મેંદીમાં કયો ટ્રેન્ડ ચાલે છે

મેંદી વગર દુલ્હન જ નહીં, દુલ્હાનો શણગાર પણ અધૂરો લાગે

વેડિંગ સીઝન ધૂમધામથી ચાલુ છે ત્યારે મેંદીની વાત ન નીકળે તો કેમ ચાલે? જેમ બૅન્ડવાજાં વગર વરરાજાની જાન અધૂરી લાગે છે એમ મેંદી વગર દુલ્હનનો શણગાર અધૂરો લાગે છે. જોકે હવે આ કહેવતમાં થોડો સુધારો કરવાની જરૂર લાગે છે. હવે એવું કહેવું જોઈએ કે મેંદી વગર દુલ્હન જ નહીં, દુલ્હાનો શણગાર પણ અધૂરો લાગે છે. એક સમય હતો જ્યારે અમુક ચોક્કસ સમાજ અને જ્ઞાતિમાં જ લગ્ન સમયે ગ્રૂમના હાથમાં શગુનની મેંદી મૂકવામાં આવતી હતી, પરંતુ હવે લગભગ દરેક ગ્રૂમના હાથમાં મેંદી જોવા મળે છે. ભલે એ પછી બ્રાઇડનો ઇનિશ્યલ લેટર કેમ ન લખેલો હોય, પણ લગ્નમાં હાથ કોરા રાખતા નથી. હવે તો ગ્રૂમની મેંદીમાં પણ કેટકેટલીયે ડિઝાઇન અને સ્ટાઇલ આવી ગઈ છે કે ન પૂછો વાત.  તો ચાલો જોઈએ કે આ વર્ષની વેડિંગ સીઝનમાં ગ્રૂમ્સમાં મેંદીની કંઈ ડિઝાઇન ટ્રેન્ડમાં છે અને એક્સપર્ટ પાસેથી લેટેસ્ટ ટ્રેન્ડ વિશે પણ જાણી લઈએ.

મંત્ર

હથેળીના મધ્યમાં કે પછી હાથના કાંડા પર મંત્ર લખવાનો ટ્રેડ અત્યારે ઘણો જોવા મળે છે. ગણપતિ કે પછી ગાયત્રી મંત્ર લખવાનું અથવા તો માત્ર ઓમ લખીને એની ફરતે ફૂલની ડિઝાઇન કે પછી મોરપંખ કરાવવાનું પણ આજે ઘણા પસંદ કરી રહ્યા છે.

રિંગ ફિંગર

રિંગ ફિંગર એટલે જે ફિંગરમાં રિંગ પહેરાવવામાં આવે એ. આ ફિંગર પર ક્યાં તો અરેબિક સ્ટાઇલમાં વર્ટિકલ મેંદી મુકાય છે અથવા તો રિંગ પહેરેલી હોય એની આસપાસ મેંદી કરવામાં આવે છે. 

હૅઝટૅગ

હૅઝટૅગ મેંદીની ડિઝાઇનની અત્યારે ખૂબ બોલબાલા છે. જેમ સોશ્યલ મીડિયા અને આમંત્રણપત્રિકા પર વર અને વધૂના નામના શબ્દોને જોડીને એક હૅઝટૅગ બનાવવામાં આવે છે એવી જ રીતે હાથમાં પણ મેંદીથી હવે હૅઝટૅગ બનાવવામાં આવે છે. 

છેડાછેડી

છેડાછેડી લગ્નવિધિનો એક ભાગ છે જેમાં છેડાછેડીના એક છેડાને વરરાજાના ખેસની સાથે જ્યારે બીજા છેડાને કન્યાના પાનેતર સાથે બાંધવામાં આવે છે. આ વિધિનો એક અર્થ એમ પણ થાય છે કે વર-વધૂ એકબીજાની સાથે પરસ્પર બંધાય. આવી પવિત્ર અને મુખ્ય લગ્નવિધિને મેંદીની ડિઝાઇન સ્વરૂપે હાથમાં મુકાવવાનો ટ્રેડ અત્યારે જોવા મળી રહ્યો છે.

પામ બૅન્ડ

મેંદી બહુ કરવી ન ગમતી હોય અથવા તો હાથમાં કંઈક યુનિક ડિઝાઇન કરવી હોય તો પામ બૅન્ડ પૅટર્ન પર પસંદગી ઉતારી શકાય છે જે અત્યારે ઇન છે. ઘડિયાળ જેવા પટ્ટામાં મેંદીથી એક પટ્ટો એટલે કે બૅન્ડ બનાવવામાં આવે છે. એ ક્યાં તો પામ એટલે હથેળીની વચ્ચે બનાવાય છે અથવા તો હથેળીની નીચેના ભાગમાં બનાવવામાં આવે છે. આ પ્રકારની મેંદીની ડિઝાઇન ગ્રૂમ્સને મૉડર્ન લુક આપે છે.

લોગો

લોગોની ડિઝાઇન આ વખતે નવી આવી છે. લોગો મતલબ ઘણાં આમંત્રણ-કાર્ડમાં કપલના નામના શરૂઆતના અક્ષરોને લઈને એક આર્ટિસ્ટિક લોગો બનાવવામાં આવ્યો હોય છે. એ લોગો તેઓ ફોટોથી લઈને વિડિયોમાં પણ વાપરતા હોય છે. આ લોગો હવે કપલ તેમની મેંદીમાં પણ ઉતારવા લાગ્યાં છે.

મેંદી-આર્ટિસ્ટ શું કહે છે?

મેંદી-આર્ટિસ્ટ જિનલ પાટડિયા કહે છે, ‘ગ્રૂમની મેંદીમાં મન્ડલા ડિઝાઇન, બ્રાઇડનું નામ, આર્ટિસ્ટિક ફ્લોરલ પૅટર્ન તો અત્યારે ચાલે જ છે; પણ હૅઝટેગ, લોગો, મંત્ર વગેરેની આ વખતની લગ્નની સીઝનમાં ખૂબ બોલબાલા છે. ત્યાં સુધી કે ગ્રૂમની સાઇડના લોકો - ખાસ કરીને ફ્રેન્ડ્સ અને કઝિન્સ - પણ હવે મેંદી મુકાવતા થઈ ગયા છે. એમાં પણ અત્યારે મેં જોયું છે કે જો ગ્રૂમના હાથમાં કપલનું હૅઝટેગ બનાવેલું હોય તો બધા જાનૈયાઓ પોતાના હાથમાં એકસમાન હૅઝટેગ બનાવે છે. આપણા ભારતીયો કરતાં વિદેશી છોકરાઓને મેંદીનો વધારે ક્રેઝ હોય છે. NRIના ફ્રેન્ડ્સ આવ્યા હોય તો તેઓ તેમના આર્મ અથવા કાંડા પર ટૅટૂ જેવી મેંદી મુકાવવાનું પસંદ કરતા હોય છે અને તેઓ તો હોંશે-હોંશે સોશ્યલ મીડિયા પર એ પોસ્ટ પણ કરે છે. એક સમય હતો જ્યારે મેંદી શુકન માટે મુકાવવામાં આવતી હતી, પરંતુ હવે ફૅશન-ટ્રેન્ડ બની ગઈ છે. હવે તો બ્રાઇડ અને ગ્રૂમ એકબીજાને વિડિયો-કૉલ કરીને મૅચિંગ ડિઝાઇન પણ કરાવે છે.’

fashion fashion news life and style lifestyle news columnists