10 March, 2026 11:50 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
બેબી બ્લુ સાડી, ઓર્ગાન્ઝા સાડી, લૅવન્ડર પેસ્ટલ સાડી
બદલાતા સમયની સાથે ફૅશનનાં સમીકરણો પણ બદલાયાં છે. હવે યુવતીઓ લાઉડ દેખાવાને બદલે ક્લાસી દેખાવાનું વધુ પસંદ કરે છે. ભારેખમ જરદોસી, મેટલિક ચમક અને ડાર્ક કલર્સની સાડીઓના સ્થાને હવે સૉફ્ટ પેસ્ટલ શેડ્સ, લાઇટ-વેઇટ ઑર્ગેન્ઝા અને બ્રીધેબલ ફૅબ્રિક્સ વધુ પસંદ કરવામાં આવી રહ્યાં છે. પ્રસંગ ગમે તે હોય, ઑફિસની કૉન્ફરન્સ હોય કે બેસ્ટ ફ્રેન્ડનું સંગીત હોય તો એક સૉફ્ટ કલરની સાડી અને એસ્થેટિક લુક હવે ગ્લૅમરની નવી વ્યાખ્યા બની ગયાં છે. સાદગીમાં જ સુંદરતા છે એ વાતને આજના પેસ્ટલ ટ્રેન્ડે ફરી એક વાર સાબિત કરી દીધી છે.
બૉલીવુડ સેલેબ્સથી લઈને સોશ્યલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ સુધી દરેકની પહેલી પસંદ હવે સૉફ્ટ ફૅબ્રિક અને પેસ્ટલ કલર્સની સાડી બની ગઈ છે. એમાં પાઉડર બ્લુ, મિન્ટ ગ્રીન, લૅવન્ડર, બેબી પિન્ક અને પીચ જેવા રંગો; જે આંખોને ઠંડક આપે છે એવા કલર્સ બહુ ટ્રેન્ડ કરી રહ્યા છે. ગરમીમાં પણ આવા કલર્સ વધુ પહેરાશે. ભારે ભરખમ વર્કવાળી સાડીઓમાં ઘણી વાર કમ્ફર્ટ ખોવાઈ જતી હોય છે, જ્યારે પેસ્ટલ સાડીઓ સૉફ્ટ ઑર્ગેન્ઝા, શિફૉન કે ક્રેપ મટીરિયલમાં હોવાથી પહેરવામાં અત્યંત હળવી અને સ્ટાઇલિશ લાગે છે.
જો તમે ડે-ટાઇમ ફંક્શનમાં જઈ રહ્યા હો તો ઑર્ગેન્ઝા અથવા ફ્લોરલ પ્રિન્ટેડ શિફૉન સાડી બેસ્ટ છે. રાત્રિના પ્રસંગ માટે પેસ્ટલ સિલ્ક અથવા આછા થ્રેડવર્કવાળી જ્યૉર્જેટ સાડી પસંદ કરી શકાય.
પેસ્ટલ સાડી સાથે સહેજ ડાર્ક શેડનું અથવા એમ્બ્રૉઇડરીવાળું બ્લાઉઝ તમારા આખા લુકને ગ્લૅમરસ ટચ આપી શકે છે. સ્લીવલેસ અને હૉલ્ટર નેક બ્લાઉઝ પેસ્ટલ સાડી સાથે ખૂબ મસ્ત લાગશે.
હેવી ગોલ્ડ જ્વેલરીના બદલે પર્લ, ડાયમન્ડ અથવા કુંદનનાં ચોકર પહેરવાથી લુક વધુ એસ્થેટિક લાગશે.
પેસ્ટલ લુક સાથે નો-મેકઅપ લુક સૂટ થશે. વાળમાં મેસી બન અથવા સૉફ્ટ કર્લ્સ રાખવાથી તમારો લુક વધુ ગ્લૅમરસ થશે.
સ્લિમ ફિગર ધરાવતી યુવતીઓએ ઑર્ગેન્ઝા કે ટિશ્યુ સિલ્કની સાડી પહેરવી જોઈએ, એનાથી બૉડીને થોડું વૉલ્યુમ મળે છે. કર્વી ફિગર હોય તેણે શિફૉન, જ્યૉર્જેટ કે ક્રેપ ફૅબ્રિક પસંદ કરવું. એ શરીર સાથે ચીપકેલું રહે છે અને સ્લિમ લુક પણ આપે છે.
બધા પેસ્ટલ કલર દરેક સમયે સારા નથી લાગતા. દિવસની ઇવેન્ટ હોય તો મિન્ટ ગ્રીન, પાવડર બ્લુ કે લેમન યલો કલરને અપનાવી શકાય. ઈવનિંગ પાર્ટી કે રિસેપ્શનમાં ડસ્ટી રોઝ કે શૅમ્પેન ગોલ્ડ પર્ફેક્ટ રહેશે. ઑફિસ પાર્ટીમાં ગ્રે અથવા બેજ જેવા ન્યુટ્રલ પેસ્ટલ કલર્સની પસંદગી કરશો તો તમારી પર્સનાલિટી એલિવેટ થશે.
પેસ્ટલ સાડીની સૌથી મોટી ખાસિયત એ છે કે એ વર્સેટાઇલ છે. જો તમારી પાસે સિમ્પલ પ્લેન પેસ્ટલ સાડી હોય તો એની સાથે સિલ્વર અથવા થ્રેડવર્કવાળું હેવી બ્લાઉઝ પહેરીને એને રિસેપ્શન લુક આપી શકાય છે. વળી આજકાલ સાડી પર કમરપટ્ટો પહેરવાનો ક્રેઝ પણ વધ્યો છે, જે તમારા સિમ્પલ લુકને તરત જ હાઈ-ફૅશન મૉડલમાં ફેરવી દે છે.