પરંપરાગત મદ્રાસ ચેક્સનું હાઈ ફૅશનમાં કમબૅક

01 September, 2026 02:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

એક સમયે ઘરેલુ અને ગામઠી વસ્ત્રો સાથે જોડાયેલી મદ્રાસ ચેક્સની ડિઝાઇન હવે જેન-ઝી અને મિલેનિયલ્સની ફેવરિટ બની છે. જાણો કેમ આ ઓલ્ડ-સ્કૂલ પ્રિન્ટ ફરી ફૅશન ટ્રેન્ડમાં છવાઈ રહી છે.

પરંપરાગત મદ્રાસ ચેક્સનું હાઈ ફૅશનમાં કમબૅક

છેલ્લા કેટલાક સમયથી ફૅશનજગતમાં ન્યુટ્રલ ટોન, પ્લેન પેસ્ટલ કલર્સ અને મિનિમલિઝમનો દબદબો હતો; પણ હવે ફૅશનનું ચક્ર હંમેશાંની જૂની સુંદરતા તરફ પાછું ફરે છે. એક સમયે ઘરમાં પહેરાતી લુંગી, ગામઠી શર્ટ્‌સ કે પરંપરાગત વસ્ત્રો પૂરતી સીમિત ગણાતી મદ્રાસ ચેક્સની ડિઝાઇન હવે જેન-ઝી અને મિલેનિયલ્સની ફેવરિટ ફૅશન બની ગઈ છે. બોલ્ડ કલર્સ, હળવું કૉટન ફૅબ્રિક અને હૅન્ડક્રાફ્ટેડ લુકને કારણે આ ઓલ્ડ સ્કૂલ પ્રિન્ટ ફૅશન-ઇન્ડસ્ટ્રીમાં ફરીથી લોકપ્રિયતા મેળવી રહી છે.

ઐતિહાસિક વારસો

મદ્રાસ ચેક્સનો ઇતિહાસ સદીઓ જૂનો છે. તામિલનાડુના ચેન્નઈ અને એની આસપાસના વણકરો દ્વારા કુદરતી રંગો અને સૂતરના ધાગા વડે આ ફૅબ્રિક વણવામાં આવતું હતું. સોળમી અને સત્તરમી સદીમાં ઈસ્ટ ઇન્ડિયા કંપની અને અન્ય વિદેશી વેપારીઓ આ રંગબેરંગી કાપડને બ્રિટન, આફ્રિકા અને અમેરિકા સુધી લઈ ગયા. વીસમી સદીના મધ્યભાગમાં અમેરિકાની પ્રખ્યાત આઇવી લીગ કૉલેજોના યુવાનોમાં મદ્રાસ ચેક્સનાં શર્ટ્‌સ ફૅશન-સ્ટેટમેન્ટ બની ગયાં. જોકે ભારતની અંદર એને લાંબા સમય સુધી કૅઝ્યુઅલ કે માસ લેવલનું વસ્ત્ર માનવામાં આવતું હતું.
સાધારણ પ્રિન્ટેડ ચેક્સ અને અસલી મદ્રાસ ચેક્સ વચ્ચે મોટો તફાવત છે. સામાન્ય ચેક્સ કાપડ પર પ્રિન્ટ કરવામાં આવે છે, જ્યારે મદ્રાસ ચેક્સ ધાગાને અલગ-અલગ રંગીને વણવામાં આવે છે. એના રંગો ધોયા પછી થોડા એકબીજામાં ભળતા હોવાથી દરેક કાપડને હસ્તકળાનો સ્પર્શ મળે છે.

નવી પેઢી કેમ ક્રેઝી છે?

નવી પેઢી માત્ર સુંદર દેખાતાં કપડાં નથી ખરીદતી, એ વસ્ત્ર પાછળની વાર્તા અને ઇતિહાસ પણ શોધે છે. મદ્રાસ ચેક્સ એક એવું ફૅબ્રિક છે જેમાં ભારતની સમૃદ્ધ વણાટપરંપરા છુપાયેલી છે. યુવાનો માટે આ પ્રિન્ટ માત્ર એક ફૅશન નથી પણ પોતાના રૂટ્સ સાથે જોડાવાનો એક રસ્તો છે.
ખાસ કરીને ચોમાસાના ભેજવાળા વાતાવરણમાં સિન્થેટિક કે પૉલિયેસ્ટર કાપડ ત્વચા માટે તકલીફદાયક બને છે. મદ્રાસ ચેક્સ ૧૦૦ ટકા શુદ્ધ અને હળવા સુતરાઉ કાપડમાંથી બને છે જે બ્રેધેબલ અને કમ્ફર્ટેબલ હોય છે.
વર્ષોથી ચાલતાં કંટાળાજનક પ્લેન અથવા ઑફ-વાઇટ કપડાંથી લોકો કંટાળ્યા છે. મદ્રાસ ચેક્સમાં લાલ, પીળો, વાદળી, લીલો જેવા વાઇબ્રન્ટ અને વૉર્મ કલર્સનું એવું મિક્સ્ચર હોય છે જે પહેરનારને વિઝ્યુઅલ અપીલ આપે છે. ઉપરાંત આ પ્રિન્ટમાં બાળપણ અને જૂના જમાનાની નૉસ્ટાજિયા ફિલિંગ છે.
સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ્સ પર મદ્રાસચેક્સની જિયોમેટ્રિક પૅટર્ન અને રંગો ફોટોગ્રાફ્સમાં ખૂબ જ સુંદર દેખાય છે. કોઈ ખાસ હેવી ઍક્સેસરીઝ વગર પણ આ પ્રિન્ટ આઉટફિટને આકર્ષક બનાવી દે છે.

ક્લાસિકથી કન્ટેમ્પરરી

જૂના જમાનામાં મદ્રાસ ચેક્સ માત્ર મેન્સ શર્ટ કે પરંપરાગત સાડી-લુંગી પૂરતા મર્યાદિત હતું. જોકે હવે આ ફૅબ્રિકમાંથી ઓવરસાઇઝ્ડ અને લૂઝ સિલુએટ્સનો વધુ ક્રેઝ છે. વાઇટ ઇનર ટૉપ અને ડેનિમ સાથે મદ્રાસ ચેક્સનું ઓપન અનબટન શર્ટ પહેરવું એ અત્યારનો સૌથી હૉટ ટ્રેન્ડ છે.
સેમ કલર અને પ્રિન્ટના મૅચિંગ ક્રૉપ ટૉપ અને વાઇડ-લેગ ટ્રાઉઝર અથવા શૉર્ટ્‌સ આ પ્રિન્ટમાં ખૂબ ફૅન્સી અને કૂલ લુક આપે છે. હવે તો એના કો-ઑર્ડ સેટ્સ પણ માર્કેટમાં આવવા લાગ્યા છે.
ફ્યુઝન ફૅશનમાં મદ્રાસ કૉટનના સ્ટ્રેટ-કટ કુરતી, શૉર્ટ કુરતી અને ટ્યુનિક્સ ઑફિસવેઅર અને કૅઝ્યુઅલ આઉટિંગ માટે ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે.
બોહો સ્ટાઇલમાં એ-લાઇન શર્ટ ડ્રેસ, ટિયર્ડ પ્લેટેડ સ્કર્ટ્‍સ અને બૉડી-હગિંગ મિડી ડ્રેસમાં આ ચેક્સ ખૂબ જ રૉકિંગ લાગે છે.
જો કોઈને આખાં કપડાં ચેક્સનાં ન પહેરવાં હોય તો તેઓ બૅગ્સ, બકેટ હૅટ્સ, સ્કાર્ફ અથવા પ્લૅટફૉર્મ ફુટવેઅરમાં આ પ્રિન્ટનો ઉપયોગ કરીને પોતાનો લુક કમ્પ્લીટ કરી રહ્યા છે.

સ્ટાઇલ કેવી રીતે કરશો?

મદ્રાસ ચેક્સ પોતે જ ખૂબ વિઝ્યુઅલ અને કલરફુલ પ્રિન્ટ હોવાથી એને સ્ટાઇલ કરતી વખતે સરળતા રાખવી જરૂરી છે:
મદ્રાસ ચેક્સના શર્ટ કે જૅકેટ સાથે હંમેશાં બેઝિક વાઇટ, ક્રીમ અથવા ડેનિમ જેવા ન્યુટ્રલ કલર્સ પસંદ કરવા જેથી પ્રિન્ટ હાઇલાઇટ થાય.
આ કાપડ સાથે ભારે કે પ્રિન્ટેડ જ્વેલરી અવૉઇડ કરવી. સિમ્પલ ગોલ્ડ ચેઇન, નાનાં ઇઅર-રિંગ્સ અથવા લેધર બેલ્ટ જ પૂરતાં છે.
જો જૅકેટ કે દુપટ્ટો સાથે લેયર કરવો હોય તો ચેક્સની અંદર રહેલા કોઈ પણ એક સૉલિડ કલરને પકડવો. એના પર બીજી કોઈ પ્રિન્ટ મિક્સ કરવી નહીં.
ફુટવેઅરમાં કોલ્હાપુરી ચંપલ, ફ્લૅટ જૂતી અથવા પ્લેન સ્નીકર્સ આ લુક સાથે એકદમ નૅચરલ અને એફર્ટલેસ સેટ થાય છે.

lifestyle news life and style fashion news fashion gujarati mid day