ક્રિતી અને અનન્યા પાસેથી શીખો બનારસી સાડીને કન્ટેમ્પરરી સ્ટાઇલમાં કેવી રીતે પહેરવી

11 December, 2025 02:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અત્યારે બનારસી સાડીને યુનિક રીતે સ્ટાઇલ કરવાનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે

બનારસી સાડી કન્ટેમ્પરરી સ્ટાઇલમાં

ફ્યુઝન ફૅશનનો જમાનો હોવાથી બૉલીવુડ સ્ટાર્સ પણ એવી ફૅશન અપનાવી રહ્યા છે જે અપનાવવામાં સરળ હોય, સ્ટાઇલ કરવામાં ઈઝી અને દેખાવમાં યુનિક. અત્યારે બનારસી સાડીને યુનિક રીતે સ્ટાઇલ કરવાનો ટ્રેન્ડ જોર પકડી રહ્યો છે. અભિનેત્રી ક્રિતી સૅનને બ્લૅક મેટાલિક જરીવર્કવાળી બનારસી સાડીમાંથી બનાવેલો કો-ઑર્ડ સેટ પહેર્યો હતો. આ ઉપરાંત છાશવારે કન્ટેમ્પરરી ફૅશનમાં નવા ગોલ્સ આપતી અનન્યા પાંડેએ પણ મૉડર્ન ટ્‍વિસ્ટ આપીને સાડીને સ્ટાઇલ કરી હતી જે ટિપિકલ ટ્રેડિશનલ નહીં પણ યુથફુલ અને એક્સપરિમેન્ટલ લાગી રહી હતી. જો તમને પણ બનારસી ફૅબ્રિકને કન્ટેમ્પરરી ફૅશનમાં અપનાવવું હોય તો કેટલીક બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે.

બનારસી એક, સ્ટાઇલ અનેક

જો તમારી પાસે હેવી વર્કવાળી બનારસી સાડી હોય તો એને અન્ય આઉટફિટમાં કન્વર્ટ કરીને કમ્ફર્ટેબલ અને ફ્યુઝન ફૅશન અપનાવી શકો છો. સાડીના હેવી પલ્લુના ભાગમાંથી લાંબી સ્ટ્રેટ-કટ કુરતી બનાવી શકાય અને બાકીના ફૅબ્રિકમાંથી વાઇડ-લેગ અથવા સિગારેટ ટ્રાઉઝર બનાવી શકાય જે પહેરવામાં તો સુપર કમ્ફર્ટેબલ લાગશે જ સાથે તમારી સ્ટાઇલને ફૅશન ફૉર્વર્ડ ફીલ કરાવશે. આ આઉટફિટને ડાર્ક કલરના પ્લેન સિલ્ક ફૅબ્રિકના સ્કાર્ફ સાથે પેર કરો. ઍક્સેસરીમાં આની સાથે ગોલ્ડન હૂપ્સ સાથે પેર કરશો તો એ સિમ્પલ અને એલિગન્ટ લુક આપશે.

બનારસી ફૅબ્રિકમાંથી પેપ્લમ સ્ટાઇલનું ક્રૉપ ટૉપ અથવા શૉર્ટ A-લાઇન કુરતી બનાવડાવી શકાય. બાકી બચેલા ફૅબ્રિકમાંથી ફ્લોર લેન્ગ્થ સ્કર્ટ બનાવીને પેર કરશો તો તમે એને નાના-મોટા વેડિંગ ફંક્શન્સમાં પહેરી શકો. આ આઉટફિટ પર ડિઝાઇન અને કલર સાથે મેળ ખાતા કૉન્ટ્રાસ્ટ કલરના બેલ્ટને પહેરીને કમરને હાઇલાઇટ કરો.

બનારસી સાડીના પાલવના ભાગમાંથી ઍન્કલ લેન્ગ્થનું લાંબું ઓપન જૅકેટ બનાવી શકાય. એને પ્લેન બ્લૅક અથવા વાઇટ જીન્સ અને ટી-શર્ટ સાથે પેર કરીને ફ્યુઝન લુક ક્રીએટ કરી શકાય છે. બનારસી જૅકેટને લીધે તમારા આઉટફિટમાં ટ્રેડિશનલ ટ્‍વિસ્ટ ઉમેરાશે.

ઘણા લોકો બનારસી સાડીમાંથી શૉર્ટ અનારકલી અથવા ઓવરસાઇઝ્ડ કફ્તાન બનાવે છે. એને લેગિંગ્સ કે ચૂડીદાર વિના પહેરી શકાય. જ્વેલરીમાં પણ સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ પૂરતાં છે. બહુ જ મિનિમલ પણ અસરકારક ફૅશન અપનાવવી હોય તો આ સ્ટાઇલિંગ ટિપ્સ કામની છે.

જો બનારસી સાડીને કાપવાની ઇચ્છા ન હોય તો પાલવની કિનારીના ભાગમાંથી કે સાડીના બાકીના ફૅબ્રિકમાંથી હાઈ નેક કે બલૂન સ્લીવ્સવાળું બ્લાઉઝ સિવડાવી નાખો. આ બ્લાઉઝને પ્લેન કૉટન કે શિફોન સાડી સાથે પેર કરી શકાય. એને જીન્સ કે સિલ્કના પૅન્ટ પર ક્રૉપ ટૉપની જેમ પણ પહેરી શકાય.

ડ્રેપિંગ સ્ટાઇલથી આપો કન્ટેમ્પરરી ટ્‍વિસ્ટ

બનારસી સાડીને લેગિંગ્સ અથવા સિગારેટ પૅન્ટની ઉપર ડ્રેપ કરો. પ્લીટ્સ બહુ ઓછી રાખીને પલ્લુને આગળની તરફ પિનઅપ કરીને લૂઝ રાખો જેથી લુક વધારે ફ્લોઈ અને કમ્ફર્ટેબલ લાગે.

જી થોડો યુનિક પણ હેવી લુક જોઈતો હોય તો સાડીના પાલવને ગુજરાતી સ્ટાઇલમાં આગળની તરફ લાવો અને બીજો છેડો કમરના ભાગથી લઈને સ્કાર્ફની જેમ ગળા પર લપેટી લો. આ લુકને બેલાસ્ટ પફ સ્લીવ્સ બ્લાઉઝ સાથે પેર કરો.

સાડીને બ્લાઉઝને બદલે ફુલ સ્લીવ્સવાળા ટર્ટલ નેક ટી-શર્ટ અથવા ક્રૂ-નેક સ્વેટર સાથે પેર કરો. સાડીનું ડ્રેપિંગ નૉર્મલ જ રાખશો તો પણ એ વિન્ટર ફ્રેન્ડ્લી લુક આપશે. શિયાળાના કોઈ પણ પ્રસંગ માટે આ લુક પર્ફેક્ટ લાગશે.

આટલું ધ્યાનમાં રાખજો

બનારસી ફૅબ્રિકની ચમક વધારે હોય છે તેથી હેવી નેકલેસ કે ઍક્સેસરીઝ ટાળો. એને બદલે ઑક્સિડાઇઝ્ડ મોટી રિંગ્સ, ચંકી બ્રેસલેટ અથવા લાંબાં સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ પર ફોકસ કરો. જો સાડીનું જરીવર્ક સિલ્વર હોય તો જ ઑક્સિડાઇઝ્ડ જ્વેલરી પહેરવી, નહીં તો ગોલ્ડન કલરની જ્વેલરી અપનાવવી.

ફુટવેઅરની વાત કરીએ તો લુકને મૉડર્ન રાખવા ફ્લૅટફૉર્મ્સ કે પછી ઍન્કલ લેન્ગ્થ બૂટ મસ્ત લાગશે. હાઇટ ઓછી હોય તો ગોલ્ડન સ્ટિલેટોઝ નવો ચાર્મ ઍડ કરશે.

મેકઅપ અને હેરસ્ટાઇલની વાત કરીએ તો મેકઅપ ગ્લૉસી રાખવાને બદલે સૉફ્ટ અને મૅટ ફિનિશવાળો રાખવો. જો તમે દિવસના ફંક્શન માટે બનારસી ફૅશન અપનાવી રહ્યા હો તો ગુલાબી કે પીચ શેડની લિપસ્ટિક સાથે સૉફ્ટ સ્મોકી આઇઝનું કૉમ્બિનેશન સ્ટાઇલિશ લાગશે.

ટ્રેડિશનલ પોટલી બૅગને બદલે બનારસીના રંગ સાથે મૅચ થતું સાદું લેધર ક્લચ, મેટાલિક પર્સ કે મિનિમલ ક્રૉસ બૉડી બૅગને કૅરી કરો.

સાડી, લૉન્ગ કુરતી કે ડ્રેસ હોય તો કમર પર પાતળો મેટાલિક ચેઇન બેલ્ટ પહેરવાથી ટ્રેડિશનલ લુકને ઇન્ડો-વેસ્ટર્ન વાઇબ મળશે અને ફિગર હાઇલાઇટ થશે.

બનારસી ફૅબ્રિકને બૅલૅન્સ કરવા માટે આઉટફિટમાં પ્યૉર કૉટન, ખાદી કે રૉ-સિલ્ક જેવા મૅટ પ્લેન ટેક્સ્ચરના ફૅબ્રિકનો ઉપયોગ કરવો. જો સાડીમાં માત્ર બૉર્ડર કે પાલવ પર જ બનારસી વર્ક હોય તો આ ભાગનો ઉપયોગ લાંબાં જૅકેટ્સના કફ્સ કે કૉલર બનાવવામાં કરો જેનાથી ઓછા ખર્ચે આખો આઉટફિટ મૉડર્ન બની જશે.

fashion fashion news life and style lifestyle news columnists