પુરુષોના વૉર્ડરોબનું પણ મેકઓવર થઈ રહ્યું છે

01 September, 2026 02:31 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પુરુષો હવે તહેવારો કે લગ્નપ્રસંગો પૂરતા જ ટ્રેડિશનલવેઅર સીમિત નથી રાખતા; નાના-મોટા કાર્યક્રમોમાં નેહરુ જૅકેટ, શૉર્ટ કુરતા અને ફ્યુઝન સેટ્સનો ખૂબ જ સહજતાથી ઉપયોગ કરી રહ્યા છે

પુરુષોના વૉર્ડરોબનું પણ મેકઓવર થઈ રહ્યું છે

હવે પુરુષો માટે ફૅશન એટલે માત્ર દેખાવ નહીં, કમ્ફર્ટ અને વર્સેટિલિટીનું સારું મિક્સ્ચર છે જે તેમને પરંપરા સાથે આધુનિકતાનો સ્પર્શ આપે છે. સ્માર્ટ કૅઝ્યુઅલ અને ઇન્ડો-વેસ્ટર્ન લુકના વધતા ક્રેઝને કારણે પુરુષોના વૉર્ડરોબમાં મોટો બદલાવ આવ્યો છે. ભારે વર્કવાળાં અને ચમકદાર કપડાંના સ્થાને હવે લાઇટવેઇટ ફૅબ્રિક્સ, ન્યુટ્રલ શેડ્સ અને મિનિમલ ડિઝાઇનવાળાં આઉટફિટ્સ પસંદ કરવામાં આવી રહ્યા છે. આ પરિવર્તન માત્ર ફૅશન પૂરતું સીમિત નથી, એ લાઇફસ્ટાઇલ પ્રત્યેના અભિગમને પણ દર્શાવે છે.

શૉર્ટ કુરતા

શૉર્ટ કુરતા પરંપરાગત લાંબા કુરતાનું એક મૉડર્ન અને વ્યવહારુ સ્વરૂપ છે. કૅઝ્યુઅલ આઉટિંગ્સ માટે શૉર્ટ કુરતા પુરુષો માટે પ્રથમ પસંદગી બની રહ્યા છે. કૉટન, લિનન અને ખાદી જેવાં શ્વાસ લઈ શકે એવાં ફૅબ્રિક્સ ડેઇલી વપરાશ માટે શ્રેષ્ઠ માનવામાં આવે છે. શૉર્ટ કુરતાને ડેનિમ જીન્સ, સ્લિમ-ફિટ ચિનોઝ કે કૉટન ટ્રાઉઝર સાથે પહેરવાથી પર્ફેક્ટ સ્માર્ટ કૅઝ્યુઅલ લુક મળે છે. તમે સફેદ, બેજ, ઑલિવ ગ્રીન, નેવી બ્લુ અને પેસ્ટલ શેડ્સ કૅઝ્યુઅલ લુકમાં વધુ સોબર લાગો છે.

નેહરુ જૅકેટ

નેહરુ જૅકેટ હવે માત્ર ફૉર્મલ કુરતા-પાયજામા પૂરતું સીમિત નથી રહ્યું. એને કૅઝ્યુઅલવેઅર સાથે લેયરિંગ કરીને એક નવો આયામ આપવામાં આવ્યો છે. પ્લેન ફૉર્મલ કે કૅઝ્યુઅલ શર્ટ પર અન-બટન્ડ અથવા બટન્ડ નેહરુ જૅકેટ પહેરવાથી એક રૉયલ અને નીટ લુક મળે છે. પ્લેન રાઉન્ડ નેક કે પોલો ટી-શર્ટ પર કૉટન અથવા પ્રિન્ટેડ નેહરુ જૅકેટ પહેરીને એક નવું ફ્યુઝન આઉટફિટ તૈયાર કરી શકાય છે. ડેઇલીવેઅર માટે લિનન, કૉટન અને જૂટ બ્લેન્ડ ફૅબ્રિકના નેહરુ જૅકેટ વધુ અનુકૂળ રહે છે, જે આખો દિવસ પહેરવામાં આરામદાયક રહે છે.

ફ્યુઝન સેટ્સ

સમાન પ્રિન્ટ કે કલરના શૉર્ટ કુરતા અને ટ્રાઉઝર સેટ એટલે કે કો-ઑર્ડ સેટ્સ આજના યુવાનોમાં લોકપ્રિય છે. સાઇડ કટ, ઍન્ગલ હેમલાઇન અને ઝિપર ડીટેલિંગ ધરાવતાં કુરતા ફ્યુઝનવેઅરને આધુનિકતા આપે છે. પરંપરાગત ચૂડીદારના સ્થાને હવે સ્ટ્રેટ-ફિટ ટ્રાઉઝર, ક્રૉપ્ડ પાયજામા કે જૉગર્સનો ઉપયોગ કરવામાં આવે છે.

ઍક્સેસરીઝ અને ફુટવેઅરની પસંદગી

કોઈ પણ લુકને પૂરો કરવામાં ફુટવેઅર અને ઍક્સેસરીઝ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. કૅઝ્યુઅલ ફ્યુઝન લુક સાથે લોફર્સ, સ્નીકર્સ અથવા તો કલાત્મક કોલ્હાપુરી ચંપલ ખૂબ જ સારાં લાગે છે. કૅઝ્યુઅલવેઅર સાથે સ્નીકર્સનો ઉપયોગ ટ્રેન્ડી અને કમ્ફર્ટેબલ બન્ને લુક આપે છે. ઍક્સેસરીઝની વાત કરીએ તો લેધર સ્ટ્રેપવાળી ઘડિયાળ, મિનિમલ મેટલ બ્રેસલેટ અથવા સનગ્લાસિસ આ કૅઝ્યુઅલ આઉટફિટિંગને વધુ આકર્ષક બનાવે છે.

lifestyle news life and style fashion news fashion gujarati mid day