✕

આ દિવાળીમાં ઇન છે મિનિમલિસ્ટિક ફૅશન

02 November, 2026 05:23 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દર વર્ષે દિવાળીમાં શું પહેરવું એની મૂંઝવણ રહેતી હોય છે ત્યારે આ વર્ષે હળવી અને ટ્રેન્ડી ફૅશન કેવી રીતે કરવી એની સ્ટાઇલ ગાઇડ જાણી લો

શરારા સેટ, કૅપ સૂટ્સ, કૉર્સેટ બ્લાઉઝ અને મેટાલિક કો-ઑર્ડ સેટ

તહેવારોની ઉજવણીમાં ફૅશનેબલ આઉટફિટ્સનું આગવું મહત્ત્વ છે, પણ બદલાતા ફૅશન-ટ્રેન્ડ્સ સાથે હવે યુવતીઓ ટ્રેડિશનલ અને મૉડર્ન સ્ટાઇલનું અનોખું કૉમ્બિનેશન પસંદ કરી રહી છે. આ વખતે દિવાળીમાં પણ એલિગન્ટ, ગ્લૅમરસ અને કમ્ફર્ટેબલ ફેસ્ટિવ આઉટફિટ્સનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. પ્રી-ડ્રેપ્ડ સાડીથી લઈને મેટાલિક કો-ઑર્ડ સેટ્સ સુધીનાં આ આઉટફિટ્સ તહેવારના લુકને ખાસ બનાવી શકે છે.

પ્રી-ડ્રેપ્ડ સાડી સાથે કૉર્સેટ બ્લાઉઝ

સાડીમાં પરંપરાગત સુંદરતા જાળવી રાખવાની સાથે મૉડર્ન લુક મેળવવા માગતી યુવતીઓ માટે પ્રી-ડ્રેપ્ડ સાડી એક સારો વિકલ્પ છે. એની સાથે કૉર્સેટ બ્લાઉઝનું કૉમ્બિનેશન લુકને વધુ સ્ટ્રક્ચર્ડ અને સ્ટાઇલિશ બનાવે છે. સિલ્ક, સૅટિન કે શિમર ફૅબ્રિકની પ્રી-ડ્રેપ્ડ સાડી સાથે કૉન્ટ્રાસ્ટ કૉર્સેટ બ્લાઉઝ પસંદ કરી શકાય. આ લુકને વધુ આકર્ષક બનાવવા માટે હેવી નેકલેસને બદલે સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ અને સુંદર બ્રેસલેટ પસંદ કરવાં જોઈએ.

ઑર્ગન્ઝા શરારા સેટ

દિવાળીના દિવસોમાં હળવા છતાં આકર્ષક દેખાવા માગતી યુવતીઓ માટે ઑર્ગન્ઝા શરારા સેટ્સ બેસ્ટ ચૉઇસ બની શકે છે. ઑર્ગન્ઝા ફૅબ્રિકની ખાસિયત એનું ફ્લોઈ ટેક્સ્ચર છે, જે આઉટફિટને ગ્રેસફુલ લુક આપે છે. એમ્બ્રૉઇડરી, મિરરવર્ક કે હળવી સીક્વન્સ ડીટેલિંગ ધરાવતા શરારા સેટ્સ તહેવારના પ્રસંગ માટે યોગ્ય છે. એની સાથે મિનિમલ જ્વેલરી, સૉફ્ટ મેકઅપ અને ફ્લોરલ હેર ઍક્સેસરીઝનો ઉપયોગ કરીને સૉફિસ્ટિકેટેડ લુક મેળવી શકાય છે.

મેટાલિક શિમર કો-ઑર્ડ સેટ્સ

દિવાળીની પાર્ટી કે ગેટ-ટુગેધર માટે કંઈક અલગ પહેરવાની ઇચ્છા હોય તો મેટાલિક શિમર કો-ઑર્ડ સેટ્સ પસંદ કરી શકાય. સિલ્વર, ગોલ્ડ, બ્રૉન્ઝ અને રોઝ ગોલ્ડ જેવા શેડ્સ આ પ્રકારનાં આઉટફિટ્સમાં ખાસ આકર્ષણ ઉમેરે છે. મૅચિંગ ટૉપ અને ટ્રાઉઝર અથવા સ્કર્ટના કૉમ્બિનેશનથી તૈયાર થતો આ લુક મૉડર્ન અને ફૅશન-ફૉર્વર્ડ લાગે છે. જોકે આઉટફિટમાં પહેલેથી જ શિમર હોવાથી જ્વેલરી મિનિમલ રાખવી વધુ યોગ્ય છે. ન્યુડ મેકઅપ અને સ્લિક હેરસ્ટાઇલ સાથે આ લુકને વધુ નિખારી શકાય છે.

કૅપ સૂટ્સ

ટિપિકલ સલવાર-કમીઝ કે અનારકલીથી કંઈક અલગ પહેરવા માગતી મહિલાઓ માટે કૅપ સ્ટાઇલ સૂટ્સ એક આકર્ષક વિકલ્પ બની શકે છે. સૂટ સાથે જોડાયેલી ફ્લોઇંગ કૅપ આઉટફિટને રૉયલ અને એલિગન્ટ દેખાવ આપે છે. એમ્બ્રૉઇડરીવાળા કૅપ સૂટ્સથી લઈને મિનિમલ ડિઝાઇન સુધી અનેક વિકલ્પો ઉપલબ્ધ છે. દિવાળીની પૂજા, પરિવાર સાથેની ઉજવણી કે સાંજના મેળાવડા માટે આ પ્રકારનો પહેરવેશ પસંદ કરી શકાય. એની સાથે હાઈ હીલ્સ, સ્ટેટમેન્ટ ઇઅર-રિંગ્સ અને સ્લિક બન હેરસ્ટાઇલ લુકને વધુ આકર્ષક બનાવશે.

આઉટફિટની સાથે સ્ટાઇલિંગનું પણ રાખો ધ્યાન

ફેસ્ટિવ લુક માત્ર સુંદર કપડાં પસંદ કરવાથી પૂરો થતો નથી. યોગ્ય જ્વેલરી, મેકઅપ, ફુટવેઅર અને હેરસ્ટાઇલ પણ એટલાં જ મહત્ત્વનાં છે. આઉટફિટ હેવી હોય તો ઍક્સેસરીઝ મિનિમલ રાખવી અને સાદા આઉટફિટ સાથે સ્ટેટમેન્ટ જ્વેલરી પસંદ કરવી. રંગોની પસંદગી કરતી વખતે પોતાના સ્કિન ટોન અને પ્રસંગને ધ્યાનમાં રાખવો. એની સાથે જ લાંબા સમય સુધી તહેવારની ઉજવણી કરવાની હોય ત્યારે કમ્ફર્ટને પણ પ્રાથમિકતા આપવી જોઈએ.

diwali fashion fashion news columnists lifestyle news life and style