હવે ફૅશનમાં ચાલ્યો કૉક્રૉચનો ટ્રેન્ડ

27 May, 2026 02:10 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કૉક્રૉચ જનતા પાર્ટી વાઇરલ થતાં ક્લોધિંગ અને જ્વેલરી માર્કેટમાં આ અતરંગી પ્રિન્ટની એન્ટ્રી

ક્લોધિંગ અને જ્વેલરી માર્કેટમાં આ અતરંગી પ્રિન્ટની એન્ટ્રી

ફૅશનવર્લ્ડ હંમેશાં કંઈક નવું અને આઉટ ઑફ ધ બૉક્સ શોધતું હોય છે. ક્યારેક આપણને જે ચીજ અજીબ લાગે એ અચાનક સ્ટાઇલ-સ્ટેટમેન્ટ બની જાય છે. હાલમાં સોશ્યલ મીડિયા પર કૉક્રૉચ જનતા પાર્ટી બહુ ટ્રેન્ડમાં છે. આ ટ્રેન્ડ હવે મીમ્સ પૂરતો મર્યાદિત નથી રહ્યો. એણે જ્વેલરી અને ક્લોધિંગ માર્કેટમાં પણ પોતાની જગ્યા બનાવી લીધી છે. હવે લોકો કૉક્રૉચ પ્રિન્ટનાં આઉટફિટ્સ અને ઍક્સેસરીઝ ક્રેઝી થઈને અપનાવી રહ્યા છે. સામાન્ય રીતે કૉક્રૉચ એવો જીવ છે જેનાથી મોટા ભાગની યુવતીઓ દૂર ભાગતી હોય છે. ઘરમાં એક નાનકડો કૉક્રૉચ દેખાય તો ચીસો નીકળી જાય અને એક અજીબ ચીતરી ચડે. જે જીવને જોઈને ક્યારેક યુવતીઓ ચિડાતી, આજે એ જ કૉક્રૉચને પોતાની હેરક્લિપ કે સાડી પર ફ્લૉન્ટ કરતી જોવા મળી રહી છે. ડર અને નફરતનો આ કન્સેપ્ટ હવે ગ્લૅમરસ બનીને માર્કેટમાં સુપરહિટ થઈ રહ્યો છે.

ફ્યુઝન લુક

વેસ્ટર્ન ફૅશનની સાથે-સાથે હવે ભારતીય ટ્રેડિશનલવેઅર સાથે પણ આ અજીબ કન્સેપ્ટને ફ્યુઝન લુક આપીને ટ્રાય કરવામાં આવી રહ્યો છે. કૉક્રૉચ પ્રિન્ટનાં જૅકેટ, કુરતા અથવા સાડીઓ મૉડર્ન અને કન્ટેમ્પરરી ટચ આપે છે, જે આજના ફૅશન-ફૉર્વર્ડ યુવાનોને ખૂબ જ આકર્ષિત કરી રહ્યો છે.

શ્રગ્સ અને શર્ટ્‍સ

લાઇટવેઇટ સમર શ્રગ્સ પર નાની કૉક્રૉચ પૅટર્નની પ્રિન્ટ્સ જોવા મળી રહી છે. મોનોક્રોમથી લઈને કલરફુલ નિયોન શેડ્સમાં પણ આ પ્રિન્ટ્સ અવેલેબલ છે, જે કૅઝ્યુઅલ આઉટિંગ માટે પર્ફેક્ટ ગણાય છે.

ટી-શર્ટ્સ અને હૂડીઝ

આજનું યંગ ક્રાઉડ કમ્ફર્ટ અને સ્ટાઇલ બન્ને સાથે ઇચ્છે છે. પ્લેન બ્લૅક, વાઇટ કે ગ્રે કલરનાં ઓવરસાઇઝ્ડ ટી-શર્ટ્‍સ પર ફ્રન્ટ અથવા બૅક સાઇડમાં મોટી ડિજિટલ કૉક્રૉચ પ્રિન્ટ્સ અને એની સાથે CJP એટલે કે કૉક્રૉચ જનતા પાર્ટીનાં ફની સ્લોગન્સ પ્રિન્ટ થયેલાં જોવા મળે છે. 

સ્કાર્ફ અને દુપટ્ટા

જો કોઈને આખા કપડામાં આ પ્રિન્ટ ન પહેરવી હોય તો તેઓ માત્ર સ્કાર્ફ કે સ્ટોલ દ્વારા પોતાના લુકમાં આ ટ્રેન્ડને સામેલ કરી રહ્યા છે. સિલ્ક કે કૉટનના પ્લેન આઉટફિટ સાથે કૉક્રૉચ મોટિફવાળો સ્કાર્ફ ગળામાં ટ‍્વિસ્ટ કરવાથી લુક એકદમ અલગ અને આધુનિક લાગે છે.

કેવી ઍક્સેસરીઝનો ટ્રેન્ડ?

કૉક્રૉચ મોટિફની ફૅશન અત્યારે ઍક્સેસરીઝ માર્કેટમાં દેખાય છે ત્યારે યંગસ્ટર્સ કૂલ અને યુનિક લુક મેળવવા અતરંગી ઍક્સેસરીઝ પસંદ કરી રહ્યા છે.

ઇઅર-રિંગ્સ

નાનાં મેટાલિક કૉક્રૉચ ઇઅર-રિંગ્સ કૉલેજ-ગર્લ્સ અને ટીનેજર્સમાં ભારે આકર્ષણ જમાવી રહી છે. આમાં ગોલ્ડન, સિલ્વર અને ગનમેટલ ફિનિશિંગ ધરાવતાં હૂપ્સ અને ડ્રોપ ઇઅર-રિંગ્સ જોવા મળે છે. જે યુવતીઓ નિયમિત અને બોરિંગ જ્વેલરીથી કંટાળી ગઈ છે તેઓ પોતાના આઉટફિટને એક બોલ્ડ અને ડેરિંગ વાઇબ આપવા માટે આ અતરંગી ઇઅર-રિંગ્સ ટ્રાય કરી રહી છે.

સ્ટેટમેન્ટ રિંગ

આંગળીઓમાં મોટી, આકર્ષક અને બોલ્ડ દેખાતી કૉક્રૉચ શેપની રિંગ્સ ટ્રેન્ડસેટર્સની પહેલી પસંદ બની છે. ગૉથિક અને જન્કી જ્વેલરીના શોખીનો આ પ્રકારની સિંગલ સ્ટેટમેન્ટ રિંગ પહેરવાનું પસંદ કરે છે. આખી આંગળીને કવર કરતી હોય એવી ઍડ્જસ્ટેબલ મેટલ કૉક્રૉચ રિંગ્સ અત્યારે ફૅશન માર્કેટમાં ઇન્ડિવિઝ્યુઅલ સ્ટાઇલ-સ્ટેટમેન્ટ તરીકે ઊભરી આવી છે.

હેરક્લિપ

વેસ્ટર્ન આઉટફિટ્સ, કૅઝ્યુઅલ ડેનિમ કે ખુલ્લા વાળની હેરસ્ટાઇલ સાથે સોશ્યલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ કૉક્રૉચ આકારની 3D હેરક્લિપ્સ અને બાર્બેટ્સનો ઉપયોગ કરી રહ્યા છે. આ ક્લિપ્સ એટલી રિયલિસ્ટિક લાગે છે કે વ્યક્તિ પણ દંગ રહી જાય. ઇન્સ્ટાગ્રામ રીલ્સ અને શૉર્ટ્સમાં યુનિક દેખાવા માટે ગર્લ્સ આ ક્રેઝી હેરક્લિપ્સ લગાવીને કન્ટેન્ટ ક્રીએટ કરી રહી છે, જે વિડિયોને ઇન્સ્ટન્ટ અટેન્શન અપાવે છે.

બ્રોચ

બ્લેઝર, વેસ્ટર્ન કોટ, જૅકેટ કે પછી સાડીના પલ્લુ પર ફિક્સ કરવા માટે આ કૉક્રૉચ બ્રોચ આર્ટિસ્ટિક લુક આપી રહ્યાં છે. આ બ્રોચ માત્ર સાદા પ્લેન મેટલનાં નથી હોતાં. એમાં નાના કલરફુલ ક્રિસ્ટલ સ્ટોન્સના ડીટેલિંગ અથવા ઍન્ટિક ઑક્સિડાઇઝ્ડ મટીરિયલનો ઉપયોગ કરવામાં આવે છે. ફૉર્મલ અને સેમી-ફૉર્મલ લુકમાં થોડો ફન્કી ટ‍્વિસ્ટ ઉમેરવા માટે આ બ્રોચ અત્યારે બેસ્ટ ઑપ્શન બન્યાં છે.

fashion fashion news life and style lifestyle news columnists