પદ્મશ્રી ડૉ. મુકેશ બત્રાનાં 58માં ફોટોગ્રાફી પ્રદર્શનનો પ્રારંભ, ઝાયેદ ખાન અને મંદિરા બેદી રહ્યા હાજર

08 September, 2026 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

મેજિક મોમેન્ટ્સ: થ્રૂ ધ કીવી લેન્સ’માં જોવા મળશે ન્યૂઝીલેન્ડનું કુદરતી સૌંદર્ય; પ્રદર્શનની આવક દૃષ્ટિહીન બાળકો માટે વપરાશે. ડૉ. બત્રાએ ન્યૂઝીલેન્ડના હિમાચ્છાદિત શિખરોનું પ્રતિબિંબ ઝીલતાં સરોવરો, સમુદ્રકિનારા, ગાઢ જંગલો અને શહેરો કૅમેરામાં કેદ કર્યાં.

ઝાયેદ ખાન અને મંદિરા બેદીએ ડૉ. મુકેશ બત્રાની કામગીરી બદલ તેમને બિરદાવી તેઓ પ્રેરણાદાયી છે તેમ કહ્યું હતું.

નરીમાન પૉઇન્ટ સ્થિત કમલનયન બજાજ આર્ટ ગૅલેરીમાં પદ્મશ્રી ડૉ. મુકેશ બત્રાના 58મા ફોટોગ્રાફી પ્રદર્શન ‘મેજિક મોમેન્ટ્સ: થ્રૂ ધ કીવી લેન્સ’નો પ્રારંભ થયો છે. ન્યૂઝીલેન્ડના કુદરતી સૌંદર્યને રજૂ કરતા આ પ્રદર્શનના ઉદ્ઘાટન પ્રસંગે બૉલીવુડ કલાકારો ઝાયેદ ખાન અને મંદિરા બેદી ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં. આ પ્રસંગે લેફ્ટનન્ટ જનરલ કુલદીપ સિંહ બ્રાર, ન્યૂઝીલેન્ડના કૉન્સ્યુલ જનરલ અને ટ્રેડ કમિશનર ગ્રેહામ રિઉસ, આર્જેન્ટિનાના કૉન્સ્યુલ જનરલ ડેનિયલ ક્વેર કૉન્ફાલોનેરી, હંગેરીના કૉન્સ્યુલેટ જનરલના ટ્રેડ અટૅચી ટિબોર કોવાક્સ, એનજીએમએ (NGMA)નાં ડિરેક્ટર નિધિ ચૌધરી, માલતી અને મુદિત જૈન, કમલનયન બજાજ આર્ટ ગૅલેરીનાં ડિરેક્ટર પૂજા બજાજ, વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડનાં માનદ સેક્રેટરી અને ટ્રસ્ટી માલા ગોયન્કા તથા વંદના સેઠી સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યાં હતાં.

ન્યૂઝીલેન્ડના કુદરતી નજારા કૅમેરામાં કેદ

આ પ્રદર્શનના કેન્દ્રમાં એક સંવેદનશીલ વિચાર છે, શું એક તસવીર ગૅલેરીની દીવાલોની બહાર જઈને કોઈના જીવનમાં પરિવર્તન લાવી શકે? ડૉ. બત્રાએ આ વખતે ન્યૂઝીલેન્ડના હિમાચ્છાદિત શિખરોનું પ્રતિબિંબ ઝીલતાં સરોવરો, પવન અને દરિયાએ ઘડેલા સમુદ્રકિનારા, ગાઢ જંગલો તથા વિશાળ આકાશ નીચે ઝળહળતાં શહેરોને પોતાના કૅમેરામાં કેદ કર્યાં છે. તેમની તસવીરો માત્ર સુંદર દૃશ્યો રજૂ કરતી નથી, પરંતુ કુદરતની ક્ષણભંગુર પળોને સાચવી રાખવાનો પ્રયાસ પણ કરે છે.

પ્રદર્શનની આવક દૃષ્ટિહીન બાળકો માટે વપરાશે

આ પ્રદર્શન 12 સપ્ટેમ્બર સુધી ચાલશે અને તેમાંથી મળનારી સમગ્ર આવક ‘વિક્ટોરિયા મેમોરિયલ સ્કૂલ ફોર ધ બ્લાઇન્ડ’ના લાભાર્થે વાપરવામાં આવશે. પ્રકાશ અને રંગોથી સર્જાયેલી તસવીરો દ્વારા દુનિયાને જોઈ ન શકતા લોકોના જીવનમાં સહાય પહોંચાડવાનો આ વિચાર પ્રદર્શનને વિશેષ અર્થ આપે છે. પદ્મશ્રી ડૉ. મુકેશ બત્રાએ જણાવ્યું હતું કે, “ફોટોગ્રાફીએ મને એવી બાબતો જોવાનું શીખવ્યું છે, જેને આપણે રોજિંદી દોડધામમાં અવગણી દઈએ છીએ, બદલાતું આકાશ, પાણીમાં પડતું પ્રતિબિંબ કે શાંતિની એક ક્ષણ. મારા મતે આ તસવીરોનું સાચું મૂલ્ય ત્યારે જ સાકાર થાય, જ્યારે તેનું સૌંદર્ય કોઈ મોટા ઉદ્દેશ માટે ઉપયોગી બને. મારા લેન્સ દ્વારા જોયેલું દૃશ્ય જો દૃષ્ટિહીન લોકોના જીવનમાં થોડો પણ સહારો બની શકે, તો આ તસવીરો ગૅલેરીની દીવાલ પર સજાવેલી છબીઓ કરતાં અનેક ગણી અર્થપૂર્ણ બની જાય છે.”

કલાને સમાજસેવા સાથે જોડવાનો પ્રયાસ

હોમિયોપથીના ક્ષેત્રમાં આગવું નામ ધરાવતા ડૉ. મુકેશ બત્રાની ઓળખ માત્ર તબીબ કે ઉદ્યોગસાહસિક પૂરતી મર્યાદિત નથી. ફોટોગ્રાફી ઉપરાંત તેમને સંગીત અને લેખનનો પણ શોખ છે અને પોતાની આ સર્જનાત્મક પ્રવૃત્તિઓને તેઓ સતત સમાજસેવા સાથે જોડતા આવ્યા છે. તેઓ યોજતા સંગીત કાર્યક્રમોમાંથી મળતી રકમ વડીલોની સહાય અને તેમના કલ્યાણ માટે વપરાય છે, જ્યારે તેમણે લખેલાં પુસ્તકોના વેચાણમાંથી થતી આવક પશુકલ્યાણ માટે આપવામાં આવે છે. તેમનું આ ફોટોગ્રાફી પ્રદર્શન પણ એ જ વિચારને આગળ ધપાવે છે. આ વખતે પ્રદર્શનમાંથી મળનારી આવકનો ઉપયોગ દૃષ્ટિહીન બાળકોના શિક્ષણ અને વિકાસ માટે વપરાશે.

culture news south mumbai art gallery mumbai