શિક્ષણમાં સત્સંગનો અભાવ જ નડતર છે

08 February, 2024 08:31 AM IST  |  Mumbai | Morari Bapu

ઇતિહાસ અને ગણિત શીખવો, પણ એ એવી રીતે શીખવો કે વિદ્યાર્થીઓને એમ લાગે કે મારો શિક્ષક સત્સંગ કરે છે.

પૂજ્ય મોરારી બાપુ

એક વાર હું એક શિક્ષણસંસ્થામાં ગયો ત્યારે મેં કહ્યું હતું અને હવે તો જે કોઈ શિક્ષણસંસ્થામાં જવા મળે ત્યાં આ વાત કહું છું. હું કહું છું કે શિક્ષણ પણ સત્સંગની રીતે અપાવું જોઈએ. તમે જુઓ તો ખરા સાહેબ. સત્સંગમાં સામે પાંચ-દસ હજાર માણસો બેઠા હોય અને એ બધા કન્ટ્રોલમાં રહે ને સ્કૂલમાં? સ્કૂલમાં પાંત્રીસ છોકરા કન્ટ્રોલમાં નથી રહેતા. હું તો મોટા ભાગના શિક્ષકો પાસે આ જ વાત સાંભળતો હોઉં છું કે છોકરાઓ તોફાન બહુ કરે છે, માનતા નથી. કથામાં ક્યાં કોઈને ડારો દેખાડ્યો હોય છે કે બધા ચૂપચાપ બેસીને કથાકારની વાત પ્રેમથી સાંભળે અને પિન-ડ્રૉપ સાઇલન્સ સાથે સાંભળે. જોકે સાંભળે છે. ક્યારેય આપણે સાંભળ્યું કે કથામાં આજે વાતું બહુ થતી’તી? ના, મેં તો ક્યારેય નથી સાંભળ્યું. મેં તો જોયું છે કે મારી કથામાં કોઈ વાતો પણ બહુ નથી કરતું ને ધારો કે કરતું હોય તો હું માનું કે મારા બોલવા કરતાં તેનું અત્યારે બોલવું વધારે અગત્યનું હશે એટલે તે બોલે છે.

કહેવાનો ભાવાર્થ એ કે કથામાં સેંકડો લોકો કન્ટ્રોલમાં રહે અને ક્લાસમાં પાંત્રીસ છોકરાઓ કન્ટ્રોલમાં નથી રહેતા. તે છોકરાઓને તો ડર પણ છે, બીક છે કે માસ્તર ​ખિજાશે. નાનું ગામ હોય તો માસ્તર હાથ ઉપાડી લે એવી પણ બીક હોય અને એ બીક પછી પણ છોકરાઓ કન્ટ્રોલમાં નથી રહેતા, કારણ કે સત્સંગનો અભાવ છે. 

ઇતિહાસ અને ગણિત શીખવો, પણ એ એવી રીતે શીખવો કે વિદ્યાર્થીઓને એમ લાગે કે મારો શિક્ષક સત્સંગ કરે છે. કથા પણ એક શિક્ષણ છે, પણ એ સત્સંગ દ્વારા પીરસાય છે એટલે તમે કથા દરમ્યાન શાંત બેસી રહો છો. હું જાણું છું અને એ લોકો નથી જાણતા એ દૃષ્ટિથી જ્યારે-જ્યારે બોલાઈ રહ્યું છે ત્યારે ભાર લાગે છે.

વિદ્યાર્થીના મૂળ ગુણને પારખતાં જે શિક્ષકને આવડશે એ શિક્ષક વિદ્યાર્થીને યોગ્ય દિશામાં મોકલી શકશે. શાળામાં બધા વિદ્યાર્થીઓ સાથે કોઈ કુંભારનો દીકરો ભણતો હોય અને સૌને શિક્ષક માટીકામનું શિક્ષણ આપે ત્યારે સ્વાભાવિક છે કે કુંભારનો પેલો દીકરો બીજા છોકરાઓને ઓવરટેક કરશે જ. આમ વિદ્યાર્થીના મૂળ ગુણને પકડીશું તો બહુ જ ઓછા પ્રયત્ને સારું પરિણામ લાવી શકીશું, પણ એના માટે સત્સંગના ભાવથી શિક્ષણનો માર્ગ પકડવો પડશે. છે આપણે ત્યાં કેટલાક શિક્ષકો એવા જે એક ઉત્કૃષ્ટ કથાકાર કરતાં પણ વધારે સારો સત્સંગ કરીને પોતાના વિદ્યાર્થીઓને તૈયાર કરે છે. એવો જે શિક્ષક હોય છે તે છોકરાઓને ક્યારેય ભુલાતો નથી અને છોકરાઓ તેને વિસરી પણ ન શકે, કારણ કે તેણે વિદ્યાર્થીનો મૂળ ગુણ પકડીને એને વધારે ચમકાવ્યો છે.

columnists Morari Bapu astrology