04 September, 2023 01:28 PM IST | Mumbai | Harsh Desai
ધ ફ્રીલાન્સર
કાસ્ટ : મોહિત રૈના, અનુપમ ખેર, મંજરી ફડણીસ, નવનીત મલિક, સુશાંત સિંહ અને કાશ્મીરા પરદેશી
ડિરેક્ટર : ભાવ ધુલિયા
રિવ્યૂ : 3 સ્ટાર (ટાઇમ પાસ)
નીરજ પાંડે દ્વારા ક્રીએટ કરવામાં આવેલો ‘ધ ફ્રીલાન્સર’ ડિઝની+હૉટસ્ટાર પર સ્ટ્રીમ થઈ રહ્યો છે. આ શોમાં મોહિત રૈના લીડ રોલમાં છે અને એમાં અનુપમ ખેર, નવનીત મલિક, કાશ્મીરા પરદેશી અને આયેશા રઝા મિશ્રા તથા મંજરી ફડણીસ જેવા ઘણા ઍક્ટર્સ છે.
સ્ટોરી ટાઇમ
આ શોની સ્ટોરી એક છોકરીની આસપાસ ફરે છે જેને લગ્ન બાદ જબરદસ્તી તેના પતિ અને ફૅમિલી દ્વારા સિરિયા આઇસિસ જૉઇન કરવા મોકલી દેવાય છે. મોહિત રૈના મુંબઈ પોલીસમાં છે અને તેનો ખાસ ફ્રેન્ડ અને કો-પોલીસ છે એ પાત્ર સુશાંત સિંહે ભજવ્યું છે. તેનાં લગ્ન મંજરી ફડણીસ સાથે થયાં છે. પોલીસમાંથી તે કેવી રીતે એક મર્સિનરી એટલે કે પૈસા લઈને કોઈ પણ દેશ માટે કામ કરનાર વ્યક્તિ બને છે. કોઈ પણ દેશ અથવા તેમની ખુફિયા એજન્સી કામ ન કરી શકે એવાં કામ આ મર્સિનરી કરતા હોય છે. ૧૩ વર્ષ બાદ તેના મિત્ર સુશાંત સિંહનું મૃત્યુ થાય છે. આ મૃત્યુ અમેરિકન એમ્બેસીની બહાર થાય છે એથી એ દુનિયાભરમાં ચર્ચાનો વિષય બને છે. મોહિત રૈના એટલે કે અવિનાશ તેના મિત્રના ઘરે દુઃખ વ્યક્ત કરવા આવે છે ત્યાર બાદ તેને ખબર પડે છે કે તેની દીકરી સાથે શું થયું છે. તેને ફરી ઘરે લાવવા તે પોતાનું લાઇફ મિશન બનાવી દે છે. ત્યાર બાદ શું થાય છે એ જોવું રહ્યું.
સ્ક્રીનપ્લે અને ડિરેક્શન
શિરીષ થોરાતની બુક ‘ટિકિટ ટુ સિરિયા’ પરથી નીરજ પાન્ડે અને રિતેશ શાહ દ્વારા સ્ક્રીનપ્લે લખવામાં આવ્યો છે. તેમણે આ પાત્ર અને સ્ટોરીને ખૂબ સારી રીતે સ્ક્રીનપ્લેમાં ઉતાર્યાં છે. નીરજ પાન્ડેના વિઝનને ભાવ ધુલિયાએ તેના ડિરેક્શન દ્વારા સ્ક્રીન પર રજૂ કર્યો છે. ભાવ ધુલિયાએ તેના ડિરેક્શન દ્વારા શોમાં ખૂબ ડ્રામા ઉમેર્યો છે. આ ફક્ત ઍક્શન શો નથી, એમાં હ્યુમન ઇમોશન પણ ભરી-ભરીને ઉમેરાયાં છે. અવિનાશની પોલીસની સફર, કેવી રીતે એક નેતા તેની પાછળ પડે છે, તે કેવી રીતે મર્સિનરી બને છે, તેનાં લગ્નના પ્રૉબ્લેમ જેવી દરેક વાતને ખૂબ સારી રીતે દેખાડવામાં આવી છે. સ્ક્રિપ્ટમાં દરેક વસ્તુને ડિટેઇલમાં દેખાડી પૂરતો સમય આપવામાં આવ્યો છે. શોના ચાર એપિસોડ રિલીઝ થયા છે અને ત્રણ બાકી છે. શોની શરૂઆતમાં એવું લાગે છે કે આ શું ચાલી રહ્યું છે, પરંતુ જેમ–જેમ આગળ વધે છે એમ–એમ દરેક સવાલના જવાબ મળતા જાય છે. શો ખૂબ રોમાંચક બનતો જાય છે, પરંતુ એમાં પણ કેટલાંક લૂપહોલ્સ છે. શો ખૂબ સ્પીડમાં આગળ વધે છે અને એક દેશમાંથી બીજા દેશમાં પલક ઝબકતાં પહોંચી જાય છે. કહેવાનો મતબલ કે બિલકુલ સમય બરબાદ કરવામાં નથી આવ્યો અને જ્યાં જરૂર પડે ત્યાં શોની સ્પીડ પણ ઓછી કરવામાં આવી છે, જેથી સ્ટોરીને થોડો શ્વાસ લેવાનો સમય મળે.
પર્ફોર્મન્સ
મોહિત રૈનાએ આ શો માટે ખૂબ મહેનત કરી છે એ જોઈ શકાય છે. વૉકિંગ સ્ટાઇલથી લઈને બૉડી-લૅન્ગ્વેજ અને મેનરીઝમ દરેક ડિટેઇલ પર ખૂબ મહેનત કરવામાં આવી છે. જોકે એમ છતાં એની બે વાત ખટકે છે. પહેલી એ કે તેની ફિઝિક્સ એકદમ ફિટ નથી બેસતી અને બીજું એ કે પોલીસ હોય ત્યારે અને મર્સિનરી હોય ત્યારે પણ તેની ફિઝિક્સ સેમ જ રહે છે. એને માટે શૂટિંગનો થોડો સમય ફાળવવાની જરૂર હતી અને તેને બૉડી પર કામ કરવા દેવું જરૂરી હતું. અનુપમ ખેર હંમેશની જેમ નીરજ પાન્ડેના પ્રોજેક્ટમાં જે રીતે ઑફિસમાં બેસીને કામ કરે છે એ જ રીતે તેઓ આ શોમાં પણ ફોન પર દરેક ડિટેઇલ આપે છે. તેઓ પોતે ભગવાન કૃષ્ણ હોય એમ અત્ર-તત્ર-સર્વત્રની માહિતી તેની પાસે હોય છે તથા કોઈને કેવી રીતે દબાવવો અને કોને સમય આવ્યે તેની ઔકાત દેખાડવી એ તેના પાત્રનું કામ હોય છે અને તેણે એ કામ ખૂબ સારી રીતે કર્યું છે. જોકે તેની પાસે વધુ સ્ક્રીન-ટાઇમ હોવો જોઈતો હતો. હજી ઍક્શનથી ભરપૂર ત્રણ એપિસોડ બાકી છે એટલે એમાં શું હોય એ જોવું રહ્યું. આ શોમાં કાશ્મીરા પરદેશીએ આલિયાની ભૂમિકા ભજવી છે. તેનું પાત્ર ખૂબ મહત્ત્વનું અને કૉમ્પ્લેક્સ છે. તે એક આઇસિસ ગ્રુપ વચ્ચે સિરિયામાં રહે છે એટલે તેણે સમય-સમયે બેચારી, દુખી, લાચાર, હિમ્મતવાલી અને આશાવાદી જેવાં ઘણાં ઇમોશન્સ દેખાડવાનાં હોય છે. આ સાથે જ ફ્લૅશબૅકમાં તે કેવી ચુલબુલી હતી એ તમામ ઇમોશન્સને ધ્યાનમાં રાખીએ તો તેણે ખૂબ સારું કામ કર્યું છે. નવનીતે આ શોમાં મોહસિનનું પાત્ર ભજવ્યું છે. મોહસિન પાસેથી જે આશા હતી એ તેણે ભજવી છે. તેને જોઈને તેને ગાળ આપવાનું મન થાય અને એ જ મોહસિનની જીત છે. તેણે આ પાત્ર ખૂબ સારી રીતે ભજવ્યું છે. તે તેના બૉસને ખુશ કરવા માગતો હોય ત્યારે તેની બૉડી-લૅન્ગ્વેજ કેવી હોય અને તેની પત્ની હોય ત્યારે તે કેવો ખડૂસ હોય વગેરે ઇમોશન્સને પણ તેણે સારી રીતે દેખાડ્યાં છે.
આખરી સલામ
‘ધ નાઇટ મૅનેજર’ની જેમ પહેલો પાર્ટ શોનો બેઝ તૈયાર કરવામાં ગયો હતો અને બીજા પાર્ટમાં જોરદાર ઍક્શન મોડમાં દરેક આવી જાય છે એવું જ આ શોમાં પણ કરવામાં આવ્યું છે. પહેલા પાર્ટમાં ચાર એપિસોડ દેખાડવામાં આવ્યા છે, જેણે એક બેઝ તૈયાર કર્યો છે અને બાકીના ત્રણ એપિસોડમાં અવિનાશ પોતે સિરિયા જાય છે અને હવે એ કેવા હોય એ જોવું રહ્યું.