25 May, 2026 08:46 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
તેજસ્વી પ્રકાશ અને કરણ કુન્દ્રા
ટીવી-ઍક્ટરો કરણ કુન્દ્રા અને તેજસ્વી પ્રકાશની લવસ્ટોરી ફરી એક વાર ચર્ચામાં આવી છે. હાલમાં બન્નેએ પોતાની રિલેશનશિપ સાથે જોડાયેલી રસપ્રદ વાતો શૅર કરી હતી. કરણ કુન્દ્રાએ જણાવ્યું હતું કે તેજસ્વીની મમ્મી શરૂઆતમાં પોતાની દીકરીને લઈને ખૂબ જ પ્રોટેક્ટિવ હતી. આ વાત કરતાં તેણે કહ્યું હતું કે ‘તેજસ્વીની મમ્મીએ મને કહ્યું હતું કે તેમને પોતાની દીકરી પર બિલકુલ વિશ્વાસ નથી અને મારે તેના વિશે વિચારવા માટે થોડો સમય લેવો જોઈએ, કારણ કે તે થોડી અલગ છે. જોકે તેજસ્વીના પપ્પાને અમારા સંબંધથી કોઈ તકલીફ નહોતી.’
તેજસ્વી પ્રકાશે જણાવ્યું હતું કે તેની મમ્મી ઇચ્છતી હતી કે લગ્ન પહેલાં બન્ને એકબીજાને સારી રીતે સમજી લે. મમ્મીની ઇચ્છા વિશે વાત કરતાં તેજસ્વીએ કહ્યું હતું કે ‘મારી મમ્મી ઇચ્છતી હતી કે કરણ સંપૂર્ણ રીતે કમ્ફર્ટેબલ રહે. લગ્નનો નિર્ણય લેતાં પહેલાં તેમણે જ અમને લિવ-ઇન રિલેશનશિપમાં રહેવાની સલાહ આપી હતી. ઘણા લોકો એનો વિરોધ કરે છે, પરંતુ મારી મમ્મી માનતી હતી કે સાથે રહીને એકબીજાને સમજવાથી ફાયદો થાય છે. શરૂઆતમાં લોકો અમારા સંબંધ પર સવાલ ઉઠાવતા હતા, પરંતુ આજે લગભગ ૪ વર્ષ બાદ પણ અમારો સંબંધ વધુ મજબૂત બન્યો છે.’