06 December, 2025 09:27 AM IST | Mumbai | Jigisha Jain
દિશા પરમાર
અમુક લોકો ઍક્ટિંગ કરવા માટે મુંબઈ આવે છે અને કામ શોધે છે, પરંતુ અમુક નસીબદાર લોકોને મુંબઈ સામે ચાલીને બોલાવે છે. ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ અને ‘બડે અચ્છે લગતે હૈં’ જેવી સિરિયલો દ્વારા ખ્યાતિ મેળવનાર દિશા પરમાર આવા નસીબદાર લોકોમાંની એક છે. હાલમાં ગાયક રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યા બાદ તેની બે વર્ષની દીકરી નવ્યા સાથે માતૃત્વનું સુખ ભોગવી રહી છે.
૨૦૦૦ની સાલ આસપાસનો સમય. દિલ્હીમાં રહેતા પંજાબી પરમાર પરિવારની નાની દીકરી દિશા પરમાર અત્યંત લાડકી હતી. ખૂબ જ તોફાની દિશા આખો દિવસ તેના પિતા ગુરદીપ સિંહની પાછળ-પાછળ ફર્યા કરતી. પિતાનો કપડાંનો બિઝનેસ હતો. પાપા જેટલો સમય ઘરે હોય દિશા તેમની પૂંછડી બનીને તેમની પાછળ ફર્યા કરતી. આખો દિવસ પાપા યે કરના હૈ, પાપા વો કરના હૈ ચાલ્યા કરતું. જ્યાં પાપા ત્યાં તેમની દીકરી. પાછળ-પાછળ પહોંચી જ ગઈ હોય.
૨૦૧૨નો સમય. દિશા ૧૭ વર્ષની હતી. તેણે રાજશ્રી ટેલિફિલ્મ્સની એક સિરિયલ માટે આપેલું ઑડિશન સફળ ગયું અને તેને એ સિરિયલમાં કામ કરવા માટે મુંબઈ બોલાવી રહ્યા હતા. ૧૭ વર્ષની છોકરીને એકલી મુંબઈ કેવી રીતે મોકલવી? ગુરદીપ સિંહની જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત તો તેણે વિચાર્યું હોત કે હજી દીકરી નાની છે અને કામ માટે તેમણે ના પાડી દીધી હોત, પરંતુ એ પિતાને ખબર હતી કે દીકરીનાં સપનાં શું છે. દિશા અત્યંત ખુશ હતી કે તેને ઍક્ટિંગ કરવાનો જે મોકો જોઈતો હતો એ મળી રહ્યો હતો, પરંતુ તેને સમજાતું નહોતું કે મુંબઈ તે એકલી કેવી રીતે રહેશે? પાપાની પૂંછડી પાપા ઘરે આવ્યા એટલે તેમની પાછળ ફરવા લાગી અને તેણે પૂછ્યું કે પાપા, હવે શું કરવું છે? જવાબ આપોને. પાપાએ હસીને કહ્યું કે બેટા, અબ તક તૂ પાપા કી પૂંછ બની હુઈ થી; અબ તેરા પાપા તેરે પીછે-પીછે ચલેગા. પોતાનો બિઝનેસ, ઘર, દરેક વસ્તુને ઍડ્જસ્ટ કરીને તેઓ દિશા સાથે મુંબઈ આવ્યા. અહીં રોકાયા અને દીકરીનાં સપનાં પૂરાં કરવા સતત તેની સાથે રહ્યા. એ વાતને યાદ કરીને દિશા કહે છે, ‘દરેક સફળ દીકરી પાછળ તેના પિતાનો સપોર્ટ જવાબદાર હોય છે. મેં સપનાં જોયાં પણ એ સપનાંઓને પૂરાં કરવાનું શક્ય જ નહોતું જો પાપા ન હોત. આજે તે મારી સાથે નથી. હું તેમને ખૂબ મિસ કરું છું. હું ફક્ત ૨૨ વર્ષની હતી જ્યારે તેમનું મૃત્યુ કૅન્સરથી થયું. હું ભગવાનને પ્રાર્થના નથી કરતી કે તેમની પાસેથી કંઈ માગતી નથી, કારણ કે મારી પાસે મારા પર્સનલ ભગવાન છે જે ઉપર છે. મને જોઈ રહ્યા છે, મારું ધ્યાન રાખી રહ્યા છે.’
‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’ નામની સિરિયલથી કારકિર્દીની શરૂઆત કરી. એ પછી દિશા પરમારે ‘બડે અચ્છે લગતે હૈં-2’ અને ‘બડે અચ્છે લગતે હૈં-3’ નામની ઘણી જ પૉપ્યુલર સિરિયલોમાં પ્રિયા સૂદ બનીને ઘણી ખ્યાતિ મેળવી. આ સિવાય તેણે ‘વો અપના સા’ નામની ટીવી-સિરિયલ અને ‘આઇ ડોન્ટ વૉચ ટીવી’ નામની વેબ-સિરીઝ કરી છે. સિંગર પતિ રાહુલ વૈદ્ય સાથે તેણે ઘણા મ્યુઝિક-વિડિયોઝ પણ કર્યા છે.
બાળપણમાં મસ્તીખોર
નાનપણમાં દિલ્હીમાં મમ્મી, પપ્પા અને પોતાનાથી ત્રણ વર્ષ મોટા ભાઈ સાથે તે ઊછરી. ત્યાંની સાધુ વાસવાણી ઇન્ટરનૅશનલ સ્કૂલ ફૉર ગર્લ્સમાં તે ભણી. એ વિશે વાત કરતાં દિશા કહે છે, ‘હું ખૂબ મસ્તીખોર હતી. મને જે કરવું હોય એ કરીને જ રહેતી. નાની હતી એટલે બધાએ મને ખૂબ લાડથી મોટી કરેલી. હું સ્કૂલમાં નાટક, ફૅશન-શો અને સ્ટેજ-પ્રોગ્રામમાં ખૂબ ભાગ લેતી. મને ગણિત વિષય જરાય ગમતો નહીં. મને એ આવડતું જ નહીં. ભણવામાં ખૂબ હોશિયાર નહોતી, પણ મને સ્કૂલ જવું ખૂબ જ ગમતું. નાનપણથી મને એમ હતું કે હું મોટી થઈને ઍક્ટ્રેસ બનીશ. મેં ઘરમાં બધાને કહી રાખેલું કે મારે ઍક્ટ્રેસ બનવું છે. ઘરમાં કોઈએ મને આ વાત પર ડિસકરેજ કરી નહીં કે ના, કેમ ઍક્ટ્રેસ બનવું છે? શું કામ કરવું છે? ઊલટું મારા પાપા દિલ્હીમાં જેટલી પણ એજન્સી છે એની તપાસ કરી આવ્યા. ૨-૩ ટૉપ એજન્સીમાં તેમણે મારા ફોટો મોકલી રાખ્યા હતા જેમાંથી એક એજન્સીનો અમને કૉલ આવ્યો. પાપા જ મને બધે લઈ ગયા. મારો ઇન્ટરવ્યુ થયો. તેમણે મને કહ્યું કે અહીં ત્રણ મહિનાની ટ્રેઇનિંગ થશે. બેઝિક મૉડલિંગ સ્કિલ હું ત્યાં શીખી. કઈ રીતે ચાલવું, કઈ રીતે પોઝ આપવા, બેઝિક મેકઅપ, રૅમ્પ પર ચાલવાનું હોય તો એ કઈ રીતે કરવું એ બધું શીખવા હું શનિ-રવિ જતી. સોમથી શુક્ર હું સ્કૂલ જતી અને શનિ-રવિ ટ્રેઇનિંગ કરતી. આ ટ્રેઇનિંગ પતી ગઈ એ પછી મેં ૨-૩ ડિઝાઇનર માટે રૅમ્પ-વૉક પણ કર્યું. પ્રિન્ટ અને ડિજિટલ માટે મેં ઘણી ઍડ પણ શૂટ કરી. હું ખૂબ નાની હતી પણ મને મારું મનગમતું કામ કરવા મળી રહ્યું હતું એટલે હું ખુશ હતી.’
પહેલી સિરિયલ
આ બધાની વચ્ચે એક તક આવી. રાજશ્રી ટેલિફિલ્મ્સ પોતાની એક સિરિયલ માટે ઑડિશન કરી રહ્યું હતું. એ ઑડિશન માટે દિશા તેના પપ્પા સાથે મુંબઈ આવી. એ દિવસો યાદ કરતાં દિશા કહે છે, ‘મારું ઑડિશન કવિતા બડજાત્યા અને સૂરજ બડજાત્યાને ખૂબ ગમ્યું. એ સમય એવો હતો કે પાઇલટ શૂટ કર્યા પછી પણ એકાદ વર્ષ નીકળી જતું. હું એ એક વર્ષમાં મારી બારમાની એક્ઝામ આપી આવી. મેં મારું બારમું ધોરણ પતાવ્યું કે તરત જ ‘પ્યાર કા દર્દ હૈ મીઠા મીઠા પ્યારા પ્યારા’નું શૂટિંગ શરૂ કરવાની વાત આવી. એટલે સાડાસત્તર વર્ષની ઉંમરે હું મુંબઈ આવી ગઈ પાપા સાથે અને કામ શરૂ કરી દીધું. રાજશ્રીના સેટે મને ઘડી છે. મને આ કામ વિશે કંઈ જ ખબર નહોતી. હું બધું ત્યાં જ શીખી છું. તેમના સેટનું વાતાવરણ એટલુંબધું સારું હતું કે કોઈ પણ નાની ઉંમરની છોકરી માટે એ વાતાવરણમાં ભળી જવું એકદમ સરળ હતું. સેટ પર એક પણ ખોટા શબ્દનો પ્રયોગ ન થતો હોય. બધા ખૂબ જ પ્રેમથી અને નમ્રતાથી વાત કરતા હોય એ વાતાવરણ મને ઘણું અનુકૂળ આવ્યું. એટલે નાની ઉંમરે કામ શરૂ કરી દીધા છતાં મને એમ ન લાગ્યું કે હું ક્યાં આવી ગઈ કે આ હું શું કરું છું.’
પહેલી સિરિયલ પછી બાલાજી ટેલિફિલ્મ્સની ‘બડે અચ્છે લગતે હૈં’ની બે જુદી-જુદી સીઝન દિશાએ કરી. એના વિશે વાત કરતાં તે કહે છે, ‘આ સિરિયલનો રોલ મારા માટે ચૅલેન્જિંગ હતો. મને અહીં પણ ઘણું શીખવા મળ્યું. ઘણું નવું-નવું કરવા પણ મળ્યું. પ્રિયાનું પાત્ર ભજવવું સરળ નહોતું. એના ઘણાબધા લેયર્સ હતા. એ પાત્રએ મને ઘણું નામ અપાવડાવ્યું.’
પ્રેમ અને લગ્ન
દિશા પરમારે કોવિડ દરમિયાન ૨૦૨૧માં પાર્શ્વગાયક રાહુલ વૈદ્ય સાથે લગ્ન કર્યાં અને ૨૦૨૩માં તેમને દીકરી આવી જેનું નામ તેમણે નવ્યા રાખ્યું છે. રાહુલ અને દિશાની લવ-સ્ટોરી તેમના ફૅન્સ માટે એકદમ આઇકૉનિક હતી. રાહુલના એક ગીતની ક્લિપ ઇન્સ્ટાગ્રામ પર અપલોડ થઈ હતી, જેના પર દિશાએ કમેન્ટ કરી હતી - ‘લવિંગ ઇટ.’ એ જોઈને રાહુલને થયું કે એક સુંદર છોકરી સામે ચાલીને મેસેજ કરી રહી છે તો આ મોકો છોડાય નહીં. બન્નેની વાતો અને મુલાકાતો ચાલુ રહી. એ દિવસો યાદ કરતાં દિશા કહે છે, ‘અમે જ્યારે પહેલાં મળ્યાં ત્યારે મારા પિતાના મૃત્યુને ૬ મહિના જ થયા હતા. હું એ દુઃખમાં થોડી વિચિત્ર થઈ ગયેલી. રાહુલને હું થોડી વિચિત્ર જ લાગેલી ત્યારે. તેને ખબર નહોતી કે હું પાપાને કારણે આવી થઈ ગયેલી. એ પછી એક મોટા ગૅપ પછી અમે મળ્યાં જ્યારે હું થોડી નૉર્મલ થઈ ગઈ હતી. એ પછી પણ અમે લગભગ એક-દોઢ વર્ષ મળતાં જ રહ્યાં. એને તમે ડેટિંગ કે ગર્લફ્રેન્ડ-બૉયફ્રેન્ડ છે એવું ન કહી શકો, કારણ કે એવું હતું જ નહીં. બસ, મળતાં-મળતાં એક સમય એવો આવ્યો કે તેને નહીં મળું તો નહીં ચાલે એ મને સમજાઈ ગયું હતું. એ પછી તે બિગ બૉસ 14માં ભાગ લેવા ગયો. એ ગાળો બન્ને માટે અઘરો હતો કારણ કે એ દૂરીએ અમને અહેસાસ દેવડાવેલો કે અમે એકબીજા માટે શું છીએ. બિગ બૉસ પત્યું એના પછી અમે પરણી ગયાં. મારી મમ્મીને તો તે ખૂબ જ ગમતો હતો અને તેના પેરન્ટ્સને પણ લગ્નથી કોઈ જ તકલીફ નહોતી. આમ એક મરાઠી છોકરાનાં એક પંજાબી છોકરી સાથે લગ્ન થઈ ગયાં. રાહુલને તો ખૂબ સરસ પંજાબી બોલતાં આવડે છે, પણ હું હજી મરાઠી બોલતાં શીખી નથી. મને સમજાઈ તો જાય છે પણ બોલવામાં તકલીફ પડે છે.’
માતૃત્વ
દિશા અને રાહુલની દીકરી નવ્યા હાલમાં બે વર્ષની છે. પોતાના માતૃત્વનો અનુભવ જણાવતાં દિશા કહે છે, ‘એક તરફ તમે દુનિયાભરની ખુશી મેળવી રહ્યા હો, જીવનનો સર્વોત્તમ સંતોષ મેળવી રહ્યા હો અને બીજી તરફ દરેક પગલે ખુદ પર શંકા થતી હોય કે હું જે પણ કરી રહી છું એ બરાબર તો છેને? કોઈ દિવસ ઉલ્લાસમય હોય તો કોઈ દિવસ થાકથી ભરપૂર હોય. કોઈ દિવસે તમે મોજમાં હો અને કોઈ દિવસ તમે એટલા ત્રાસી ગયા હો કે રડી પડો. આમ માતૃત્વ એક રોલરકોસ્ટર રાઇડ જેવું છે. જેમ હું મારા પાપાની પૂંછડી હતી એમ મારી દીકરી મારી પૂંછડી છે. તેને પૂછ્યા વગર હું ટૉઇલેટ-બ્રેક પણ નથી લઈ શકતી. પણ એ કહી શકું કે નવ્યા સાથેનાં આ બે વર્ષમાં હું ઘણું શીખી છું. એક મા તરીકે અને એક માણસ તરીકે એક જુદા પ્રકારનો ગ્રોથ થયો છે મારો.’
જલદી ફાઇવ
પ્રથમ પ્રેમ - શાહરુખ ખાન
ફોબિયા - મને ગરોળીથી ખૂબ ડર લાગે છે. ભૂતકાળમાં એવા બનાવો પણ બન્યા છે જેમાં એ મારા હાથ પર કે માથા પર પડી હોય જેને કારણે એ ડર ખૂબ સ્ટ્રૉન્ગ થઈ ગયો છે.
હૉબી - હું બારમા ધોરણમાં હતી એ પછીથી તરત કામ કરવા લાગી. કામ કરતી હતી ત્યારે લગ્ન થઈ ગયાં. લગ્ન પછી તરત શો મળ્યો. ‘બડે અચ્છે લગતે હૈં’ જેવો પત્યો કે હું પ્રેગ્નન્ટ થઈ ગઈ. આમ કોઈ પણ પ્રકારનો શોખ ડેવલપ કરવા માટે મારી પાસે સમય જ નહોતો એટલે એ હું કરી શકી નથી.
બકેટ-લિસ્ટ - મારું કોઈ ખાસ
બકેટ-લિસ્ટ નથી પણ છેલ્લાં ત્રણ વર્ષમાં મેં પ્રમાણમાં થોડું ઓછું ટ્રાવેલ કર્યું છે જે હું હવે કરવા માગું છું.
અફસોસ - પાપાને કૅન્સરનું નિદાન ઘણું મોડું થયું અને ૬ મહિનાની અંદર તે અમને છોડીને જતા રહ્યા. આ છ મહિનાની ખરાબ મેમરી મારી અંદર જાણે કે જડાઈ ગઈ છે. પાપા સાથે કેટલીયે હૅપી મેમરી પણ છે પણ આખું જીવન એક તરફ અને આ ૬ મહિના એક તરફ. એ પેલી હૅપી મેમરીઝ પર ભારે પડી રહ્યા છે. ત્યારે અફસોસ મને એ જ છે કે કાશ, હું પાપાની હૅપી મેમરીઝને જ વધુ યાદ કરતી હોત. કોશિશ કરું છું પણ અઘરું પડી રહ્યું છે. મને એ વાતનો પણ ખૂબ અફસોસ છે કે તે મારાં લગ્ન ન જોઈ શક્યા, રાહુલને અને નવ્યાને ન મળી શક્યા.