03 February, 2021 12:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
રૂબીના દિલૈક
અભિનવ શુક્લાને લઈને રાખી સાવંત અને રૂબીના દિલૈક વચ્ચે જબરદસ્ત લડાઈ આજે એક નવો વળાંક લેશે. રાખી, અભિનવ શુક્લાને ઘણો પ્રેમ કરે છે અને આ વાતનો ખુલાસો તેણે ઘણી વખત ખુલ્લેઆમ કર્યો છે. પહેલા રૂબીના અને અભિનવને આ અંગે કોઈ વાંધો નહોતો, કારણકે રાખી પોતાની મર્યાદામાં મજાક કરતી હતી. પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી અભિનવને લઈને રાખીનું ગાંડપણ ઘણું વધી ગયું છે, જેના કારણે રૂબીનાને અને અભિનવને પણ તકલીફ થવા માંડી છે.
વીકેન્ડ કા વારમાં આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો, જ્યાં સલમાને અભિનવ અને રૂબીનાને સમજાવ્યો હતો, ત્યારે રાખી સાવંતને પણ પોતાના મર્યાદામાં રહેવાની સલાહ આપવામાં આવી હતી. ત્યાર બાદ રાખીને પોતાની ભૂલનો અનુભવ પણ થયો અને તે અભિનવથી દૂર રહેવા લાગી. 2 ફેબ્રુઆરીના એપિસોડમાં રાખીએ અભિનવને બચાવી લીધો. પરંતુ આજે રાખી ફરી કંઈક એવું કરવા જઈ રહી છે જે સાંભળ્યા પછી રૂબીનાનો ગુસ્સો સાતમાં આસમાને પહોંચી જાય છે અને કઈંક એવું કરી દેશે જે તેણે આખી સીઝનમાં આજ સુધી નથી કર્યું.
કલર્સે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આજના એપિસોડનો એક પ્રોમો શૅર કર્યો છે, જેમાં રાખી, દેવોલીના સાથે વાત કરતી જોવા મળી રહી છે. આ દરમિયાન દેવોલીનાને તે કહે છે તેણે દરેકનું ઘણું સમ્માન કર્યું, હવે તે કરશે નહીં. ત્યાર બાદ રાખી અભિનવને 'ઠરકી' કહીંને બોલાવે છે. જે સાંભળીને અભિનવ ખરાબ રીતે ભડકી જાય છે અને જવાબમાં અભિનવ કહે છે કે 'આ છે તારી વાસ્તવિકતા રાખી'.
ત્યાર બાદ રૂબીના ગુસ્સે થઈ જાય છે, બાથરૂમમાં જઈને ડોલ ભરીને પાણી કાઢે છે અને આખું ડોલ ભરેલું પાણી રાખીના મોં પર ફેંકી દે છે. રૂબીનાને આવું કરવામાં નિક્કી પણ રોકે છે, પરંતુ રૂબીના કોઈની વાત સાંભળતી નથી. સમાચારની માનીએ તો રૂબીનાની આ ભૂલ માટે બિગ-બૉસે એને સજા પણ આપી છે અને ફિનાલે સુધી નૉમિનેટ કરી દીધી છે.