26 July, 2022 05:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
મિકા સિંહ
મિકા સિંહને તેની વોટી એટલે કે લાઇફ-પાર્ટનર મળી ગઈ છે. મિકાનો સ્વયંવર સ્ટાર ભારત પર શરૂ થયો હતો. એમાં અનેક યુવતીઓ મિકાને પોતાનો જીવનસાથી બનાવવા પહોંચી હતી. જોકે બાજી તો કોઈ બીજું જ મારી ગયું છે. એ બીજું કોઈ નહીં, પરંતુ મિકાની જ બેસ્ટ ફ્રેન્ડ આકાંક્ષા પુરી છે. આકાંક્ષાની સાથે પ્રંતિકા દાસ અને નીત મહલ ફાઇનલ રાઉન્ડમાં હતી. મિકાએ આ ત્રણમાંથી આકાંક્ષાને લાઇફ-પાર્ટનર તરીકે પસંદ કરી છે. આ બન્ને એક દાયકા કરતાં પણ વધુ સમયથી એકબીજાને ઓળખે છે. મિકાના ઘરે જ્યારે પૂજા રાખવામાં આવી હતી એ વખતે પણ આકાંક્ષા તેની સાથે તેના ઘરમાં હાજર હતી. અગાઉ તે કહી ચૂકી હતી કે તે ‘સ્વયંવર: મિકા દી વોટી’માં ભાગ લેશે કેમ કે તે મિકાને અન્ય કોઈ મહિલાની નજીક નથી જોઈ શકતી. આ શોની શરૂઆત થઈ એના ઘણા સમય બાદ તે વાઇલ્ડ કાર્ડ દ્વારા શોમાં એન્ટર થઈ હતી. બીજી તરફ મિકા સિંહે જણાવ્યું હતું કે તે ચાહે છે કે તેની ફ્રેન્ડ તેની વાઇફ બને. જોકે બન્નેનાં લગ્ન ક્યારે અને ક્યાં થશે એની માહિતી નથી મળી શકી.