‘વીર-ઈશા નું સીમંત’ Review : વિષય મોડર્ન અને સરસ પણ રજૂઆત અને સ્ક્રીન પ્લેમાં `પ્રિમેચ્યોર બેબી`

09 September, 2022 05:30 PM IST  |  Mumbai | Rachana Joshi

મોડર્ન કપલ્સ અત્યારે જે તકલીફોનો સામનો કરી રહ્યાં છે તેની વાત એટલે ફિલ્મ ‘વીર-ઈશા નું સીમંત’

‘વીર-ઈશા નું સીમંત’ ફિલ્મનું પોસ્ટર

ફિલ્મ : વીર-ઈશા નું સીમંત

કાસ્ટ : મલ્હાર ઠાકર, પૂજા જોશી, અનુરાગ પ્રપન્ન, છાયા વોરા, ફિરોઝ ભગત, સોનાલી લેલે દેસાઈ, કૃણાલ પંડિત, દીપાલી ભુતા, નિજલ મોદી, રાહુલ રાવલ, કુકુલ તારમાસ્ટર, વૈભવ બિનીવાલે, આસાવરી પાધ્યા, શૌનક પંડ્યા

લેખક : નીરજ જોશી, પ્રકાશ ગૌડા

ડિરેક્ટર : નીરજ જોશી

રેટિંગ : ૨.૫/૫

પ્લસ પોઇન્ટ : વિષય, સોશ્યલ મેસેજ, કૉમિક ટાઇમિંગ

માઇનસ પોઇન્ટ : વાર્તા

ફિલ્મની વાર્તા

આજના મોડર્ન  અને યુવાન કપલ વીર અને ઈશા લગ્ન તો કરી લે છે પરંતુ લગ્ન બાદ બાળકને જન્મ આપવા તૈયાર નથી હોતા. કારકિર્દી અને પરિવારની જવાબદારી વચ્ચે બાળકના માતા-પિતા બનવા તેઓ તૈયાર નથી. પણ પરિવારજનોને તેમના ભવિષ્યની ચિંતા હોય છે, ઘરના વારસની અપેક્ષા હોય છે અને આ બધા કરતા પણ સૌથી વધુ સમાજના મહેણાં-ટોણાંનો ડર તો ખરો જ. સમાજની ઈચ્છા અને પરિવારનું પ્રેશર હોવા છતા વીર-ઈશા બંન્ને પહેલેથી જ સ્પષ્ટ છે કે  તેમને સંતાનો નથી જોઇતા. પરંતુ લોકોની સતત થઈ રહેલી માગણીઓથી કંટાળીને વીર-ઈશા એક નાટક કરે છે. પછી જે ઘટનાઓ ઘટે છે તે જોવા જેવી છે. આ સાથે જ ફિલ્મ એક સુંદર મેસેજ પણ આપે છે.

પરફોર્મન્સ

વીરના પાત્રમાં મલ્હાર ઠાકર એક મેચ્યોર મેન તરીકે ખરો ઉતર્યો છે. તો ઈશાના પાત્રમાં પૂજા જોશી હંમેશ મુજબ બહુ જ બ્યુટિફુલ લાગે છે. એક કપલ તરીકે પૂજા અને મલ્હારની કેમેસ્ટ્રી સારી છે. બંન્નેના ગિવ એન્ડ ટેક બહુ સ્મૂધ છે.

વીરની નાની બહેનના રોલમાં નીજલ મોદી છે. જે ભાઈ-ભાભીની સપોર્ટર છે. જ્યારે મોટી બહેનના રોલમાં દિપાલી ભૂતા પહેલા ભાભીની વરુદ્ધ અને પછી ભાભીની સાથે થઈ જતી હોય તેવું અલગ બોન્ડિંગ દર્શાવવામાં આવ્યું છે. વીરના માતા-પિતાના પાત્રમાં છાયા વોરા જબરી સાસુની ભૂમિકા સુપેરે નિભાવી છે. જ્યારે અનુરાગ પ્રપન્ન કૉમિક ટાઇમિંગ સાચવી રાખે છે.

ઈશાની માતાના પાત્રમાં સોનાલી લેલે દેસાઈ છે અને પિતાનું પાત્ર ભજવતા પીઢ અભિનેતા ફિરોઝ ભગ લાંબા સમય બાદ સ્ક્રિન પર જોવા મળ્યા છે.

નાના પણ મહત્વના પાત્રોમાં શૌનક પંડયા, રાહુલ રાવલ, કૃણાલ પંડિત, કુકુલ તારમાસ્ટર અને વૈભવ બિનીવાલે પોતાની છાપ છોડી જાય છે.

સ્ક્રિપ્ટ અને ડિરેક્શન

ફિલ્મના વિષયની વાત કરીએ તો તે બહુ જ સરસ છે. પરંતુ એ વિષયને સ્ક્રિન પર વધુ સારી રીતે દર્શાવવામાં લેખક અને દિગ્દર્શક થોડા નબળા પડ્યા છે. ફિલ્મનો જે વિષય છે તે અત્યારે દરેક મોડર્ન  કપલ અને ઘરડા માતા-પિતાનો પ્રોબ્લેમ છે. આ વિષયને હજુ વધુ સારી રીતે રજુ કરી શકાયો હોત. સ્ક્રિપ્ટમાં અમુક ડાયલૉગ સારા છે. કલાકારોના કૉમિક ટાઇમિંગ પણ સારા છે. જોકે, કેટલાક સીનમાં વાતને વધુ ડેવલપ થવાનો સમય જોઈતો હતો તે નથી આપ્યો તો કેટલાક સીન જરુર ન હોવા છતા લંબાવવામાં આવ્યા છે. આખી વાર્તામાં ક્યૂટ અને સમજુ દેખાડવામાં આવેલું કપલ વીર-ઈશા અચાનક ઝઘડવા માંડે છે તે વાત જરાક ગળે તરે તેમ નથી. તે સિવાય કેટલાક સારા લાઇટ હાર્ટેડ ફેમેલિ સીન પણ ફિલ્મમાં છે. સારા વિષયને રજુ કરવામાં લેખક અને દિગ્દર્શકથી ક્યાંક કચાશ રહી ગઇ છે.

મ્યુઝિક

ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે કેદાર અને ભાર્ગવે. ફિલ્મના કેટલાક સીનમાં મ્યુઝિક લાઉડ થઈ જાય છે જેને કારણે ડાયલોગ ધીમા પડી જતા હોય તેવું લાગે છે. તો અમુક મુખ્ય સીન એવા હતા જ્યાં મ્યુઝિક માત્ર કામ કરી જાત પરંતુ ત્યાં મ્યુઝિકનો અભાવ હતો. તે સિવાય ફિલ્મમાં બે ગીતો છે, ‘મજા કે સજા’ જે સિદ્ધાર્થ અમિત ભાવસાર અને વ્રતિની ગાડઘેએ ગાયું છે અને શબ્દો ભાર્ગવ પુરોહિતના છે. બીજું ગીત ભાર્ગવ પુરોહિતનું ‘ફેમેલી છે’, જેને સ્વર આપ્યો છે મીત જૈન, નયના શર્મા, શ્રુતિ મોદી અને પંકજ પાઠકે. ફિલ્મમાં હજી એકાદ-બે ગીત હોત તો સારું લાગત.

ફિલ્મ જોવી કે નહીં?

મલ્હાર અને પૂજાની કૅમેસ્ટ્રી તથા નવો વોષય દર્શાવતી ફિલ્મ જોવા આ લોન્ગ વિકએન્ડમાં ચોક્કસ થિયેટર સુધી જવું જોઈએ.

entertainment news dhollywood news gujarati film movie review film review Malhar Thakar puja joshi