01 March, 2026 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
અરિજિત સિંહ
ગયા મહિને ૨૭ જાન્યુઆરીએ પ્રખ્યાત ગાયક અરિજિત સિંહે પોતાની નિવૃત્તિની જાહેરાત કરીને સૌને આશ્ચર્યચકિત કરી દીધા હતા. કેટલાક લોકોએ અરિજિતના આ પગલાને યોગ્ય ગણાવ્યું હતું, જ્યારે કેટલાક લોકોને આટલી નાની ઉંમરે સંન્યાસ લેવાનો તેનો નિર્ણય યોગ્ય લાગ્યો નહીં. જાણીતા સંગીતકાર ઇસ્માઇલ દરબારે હવે અરિજિતના નિવૃત્ત થવાના નિર્ણય વિશે પોતાની પ્રતિક્રિયા આપી છે. ઇસ્માઇલ દરબારે એક ઇન્ટરવ્યુમાં અરિજિત સિંહના આ નિર્ણયને બહાદુરીભર્યો અને બુદ્ધિશાળી ગણાવ્યો હતો. ઇસ્માઇલ દરબારનું કહેવું છે કે અરિજિતે આ પગલું એક બિઝનેસમૅનની જેમ વિચારીને લીધું છે.
ઇસ્માઇલ દરબારે હાલમાં એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે ‘અરિજિતની નિવૃત્તિ બાદ મને માત્ર એક જ વાતનું દુઃખ રહ્યું કે મને ક્યારેય તેની સાથે કામ કરવાનો મોકો મળ્યો નથી. હું તેની સાથે કામ કરવા માગતો હતો અને તેને એક અલગ દૃષ્ટિકોણથી જોવા ઇચ્છતો હતો. અરિજિત જે કરે છે એમાં સારો છે અને હું મારા કામમાં સારો છું. જો અમે સાથે કામ કર્યું હોત તો કંઈક અલગ કરી શક્યા હોત. આ જ વાત મને વ્યથિત કરે છે.’
અરિજિતના આ નિર્ણય વિશે વાત કરતાં ઇસ્માઇલ દરબારે કહ્યું હતું કે ‘અરિજિતે પોતાના બિઝનેસમૅન બ્રેઇનનો ઉપયોગ કર્યો છે. હું એટલું જરૂર કહીશ કે અરિજિત કોઈ ગતાગમ ન પડે એવી ભોળી વ્યક્તિ નથી. તે ખૂબ બુદ્ધિશાળી છે. તે જેટલો સારો ગાયક છે એટલો જ સમજદારીભર્યો તેનો નિર્ણય છે. તે જે કામ કરવા નથી ઇચ્છતો એ તેણે કરવું જ ન જોઈએ. આના કારણે હું ખુશ છું.’